SANJ SAMACHAR | Date: 07-06-2024 Friday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
હૈદરાબાદ,તા.7
ભારતીય રાજકારણમાં ક્યારે કોના નસીબ ઉઘડી જાય અને કોનો સિતારો આથમી જાય તેની આગાહી કરવી મુશ્કેલ છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેટલી ચર્ચા થઈ રહી છે તેટલી જ ચર્ચા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુની પણ થઈ રહી છે.
નાયડુ પર અત્યારે કુદરત બહુ મહેરબાન હોય તેવું લાગે છે. શેરબજારમાં પાંચ દિવસથી ભયંકર ઉથલપાથલ ચાલે છે ત્યારે ચંદ્રબાબુ નાયડુના પત્નીને એક FMCG શેરમાં 579 કરોડની કમાણી થઈ છે.
TDPના નેતા ચંદ્રબાબુ નાયડુના પત્ની એન. ભુવનેશ્વરી હેરિટેજ ફૂડસ નામની કંપનીમાં મોટો સ્ટેક ધરાવે છે. હેરિજેટ ફૂડસ એક FMCG કંપની છે જેમાં તેજી આવી અને ભુવનેશ્વરીને જોરદાર નફો થયો છે. મંગળવારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે બજાર 4000 પોઈન્ટ કરતા વધારે ઘટ્યું હતું.
આવી સ્થિતિમાં પણ હેરિટેજ ફૂડ્સના શેર વધ્યા હતા. છેલ્લા પાંચ દિવસથી આ શેર વધતો જાય છે. લોકસભા ચૂંટણીના પરિણામોએ દલાલ સ્ટ્રીટને નિરાશ કર્યું પરંતુ ચંદ્રબાબુના પત્નીને જબ્બરજસ્ત ફાયદો મળ્યો છે.
હેરિટેજ ફૂડ્સની શેર હોલ્ડિંગ પેટર્ન જોવામાં આવે તો નાયડુના પત્ની ભુવનેશ્વરી પાસે આ કંપનીમાં 24.37 ટકા હિસ્સો છે. તેમની પાસે આ કંપનીના બે કરોડ 26 લાખ 11 હજાર 525 શેર છે. તેથી કંપનીના નિર્ણય પર ભુવનેશ્વરીનો ઘણો પ્રભાવ છે. 30 મે 2024ના રોજ આ શેર 402 રૂપિયા પર બંધ આવ્યો હતો. ત્યાર બાદ સોમવારથી શેર સતત વધતો જાય છે.
આજે પણ હેરિટેજ ફૂડનો શેર અપસાઈડમાં ખુલ્યો હતો અને 659 રૂપિયા પ્રતિ શેરના ભાવે પહોંચ્યો હતો. આ શેરની લાઈફટાઈમ હાઈ સપાટી બની ગઈ છે. છેલ્લા પાંચ દિવસની અંદર હેરિટેજ ફૂડ્સના શેરના ભાવમાં 256 રૂપિયાનો વધારો થયો છે. એન. ભુવનેશ્વરી પાસે તો આ કંપનીના બે કરોડ 26 લાખથી વધારે શેર છે તેથી તેમની નેટવર્થ સીધી 580 કરોડ રૂપિયા વધી ગઈ છે.