www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મેડીકલમાં વિદ્યાર્થીઓને વધુ તક: ગુજરાતમાં PG ની 450 બેઠકો વધશે


અમરેલીમાં 74, જામનગરમાં 24, રાજકોટમાં 4, ભાવનગરમાં 5 બેઠકો ઉમેરાશે

સાંજ સમાચાર

અમદાવાદ,તા.27
ગુજરાતની મેડીકલ કોલેજોની પોસ્ટ ગ્રેજયુએટ સીટોની સંખ્યામાં 450 બેઠકોનો મોટો વધારો થવાના સંકેત છે. નેશનલ મેડીકલ કાઉન્સીલે ચાલુ વર્ષે પોસ્ટ ગ્રેજયુએટની વધુ 200 બેઠકો મંજુર ક્રી છે અને વધુ 250 બેઠકોની મંજુરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ગુજરાતની મેડીકલ કોલેજોમાં ગત વર્ષે પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલની 250 બેઠકોનો વધારો થયો હતો તેની સરખામણીએ આ વર્ષે 40 ટકા વધુ બેઠકો ઉમેરાશે. મોટાભાગની બેઠકો આજથી કોલેજોને ફાળવવામાં આવશે જેમાં ઓલ ઈન્ડીયા કવોટા લાગુ પડતો ન હોવાના કારણોસર ગુજરાતના તબીબી વિદ્યાર્થીઓને મોટો લાભ થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.

ગુજરાતની મેડીકલ કોલેજોમાં છેલ્લા ત્રણ વર્ષમાં પીજી મેડીકલ બેઠકોની સંખ્યામાં 1100 સીટોનો વધારો થયો છે. સુત્રોના કહેવા પ્રમાણે વધારાની તમામ 450 બેઠકો ઓર્થોપેડીક મેડીસીન, રેડીયોલોજી, ગાયનેકોલોજી, ડર્મેટોલોજી જેવી બ્રાંચમાં ઉપલબ્ધ થશે.

ગુજરાતમાં હાલ મેડીકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજયુએટની 2557 બેઠકો છે. અને વધારાની બેઠકો મળવાના સંજોગોમાં કુલ સંખ્યા 3000 ને પાર થઈ શકે છે.પોસ્ટ ગ્રેજયુએટમાં પ્રવેશ પ્રક્રિયા પીજી નીટની પરીક્ષા બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે.

રાજય સરકારનાં સુત્રોએ કહ્યું કે નવા વર્ષથી પીજી મેડીકલની 200 બેઠકોનો વધારો નેશનલ મેડીકલ કાઉન્સીલે મંજુર કરી જ દીધો છે. વિવિધ કોલેજો ઔપચારીક પ્રક્રિયા કરી રહી છે. સરકારી મેડીકલ કોલેજોમાં 50 ટકા બેઠકો ઓલ ઈન્ડીયા કવોટા માટે અનામત રાખવી પડે છે. ગુજરાતમાં આવી અનામત બેઠકોની સંખ્યા 650 છે.

ગુજરાતની જે મેડીકલ કોલેજોમાં પીજી બેઠકોનો વધારો મંજુર થયો છે અથવા મંજુર થવાનો છે.તેમાં સૌથી વધુ 87 બેઠકો એન.ડી.દેસાઈ મેડીકલ કોલેજોને મળી છે. રાજકોટ મેડીકલ કોલેજને 4, ભાવનગર મેડીકલ કોલેજને 5 તથા જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજને 24, ભુજની અદાણી મેડીકલ કોલેજને 12, અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજને 74 બેઠકોનો વધારો મળશે.

 

Print