www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ફાઇલ પર સહી કરતા મ્યુનિસિપલ કમીશ્નરની કોઇ જવાબદારી ન હોય? તપાસ કમીટી તેમને બચાવે છે: હાઇકોર્ટ આક્રમક


વડોદરાના હરણી બોટ દુર્ઘટના કાંડનો સરકારનો રીપોર્ટ રજુ થતાં હાઇકોર્ટ નારાજ: ‘આ અહેવાલ જ આખરી હોય તો મુખ્ય સચિવ મુશ્કેલીમાં મુકાઇ જશે’- આકરી ટીપ્પણી

સાંજ સમાચાર

અમદાવાદ, તા.27
વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટના વિશે સરકારના રીપોર્ટ પર ગુજરાત હાઇકોર્ટે સખ્ત નારાજગી દર્શાવી હતી. આ રીપોર્ટ જ અંતિમ હોય તો મુખ્ય સચિવને મુશ્કેલી થવાની ચિમકી આપી હતી એટલું જ નહીં, કોઇપણ પ્રોજેક્ટમાં સહી કરનારા મ્યુનિસીપલ કમિશ્નરની કોઇ જવાબદારી બનતી નથી? તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો.

વડોદરામાં સ્કૂલ પિકનીક પર ગયેલા બાળકોના તળાવમાં બોટીંગ દરમ્યાન બોટ ઉંધી વળતા ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. 12 બાળકો અને બે શિક્ષકોનો ભોગ લેવાયો હતો. આ મામલે રાજ્ય સરકારે તપાસ કરાવી હતી તેનો રીપોર્ટ આજે હાઇકોર્ટમાં રજુ કર્યો હતો. આ રીપોર્ટ પર હાઇકોર્ટે સરકારનો  ઉધડો લીધો હતો અને એવી ટીપ્પણી કરી હતી કે તપાસ સમિતિ મ્યુનિસીપલ કમિશ્નરને બચાવવાનો પ્રયત્ન કરતી હોવાનું જણાય છે.

હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે સહી કરતાં પૂર્વે મ્યુ. કમિશ્નરની કોઇ જવાબદારી નક્કી થતી નથી? હાઇકોર્ટે એવી ચીમકી આપી હતી કે આ રીપોર્ટ જ આખરી હોય તો મુખ્ય સવિચ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. સાથોસાથ એમ પણ કહ્યું કે અગાઉ કોર્ટે જે અવલોકન કર્યું હતું તે જ સમિતિએ લખી નાખ્યું છે. આવું જ ચાલતું રહે તો દરેક પર આફત સર્જાઇ શકે છે.

એડવોકેટ જનરલે સ્વીકાર્યું હતું કે સરકારી પ્રક્રિયા ખામીયુક્ત હતી અને ટેન્ડર પ્રક્રિયા યોગ્ય રીતે ન થયાનો રીપોર્ટમાં ઉલ્લેખ છે જ. રીપોર્ટ વિશે તેઓએ અદાલત પાસેથી વધુ સમય માંગ્યો હતો.

 

 

Print