www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામકંડોરણામાં ખનીજ માફિયાઓ સહિતના લુખ્ખાઓ બેફામ

જનતા રેડ કરવા ગયેલ વેપારીની દુકાનમાં ઘુસી નવ શખ્સોએ લૂંટ ચલાવી ધમકી આપી


ખાણ-ખનીજમાં શું અરજી કરી કહી વેપારીને દુકાનમાંથી બહાર કાઢી રેતી સટ્ટાના રૂપીયા તારે આપવા પડશે અને ખોટા ગુનામાં ફિટ કરાવી દેશું કહીં ધમકી આપી

સાંજ સમાચાર

♦જ્યારે સામાપક્ષે રાહુલ બગડા દારૂ પિતા હોય તેવો વિડીયો ઉતારતાં હોય ત્યારે રાજદિપસિંહ ઝાલાએ  અમે પોલીસને હપ્તા દઈએ છીએ, અહીંયા કોઈ આવશે નહી કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા: જામકંડોરણા પોલીસે સામસામો ગુનો નોંધી તપાસ હાથ ધરી

 

 રાજકોટ તા.1
જામકંડોરણામાં રહેતાં રાહુલ બગડા અને તેના ભાઈઓએ દારુ અંગે જનતા રેડ કરી ત્યારે રાજદીપસિંહ ઝાલાએ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતાં તેની સામે એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે સામે રાજદીપસિંહ ઝાલાએ પણ રાહુલ બગડા અને તેનાં ભાઈઓ સામે લૂંટ ચલાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

મળતી વિગત મુજબ ફરિયાદી રાહુલભાઇ ઉર્ફે બાવલો પ્રેમજીભાઈ બગડા (ઉ.વ.28, રહે. જામકંડોરણા ઇન્દીરા નગર) એ રાજદીપસિંહ ઉર્ફે પીન્ટુભા જોરૂભા ઝાલા સામે ફરિયાદ કરી હતી.

જે ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.29/06/2024 ના રાત્રીના આઠ વાગ્યા આસપાસ જામકંડોરણા ભાદરા નાકા પાસે હું તથા મારા ભાઇ વિજયભાઈ પ્રવીણભાઈ બગડા,  ભાર્ગવભાઈ જેન્તીભાઈ બગડા, બીપીનભાઈ કિશોરભાઈ સાગઠીયા, સંજયભાઈ હીરાભાઇ બગડા, વિજયભાઈ મેધાભાઈ સોમૈયા, દિવ્યેશભાઈ જેન્તીભાઇ ભગડા, કુલદીપભાઇ હિતેશભાઇ બગડા, દર્શનભાઈ ભીખાભાઈ બગડા તથા પ્રવીણભાઈ ભાણજીભાઈ બગડા અમે બધા જામકંડોરણાના ઇન્દીરાનગર દેવીપુજક વાસમાં જનતા રેડ કરવા ગયેલ ત્યારે રાજદીપસિંહ ઉર્ફે પીન્ટુભા જોરૂભા ઝાલા (રહે.ઇન્દીરાનગર તા. જામકંડોરણા)ની દુકાનની બાજુમાં રમેશભાઇ સોમાભાઈ ચાવડા અને કિશોરભાઈ ખીમજીભાઈ મઢવી દારૂ પીતા હોય જેનો ફરિયાદી વિડિયો ઉતારતો હોય, તે વખતે રાજદીપસિંહ ઉર્ફે પીન્ટુભા ઝાલાએ કહેલ કે અમે પોલીસને હપ્તા દઈએ છીએ.

અહીંયા પોલીસ આવશે નહી. અગાઉ પણ તમે અમારા દારૂ વેચાણના વીડીયો ઉતારેલ હતો. તારાથી થાય તે કરી લે અને તમારા વિરૂધ્ધ ખોટી ફરીયાદ કરી તમને ફીટ કરાવી દઈશ તેમ ધમકી આપી હતી. તેમજ ભાવેશભાઇ વાણવીએ અગાઉ જનતા રેઈડ કરેલ હોય. જેમાં ફરિયાદી સાથે હોય, તેનો ખાર રાખી રાજદીપસિંહ ઝાલાએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ધમકી આપી હતી. જે અંગે જામકંડોરણા પોલીસે એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

જ્યારે સામાપક્ષે પણ રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુભા જોરૂભા ઝાલા (ઉ.વ.35, રહે. જામકંડોરણા ઇન્દીરાનગર) એ નવ આરોપીનું નામ આપી ફરિયાદ કરી હતી. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું શીવશક્તિ પ્રવિઝન સ્ટોર નામની દુકાન ચલાવું છું.ગત તા.29/06/2024 ના હું મારી દુકાને હતો ત્યારે રાત્રીના આઠ વાગ્યાં આસપાસ જામકંડોરણા ગોંડલ રોડ પર રહેતો રાહુલ ઉર્ફે બાવલો પ્રવિણભાઈ બગડા તથા તેની સાથે દિવ્યેશ જેન્તીભાઈ બગડા બંને એક્ટીવા લઇને મારી દુકાને આવેલ અને  રાહુલ બગડાએ કહેલ કે, તારો ભાઈ કુલદીપસિંહ ઉર્ફે બબુ ઝાલા ક્યા છે.

જેથી મે કહેલ કે તે અહીંયા નથી આ દરમ્યાન આ રાહુલ બગડાના ભાઈ વિજય પ્રવિણ બગડા, સંજય હીરા બગડા, ભાર્ગવ જેન્તીભાઈ બગડા, બીપિન કીશોરભાઈ સાગઠીયા, દીલીપ ઉગાભાઈ બગડા, દર્શન ભીખાભાઈ બગડા, કુલદીપ હિતેશભાઈ બગડા બધા આવેલ અને કહેલ કે તારો ભાઈ બબુ ઝાલા ક્યાં છે. તેમણે અમારી વિરૂધ્ધ ખાણ-ખનીજમાં અરજી કરી અમારી રેતીનો સટ્ટો પકડાવી દીધેલ છે.

જેથી તેનો તમામ દંડ ખર્ચો તમારે બંને ભાઈએ આપવો પડશે. જો આ રેતીના સટ્ટાના પૈસા આપ્યા નથી તો તમો બંને ભાઇઓ અઠવાડીયામાં ખોવાઇ જશો તેમ કહી મને ત્યા બાજુના પ્લોટમા લઇ ગયેલ અને ત્યા રાહુલ બગડાએ મારા ખિસ્સામાં રહેલ દુકાનના વેપારના છ-સાત હજાર રૂપિયા કાઢી લીધેલ. અને આ બંને કહેતા હતા કે, અમારી રેતીનો સટ્ટો પકડાયેલ છે.

તેનો તમામ દંડ સહીતનો ખર્ચો આપીશ નહી તો તને એટ્રોસીટીના ગુનામાં ફીટ કરાવી દઈશ. ધમકી આપી હતી. બાદ ત્યાંથી આ બધાં નાસી ગયેલ. બાદ મને જાણવા મળેલ કે, આ રાહુલ બગડાએ મારા વિરૂધ્ધ એટ્રોસીટીની ફરીયાદ કરેલ છે અને આ લોકો મને હજી પણ હેરાન-પરેશાન કરશે જેથી મે મારા ઘરે ફીનાઇલ પી લીધેલ હતી. મારા મમ્મી જોઇ જતા તેમણે અમારા પાડોશીને બોલાવેલ અને 108 મારફત જામકંડોરણા સરકારી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયેલ. બાદ વધુ સારવાર માટે જુનાગઢ સીવીલ હોસ્પિટલમા રીફર કરવામાં આવેલ. બનાવ અંગે જામકંડોરણા પોલીસે નવ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Print