www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઈન્વેસ્ટરોની સંપતિમાં 4 લાખ કરોડથી વધુનો વધારો

મોદીના વર્તારાને શેરબજારે ‘એડવાન્સ’માં જ માની લીધો: સેન્સેકસ-નિફટી નવી ટોચે


સેન્સેકસમાં 1180 પોઈન્ટનો ઉછાળો; 75407ની નવી ઉંચાઈ: અદાણી ગ્રુપ સહિતના હેવીવેઈટ શેરો ઉછળ્યા

સાંજ સમાચાર

રાજકોટ,તા.23
લોકસભાની ચૂંટણી પરિણામ બાદ શેરબજારમાં જબરદસ્ત તેજી થવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવિષ્યવાણી કરી હતી પરંતુ માર્કેટે મોદીની વાત એડવાન્સમાં જ માની લીધી હોય તેમ પરિણામ પુર્વે જ નવો રેકોર્ડ બનાવી દીધો છે. સેન્સેકસ તથા નિફટી નવી ટોચે પહોંચ્યા હતા. ઈન્વેસ્ટરોની સંપતિમાં 4 લાખ કરોડ કરતા પણ વધુનો વધારો થયો હતો.

શેરબજારમાં આજે શરૂઆત જ તેજીના ટોને થઈ હતી. વડાપ્રધાન મોદીએ ફરી વખત ચુંટણીમાં તોતીંગ બહુમતી મળવાનો વિશ્વાસ જાહેર કરતા સારી અસર થઈ હતી. પરિણામના દિવસથી માર્કેટમાં ચિકકાર તેજી થવાનો વર્તારો અગાઉ જ આપ્યો હતો. બ્રોકરો-ઈન્વેસ્ટોને દાવો ‘પરફેકટ’ હોવાનો વિશ્વાસ બેઠો હોય તેમ ધૂમ ખરીદી નીકળી હતી.

અમેરિકી નિષ્ણાંતે ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો મળવાનો રિપોર્ટ આપતા તેજીને ટેકો મળ્યો હતો. રિઝર્વ બેંકે સરકારને 2.11 લાખ કરોડનું ડીવીડન્ડ આપવાનું જાહેર કર્યુ છે અને તેના આધારે સ્ટ્રોંગ અર્થતંત્રની સાબીતી મળી જતી હોવાના આશાવાદની સારી અસર હતી. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે પ્રિ-ઈલેકશનની જેમ પ્રિ-રિઝલ્ટ તેજી છે. મોદી સરકારની જંગી બહુમતી સાથે વાપસી થવાના દ્દઢ આશાવાદનો પડઘો છે.

શેરબજારમાં આજે મોટાભાગના હેવીવેઈટ શેરોમાં ઉછાળો હતો. એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઈટન, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ વગેરે ઉંચકાયા હતા. સનફાર્મા, પાવરગ્રીડ, હિન્દાલ્કો, કોલ ઈન્ડીયા વગેરેમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1050 પોઈન્ટના ઉછાળાથી 75271 હતો તે ઉંચામાં 75407 તથા નીચામાં 74158 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 316 પોઈન્ટ વધીને 22914 હતો તે ઉંચામાં 22959 તથા નીચામાં 22577 હતો.

બીએસઈમાં આજે 3915 શેરોમાં ટ્રેડીંગ હતું તે પૈકી 1775માં ઉછાળો હતો. 2006માં ઘટાડો હતો. 201 શેરો વર્ષની ઉંચાઈએ પહોંચ્યા હતા. 253માં તેજીની સર્કીટ હતી. બીએસઈનું માર્કેટકેપ 419.50 લાખ કરોડે પહોંચ્યુ હતું.

 

 

Print