www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબી જિલ્લામાં 500થી વધુ ધાર્મિક દબાણો: સરકારે રિપોર્ટ મંગાવ્યો


સુપ્રિમ અને હાઇકોર્ટના આદેશ બાદ ફરી જવાબ રજૂ કરવો પડે એવી સ્થિતિ: તંત્ર દ્વારા ફરી સર્વે: ચાર નગરપાલિકા વિસ્તારમાં કાર્યવાહી: હાઇવે પર બાંધકામોનો વિકાસ!

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી તા.22
મોરબી શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તા, ફૂટપાથ તેમજ સરકારી ખરાબમાં જે ધાર્મિક દબાણ થયા છે તેને લઈને સુપ્રીમ કોર્ટ સુધી મેટર થઈ હતી અને ત્યારબાદ તેના આદેશ મુજબ કાર્યવાહી કરવાની હતી જોકે છેલ્લા વર્ષોમાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને હવે જ્યારે હાઇકોર્ટે સરકાર પાસેથી ધાર્મિક દબાણો બાબતે જવાબ માંગેલ છે ત્યારે મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ધાર્મિક દબાણોમાં સર્વે સહિતની કામગીરી તેમજ જે જગ્યા ઉપર દબાણ ખડકાઈ ગયા છે તેના આધાર પુરાવા મંગાવવામાં આવ્યા છે.

આગામી સમયમાં આ ધાર્મિક દબાણને હટાવવા અને તોડી પાડવા માટેની કામગીરી મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવે તેવી શક્યતાઓ છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લામાં અંદાજે નગરપાલિકા વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોની અંદર 500 થી વધુ ધાર્મિક દબાણ હોય તેવી શક્યતાઓ છે જેની આધાર પુરાવા સહિતની વિગતો મંગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર શેરી ગલીઓના રોડ, ફૂટપાથ, સરકારી ખરાબ તથા સરકારી જગ્યા ઉપર ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અને આ ધાર્મિક દબાણોમાં દિવસેને દિવસે ક્ધસ્ટ્રક્શન કરીને તે દબાણોને મોટા કરવામાં આવતા હોય તેવું પણ ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે ત્યારે થોડા સમય પહેલા આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટને સૂચના આપીને ધાર્મિક દબાણો વિશેની માહિતીઓ મંગાવવામાં આવી હતી જોકે લગભગ વર્ષ 2021 માં જે આદેશ કરવામાં આવ્યો હતો .

ત્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા જે તે સમયે કોઈ સઘન કામગીરી કરવામાં આવી ન હતી અને દબાણ કરનારો સામે પણ કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોય આજની તારીખે પણ મોટાભાગની જગ્યા ઉપર ધાર્મિક દબાણો યથાવત હોય તેવું જોવા મળી રહ્યું છે દરમ્યાન હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર પાસે ધાર્મિક દબાણો વિષેની માહિતી માંગવામાં આવી છે મોરબી જિલ્લામાં આવતી ચાર નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોની અંદર જે કોઈપણ જગ્યા ઉપર ધાર્મિક દબાણો છે તેની તમામ વિગતો હાલમાં ડીડીઓ મારફતે ગ્રામ પંચાયતો પાસેથી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર મારફતે શહેરી વિસ્તારમાંથી મંગાવવામાં આવી છે તેવી વિગતો સામે આવી રહી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મોરબી શહેર સહિત ચાર નગરપાલિકા તેમજ જિલ્લાના તમામ ગામોમાં સરકારી ખરાબા, ગોચરની જગ્યા, રોડ રસ્તા અને ફૂટપાથ વગેરે જગ્યા ઉપર કોઈપણ પ્રકારના ધાર્મિક દબાણ હોય તો તે અંગેના આધાર પુરાવા જે તે જગ્યાના સંચાલકો પાસેથી હાલમાં માંગવામાં આવી રહ્યા છે જોકે આ કામગીરી વર્ષ 2021 માં કરવાની હતી પરંતુ જે તે સમયના અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી ન હોવાના કારણે હવે વર્ષ 2024 માં આ કામગીરી ફરી પાછી હાથ ઉપર લેવામાં આવી છે અને મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધાર્મિક દબાણોની સર્વે તેમજ તેના જરૂરી આધાર પુરાવા સહિતની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ માહિતી ભવિષ્યમાં ગુજરાત સરકારને મોકલાશે અને ત્યારબાદ તેના મારફતે હાઇકોર્ટમાં જવાબ રજૂ થશે અને ત્યાર પછી હાઇકોર્ટ દ્વારા જે કોઈ પ્રકારની સૂચના આપવામાં આવશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેવું બિનઆધરભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અગાઉ જ્યારે આ પ્રકારની ચના આપવામાં આવી હતી .

ત્યારે કેટલાક ધાર્મિક દબાણના સંચાલકો દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ મોટાભાગના ધાર્મિક દબાણના કોઈપણ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા તરફથી તથા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામ પંચાયત તરફથી નોટિસો આપવામાં આવશે અને ધાર્મિક દબાણના જરૂરી કોઇની પાસે કોઈપણ આધાર કે પુરાવા હોય તો તે મંગાવવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે

જિલ્લાના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે જિલ્લાની અંદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 500 કરતાં વધુ ધાર્મિક દબાણો રોડ રસ્તા, ફૂટપાથ અને સરકારી ખરાબની જગ્યા ઉપર છે આ તમામ ધાર્મિક દબાણોની જરૂરી આધાર પુરાવા સહિતની માહિતીઓ મંગાવવામાં આવી છે અને ભવિષ્યમાં તેને રોડ રસ્તા, ફૂટપાથ અને સરકારી ખરાબ ઉપરથી ત્યાંના સંચાલકોને ખસેડી લેવા સૂચનાઓ આપવામાં આવે તે વાતને નકારી શકાય તેમ નથી અને જો તે ધાર્મિક જગ્યાને ત્યાંથી ખસેડવામાં ન આવે તો સરકારી બુલડોઝર મારફતે તેને તોડી પાડવામાં આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે જોકે હાલમાં તમામ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને મોરબી જિલ્લામાંથી તે ડેટા સરકારમાં મોકલવામાં આવ્યા બાદ સરકાર તરફથી જે આખરી સૂચના મળશે તે મુજબ ધાર્મિક દબાણોની સામે કાર્યવાહી કરવામાં આવશે 

Print