www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરીમાં એકિટવા ધીમે ચલાવવાનું કહેતા રીક્ષાચાલક પર પડોશી પરિવારનો ધોકા-પાઈપથી હીંચકારો હુમલો


નાણાવટી ચોક પાસે પરમેશ્ર્વર સોસાયટીનો બનાવ: રીક્ષાચાલક ઈબ્રાહીમભાઈ પર મહિલા સહિત ચાર શખ્સોએ કરેલા હુમલામાં વચ્ચે પડેલા તેમના ભાઈને પણ માથામાં પાઈપ ફટકારી દીધો: બન્ને ભાઈઓને સારવારમાં ખસેડાયા: યુનિ.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ તા.29

 નાણાવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટીમાં રીક્ષાચાલકે શેરીમાં એકટીવા ધીમે ચલાવવાનું કહેતા યુવાનના પરીવારજનોએ ધોકા પાઈપથી હુમલો કરી દીધો હતો. રીક્ષાચાલકને બચાવવા વચ્ચે પડેલ તેમના ભાઈને પણ પાઈપના ઘા ઝીંકીયા હતા. બનાવ અંગે યુનિ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.  બનાવ અંગે નાણાવટી ચોક પાસે ગાંધીગ્રામમાં રહેતા ઈબ્રાહીમભાઈ ઈદ્રીસભાઈ આમરોણીયા (ઉ.38)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સાહીલ, અકબર, રોનક ફીરોઝ અને રસીદાબેનનું નામ આપતા યુનિ. પોલીસે આઈપીસી 324, 323 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ રાત્રીના તેઓ રીક્ષા લઈ ઘરે આવી દુધની ડેરીએ દહીં લેવા જતા હતા ત્યારે શેરીમાં રહેતો સાહીલ બાબવાણી એકટીવા લઈ પુરપાટ સ્પીડ નીકલતા તેમને શેરીમાં વાહન ધીમે ચલાવ અમારે નાના બાળકો છે તેમ કહેતા આરોપી બોલાચાલી કરવા લાગેલ અને તેના પિતા અકબર હાથમાં પાઈપ લઈ ધસી આવી ગાળો આપી કહેવા લાગેલ છે કે મારા દિકરાને દબાવેશ તેમ કહી પાઈપનો ઘા માથામાં ઝીંકી દીધો હતો. તેમજ અકબરનો ભત્રીજો રોનક ધોકો લઈ ધસી આવી હુમલો કરી દીધો હતો. અને અકબરની પત્ની રસીદા અને તેના દિકરા સોહીલે પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.

 દરમ્યાન દોડી આવેલ ફરીયાદીની પત્ની અશ્માબેન, તેમનો ભાઈ શબ્બીર છોડાવવા વચ્ચે પડતા તેમના ભાઈ શબ્બીરને સોહીલે પકડી રાખી અકબરે ધોકો ફટકારી દીધો હતો. બાદમાં આરોપીઓ નાસી છૂટયા હતા. બનાવમાં રીક્ષા ચાલક બન્ને ભાઈઓને લોહીલોહાણ હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિ. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Print