www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભીષણ ગરમીનો સામનો કરતા દિલ્હી, યુપી સહિત ઉતર ભારતમાં મેઘરાજાની એન્ટ્રીથી રાહત

દેશભરમાં ચોમાસુ જામ્યુ: 27 રાજયોમાં વ્યાપક વરસાદ


♦ વિજળી પડવાની શ્રેણીબદ્ધ ઘટના: બિહારમાં આઠ, ઉતરપ્રદેશમાં નવ, કર્ણાટકમાં ચાર, મહારાષ્ટ્રમાં બે સહિત કુલ 22 લોકોના મોત

સાંજ સમાચાર

♦ મધ્ય, દક્ષિણ અને પુર્વોતર ભારતના મોટાભાગના ભાગોમાં સાર્વત્રિક વરસાદ: માત્ર જમ્મુ-કાશ્મીર - પંજાબ જેવા અમુક ક્ષેત્રો જ કોરા 

નવી દિલ્હી,તા.27
દેશના મોટાભાગના ક્ષેત્રોમાં નૈઋત્ય ચોમાસુ બરાબર જામ્યુ હોય તેમ જમ્મુ-કાશ્મીર-હિમાચલ અને અમુક ઉતર પશ્ચિમના ભાગોને બાદ કરતા અન્ય 27 રાજયોમાં મેઘસવારી પહોંચી ગઈ છે અને વ્યાપક વરસાદ પડયો છે. જુદા જુદા ભાગોમાં વરસાદી દુર્ઘટનાઓને કારણે 22 લોકોના મોત નિપજયા હતા.

હવામાન વિભાગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના 27 રાજયોમાં હળવો ભારે વરસાદ નોંધાયો છે. ચોમાસુ આગળ વધવા માટેના અને વરસાદ પડવા માટેના સંજોગો પણ ઘણા અનુકુળ રહ્યા છે.

ઉતરીય અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર જેવા રાજયોમાં પ્રવેશ માટેના સાનુકુળ સંજોગો છે. પુર્વ અને પશ્ચિમી ઉતરપ્રદેશ, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદાખની સાથોસાથ ઉતરીય પંજાબ અને હરિયાણામાં પણ ચોમાસુ તુર્તમાં પહોંચી શકે છે. હાલ ચોમાસાની ઉતરીય રેખા મુંદ્રા, મહેસાણા, ઉદયપુર, શિવપુરી, સિદ્ધિ, લલીતપુર, હલ્દીયા, સાઈગંજ અને રકસોલથી પસાર થઈ રહી છે.

આગામી 30 જૂન સુધી કોકણ, ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, લક્ષદ્વીપ, ગુજરાત, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છતીસગઢમાં તથા આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, પોંડીચેરીમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશમાં હવામાન પલ્ટા વચ્ચે રોહતાંગપાસમાં હિમવર્ષા તથા ધર્મશાલામાં વરસાદ પડયો હતો. સિમલામાં પણ અમીછાંટણા થયા હતા. તા.30 સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ પાટનગર દિલ્હી સહિત ઉતર ભારતના રાજયોમાં પણ આજે વરસાદ વરસ્યો હતો. દિલ્હી તથા એનસીઆરમાં પણ સવારથી તેજ પવન વરસાદ પડયો હતો.

આજ રીતે ઉતરપ્રદેશમાં લખનઉ સહિતના શહેરોમાં વરસાદ થયો હતો. બિહારમાં પણ તોફાની વરસાદના અહેવાલ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દેશના આસામ, અરૂણાચલ પ્રદેશ, પુર્વોતરના તમામ રાજયો, પુર્વી ઉતરપ્રદેશ તથા દક્ષિણ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને પગલે અનેક સ્થળોએ વિજળી પડવા સહિતની દુર્ઘટનાઓમાં 22 લોકોના મોત નિપજયા હતા.

બિહારમાં વિજળી પડવાથી આઠ લોકોનો ભોગ લેવાયો હતો. ઉતરાખંડમાં વિજળી પડવાથી એક યુવકનું જયારે ઉતરપ્રદેશમાં નવ લોકોના મોત નિપજયા હતા. કર્ણાટકમાં ભારે વરસાદથી દિવાલ ધસી પડતા એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજયા હતા. જયારે મહારાષ્ટ્રના ઠાણેમાં વિજળી પડતા દંપતિનું મોત થયુ હતું.

 

Print