www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નીટ પેપર કાંડ: ગુજરાતમાં ચાર શહેરોનાં 7 સ્થળે CBI ના દરોડા


◙ ગોધરા ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડામાં સવારથી ઓપરેશન: ચોંકાવનારા ખુલાસા થવાની આશંકા

સાંજ સમાચાર

◙ ઝારખંડમાં એક પત્રકાર સહિત પાંચની ધરપકડ: પરીક્ષા કો-ઓર્ડીનેટરની જ સંડોવણી હોવાનો ખુલાસો

અમદાવાદ,તા.29
મેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ‘નીટ’ પરીક્ષા-પરિણામમાં ગોટાળા મામલે સીબીઆઈએ આજે ગુજરાતમાં અમદાવાદ સહિત સાત સ્થળોએ દરોડા પાડયા છે અને તેમાં નવા મોટા ચોંકાવનારા ખુલાસા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીટ કાંડની તપાસ સીબીઆઈના હવાલે કરવામાં આવી જ છે. ગુજરાત, બિહાર, ઝારખંડ જેવા રાજયોનુ કનેકશન ખુલ્યુ છે. તપાસનીશ એજન્સીએ ત્રણ દિવસથી ગુજરાતમાં ધામા નાખ્યા છે.

આ દરમ્યાન ગોધરાના વિવાદાસ્પદ જલારામ સ્કુલના કેન્દ્રમાં તપાસ કરાયા બાદ આજે વ્યાપ આગળ ધપાવ્યો હોય તેમ ગોધરા ઉપરાંત આણંદ, ખેડા તથા અમદાવાદના સાત સ્થળોએ સવારથી દરોડાનો દોર શરૂ કર્યો હતો.

ગોધરાની જલારામ સ્કુલ સહિત ચાર જીલ્લાના સાતેય સ્થળોએ સવારથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તપાસ બાદ ચોંકાવનારા તથ્યો બહાર આવવાની આશંકા છે.

સીબીઆઈના સૂત્રોએ કહ્યું કે ગુજરાત સિવાયના ઝારખંડ જેવા રાજયોમાં પણ તપાસનો દોર જારી જ રહ્યો છે. ઝારખંડમાં હઝારીબાગ સ્થિત ઓએસીસ સ્કુલના પ્રિન્સીપાલ તથા નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નીટ પરીક્ષા માટે જેમને કો-ઓર્ડિનેટર નિયુક્ત કર્યા હતા તેવા એહસાનુલ, હક તથા વાઈસ પ્રિન્સીપાલ ઈમ્તીયાઝ આલમની ધરપકડ કરવામાં આવી હતી.

આ સિવાય સમગ્ર કૌભાંડમાં ઝારખંડના પત્રકાર જમાલુદીન અંસારીનું નામ આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. પત્રકાર તથા સ્કુલ પ્રિન્સીપાલ વચ્ચેના કોલ ડીટેઈલની તપાસ કરવામાં આવી હતી અને તેના આધારે પત્રકારની સંડોવણી ખુલતા ધરપકડ કરવામાં આવી છે.

નીટ પરીક્ષામાં કથિત ગોટાળા મામલે તપાસનો દોર હાથમાં લીધા બાદ સીબીઆઈએ અત્યાર સુધીમાં છ એફઆઈઆર દાખલ કરી છે. એક એફઆઈઆરમાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદના આધારે ખુદ ફરિયાદી બની છે જયારે પાંચ ફરિયાદો ગુજરાત સહિતના રાજયોમાં નોંધાઈ હતી તે પણ સીબીઆઈએ પોતાના હવાલે લઈ લીધી છે. બિહાર-ગુજરાતમાં એક-એક તથા રાજસ્થાનમાં ત્રણ એફઆઈઆર દાખલ થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેડીકલમાં પ્રદેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. આ વર્ષે દેશના 571 શહેરોના 4750 પરીક્ષા કેન્દ્રો પરથી 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પ્રવેશ પરીક્ષાનું પેપર લીક થવા સહિતના ગંભીર આરોપ સાથે સુપ્રીમકોર્ટમાં અનેક અરજીઓ થઈ છે.

સુપ્રીમકોર્ટે વિવિધ મુદાઓ પર નેશનલ ટેસ્ટીંગ એજન્સીના જવાબ માંગીને 8મી જુલાઈએ સુનાવણી કરી રહી છે. આ દરમ્યાન કેન્દ્ર સરકારે પેપર લીકની વાત નકારીને તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. આ પ્રકરણમાં દોષિતોને નહીં છોડવાનું પણ જાહેર કર્યુ છે. લાખો મેડીકલ વિદ્યાર્થીઓને અસરકર્તા આ પ્રકરણના તીવ્ર રાજકીય પ્રત્યાઘાતો પણ છે. સંસદમાં વિપક્ષે મુદો ઉભો કર્યો હતો.

Print