www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦ખોટી મિનિટ્સ નોટ બનાવવાના ગુનામાં ટીપીઓ સાગઠિયાની ધરપકડ થયા બાદ 6 દિવસના રિમાન્ડ મંજુર

ગેમઝોનને મનપાની આરોગ્ય શાખાએ ફૂડ લાયસન્સ આપ્યું’તું : પૂછપરછ શરૂ


♦ટીઆરપી અગ્નિકાંડમાં રાજકોટ મહાનગર પાલિકાની ફાયર, ટીપી બાદ વધુ એક શાખા તરફ તપાસ લંબાઈ

સાંજ સમાચાર

♦મિનિટ્સ નોટ અંગે ટીપી શાખાના 21 અધિકારી-કર્મચારીની પૂછપરછ : ક્રાઈમ બ્રાંચમાં ફરી તપાસનો ધમધમાટ વધ્યો

રાજકોટ, તા.19
ટીઆરપી ગેમઝોનને મનપાની આરોગ્ય શાખાએ ફૂડ લાયસન્સ આપ્યું હતું. તેવો ઘટસ્ફોટ થયો છે. જેથી આરોગ્ય શાખાના સંબંધિત અધિકારીઓની ઓન પૂછપરછ શરૂ થઈ છે. ટીઆરપી અગ્નિકાંડમાં રાજકોટ મહાનગર પાલિકાની ફાયર, ટીપી બાદ વધુ એક શાખા તરફ તપાસ લંબાતા મનપમાં સોંપો પડી ગયો છે. આ તરફ ખોટી મિનિટ્સ નોટ બનાવવાના ગુનામાં ટીપીઓ સાગઠિયાની ધરપકડ થયા બાદ 6 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

જેથી મિનિટ્સ નોટ અંગે ટીપી શાખાના 21 અધિકારી-કર્મચારીની પૂછપરછ થશે. જેથી ક્રાઈમ બ્રાંચમાં ફરી તપાસનો ધમધમાટ વધ્યો છે.ગેમઝોન અગ્નિકાંડના ગુનામાં ટીપીઓ એમ.ડી. સાગઠિયાને જેલ હવાલે કરવામાં આવેલ. ત્યારબાદ વિધિવત રીતે નકલી મિનિટ્સ નોટમાં ગુનામાં ક્રાઈમ બ્રાંચે જેલમાંથી સાગઠિયાનો કબ્જો લીધો હતો. ગઈકાલે સાંજે સાગઠિયાને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ.

જેમાં પોલીસે રિમાન્ડના મુદ્દા રજૂ કર્યા હતા. જેમાં જણાવેલ કે, આરોપી સરકારી અધિકારી છે, કાયદાથી જાણકાર છે, જેથી ગુના કામે તપાસમાં પુરતો સહકાર આપતા નથી. ફર્યું ફર્યું બોલે છે. મિનિટ્સ નોટ સિવાય અન્ય કોઇ કામગીરી સબબ આરોપીએ આવી કોઇ ફાઇલો બનાવી ને કોઇ જગ્યાએ રજુ કરેલ છે કે કેમ ? મિનિટ્સ નોટ આરોપીના હુકમથી કે પછી કોઈની મુજબ બનાવેલ છે? તે બાબતે યોગ્ય હકીકત જણાવતા નથી.  તેથી તપાસ થશે. ક્રોસ વેરીફીકેશન કરવા દરેક સાહેદો સાથે રાખી પુછપરછ કરવામાં આવશે. મીનીટસ નોટ જે-જે તારીખ અને સમયની છે ત્યારે આરોપી ખરેખર કયાં હતા તે અંગે પુછ પરછ કરવા માટે વધુ સમય લાગે તે હોય જેથી આરોપીની હાજરીની જરૂરીયાત છે.

આ ગુના કામમાં અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલ છે કેમ? તે બાબતે વધુ પુછ-પરછ કરવા આરોપીની હાજરી ની જરૂરીયાત છે. મુદ્દા ધ્યાને લઇ કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા. મિનિટ્સ નોટમાં 21 અધિકારી કર્મચારીઓની સહી છે. તેવું સૂત્રોએ જણાવ્યું છે. જેથી આ તરફ ક્રોસ વેરીફાઈ કરવા આ 21 કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે. તમામને ક્રાઈમ બ્રાંચે તેંડુ મોકલ્યું છે.

વિસ્તૃત વિગત મુજબ, અગ્નિકાંડ બાદ રાજકોટ શહેર પોલીસે ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાના અધ્યક્ષતામાં એક ખાસ તપાસ કમિટીની રચના થઈ હતી. આ સીટએ અત્યાર સુધીમાં ગેમઝોનના સંચાલક, ભાગીદાર, માલિકો સહિતના આરોપી ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ અને મનપાના અધિકારી આરોપીઓમાં ટીપીઓ મનસુખ ધનજી સાગઠીયા, એટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, એટીપીઓ મુકેશ રામજી મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરા, આસી. એન્જી. જયદીપ બાલુભાઈ ચૌધરી અને એટીપીઓ રાજેશ નરશી મકવાણાની ધરપકડ કરી છે. હવે તપાસનો માર્ગ મનપાની આરોગ્ય શાખા તરફ ફંટાયો છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગેમઝોનમાં એક ફૂડ ઝોન હતું. આ ફૂડ ઝોન માટે આરોપી મેનેજર નીતિન જૈને ફૂડ લાયસન્સ મેળવવા અરજી કરી હતી. આરોગ્ય શાખાએ ફૂડ લાયસન્સ આપ્યું હતું. ચર્ચા એવી છે કે, આરોગ્ય શાખાએ ફૂડ લાયસન્સ આપ્યું એટલે અધિકારીઓને ખ્યાલ જ હતો કે ગેમઝોનનું બાંધકામ ગેરકાયદે છે.  જોકે ક્રાઈમ બ્રાંચની આગળની તપાસ એ રહેશે કે, ફૂડ લાયસન્સ મેળવવા ક્યાં ક્યાં દસ્તાવેજો નીતિન જૈન દ્વારા આપાયા હતા.

 

Print