www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોમાસામાં કંટ્રોલ રૂમમાં કેવી ફરિયાદ આવે છે? કેટલી વારમાં નિકાલ થાય છે? દેવાંગ દેસાઇએ રૂબરૂ માહિતી લીધી

નાનામવા, રૈયા, મવડી રોડના વોંકળા પર રસ્તા બની ગયા: વરસાદી પાણીનો નિકાલ કયાંથી થાય?


વોર્ડ નં.11, નાના મવા સહિતના વિસ્તારમાં પાણી નિકાલની સિસ્ટમ બનાવવા કમિશ્નરની સૂચના : વાગળ ચોકડીની મુલાકાત લીધી : માધાપરમાં ડ્રેનેજ કામ પર રીસ્ટોરેશન માટે તાકીદ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 28
રાજકોટમાં સામાન્ય ઝાપટાથી માંડી હજુ માત્ર હળવો વરસાદ પડયો છે ત્યારે શહેરમાં ઠેર ઠેર ભરાતા પાણીની સમસ્યાના મુળમાંથી ઉકેલ લાવવા અને સ્ટ્રોમ વોટર લાઇન સંપૂર્ણ સાફ રહે તેવા  પ્રયત્નો કમિશ્નર દેવાંગ દેસાઇએ  વિસ્તારોમાં ઉતરીને શરૂ કર્યા છે. આજે કમિશ્નરે નાના મવા ચોક ખાતેના કંટ્રોલ રૂમની મુલાકાત લઇને સમીક્ષા કરી હતી તો જયાં વધુ પાણી ભરાય છે તે નાના મવા ગામ, વોર્ડ નં.11ના વગળ ચોકડી પાસેના વિસ્તારોની મુલાકાત લીધી હતી.

કમિશ્નરે વરસાદી પાણીના નિકાલ માટેની મોનીટરીંગ સિસ્ટમ એસઓપી સાથે લાગુ કરવા અધિકારીઓને કહ્યું છે.  પાઇપલાઇનની જેટીંગથી સફાઇ પૂરેપૂરી થાય તે જોવા તાકીદ કરી છે. જોકે રૈયા, નાના મવા અને મવડી રોડ પર વર્ષો પહેલા વોંકળા હતા જેની જગ્યાએ હવે ખુબ મોટા રોડ બની ગયા છે. આથી વરસાદી પાણીના નિકાલ માટેની જુની ક્ષમતા સામે હવે વરસાદી પાણીનો પ્રવાહ વધી ગયો હોય આ સમસ્યામાંથી જ સારામાં સારો રસ્તો કઇ રીતે નીકળે તે ચકાસવા પણ ઇજનેરોને કહ્યું છે. નાના મવા રોડ પર વર્ષો પહેલા 1ર મીટરનો વોંકળો હતો.

આ જગ્યાએ હવે ર4 મીટરનો રોડ બની ગયો છે. આથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે. પરંતુ વર્ષમાં થોડા દિવસ ભરાતા પાણી સામે અબજોના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇન પાથરવાનું બજેટ રાજકોટ કોર્પો.ને પરવડે તેમ નથી તે પણ હકીકત છે. આ વાત પણ તંત્રવાહકોના દિમાગમાં છે.

કમિશ્નરે ચોમાસા દરમ્યાન આઇસીસીસી ખાતે શરૂ કરવામાં આવેલ ફ્લડ કંટ્રોલ રૂમ, વોર્ડ નં.11માં વગળ ચોકડી, નાનામવા ગામ પાસે તથા આસપાસના વિસ્તારમાં સ્ટોર્મ વોટર કેચપીટની સફાઈ કામગીરી અને માધાપર ગામમાં ડ્રેનેજ લાઈનના કામની કામગીરી નિહાળી હતી. મ્યુનિસિપલ કમિશનરે ચોમાસા દરમ્યાન શરૂ કરાયેલ ફ્લડ કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી તેમજ સ્ટોર્મ વોટર કેચપીટની નિયમિત સફાઈ કરવા અધિકારીને સુચના આપી હતી.

ચોમાસા દરમ્યાન પાણી ભરાવા અંગે નાગરિકો દ્વારા આવતી ફરિયાદો અનુસંધાને આઇસીસીસી ખાતેના ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત કરી નાગરિકો દ્વારા કેવા પ્રકારે ફરિયાદો આવે છે અને ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં કરવામાં આવે છે તેની પણ માહિતી મેળવી હતી. 
 

કંટ્રોલ રૂમ
દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન નાગરિકોને પાણી ભરાવા અંગે ફરિયાદ હોય તો ફ્લડ કંટ્રોલ રૂમ નં. 0281 - 2228741 અને 0281-2225707 પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. 
 

વોર્ડ નં.11
વોર્ડ નં.11માં વગળ ચોકડી ખાતે સ્ટોર્મ વોટર પાણી ભરાવાની ફરિયાદ અનુસંધાને મુલાકાત કરી કમિશનરે વગળ ચોકડી અને સિલ્વરગોલ્ડ પાર્ક રેસીડેન્સી પાસે સ્ટોર્મ વોટર કેચપીટની નિયમિત સફાઈ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી. 
 

માધાપર ગામ
કમિશનરે માધાપર ગામ વોર્ડ નં.3માં ડ્રેનેજ લાઈનના કામની મુલાકાત લઈ જરૂરી રિસ્ટોરેશન વર્ક માટે એસઓપી તૈયાર કરવા અધિકારીને સુચના આપી હતી. આવા કામ માટે સુપરવાઇઝરથી માંડી ઇજનેર સુધીના કામની સિસ્ટમ હોવી જોઇએ તેવું પણ તેઓએ જણાવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન ના. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. અતુલ રાવલ, કુંતેશ મેતા, ડી.ઇ.ઇ. એચ. એમ. કોટક અને પાર્થ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Print