www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં તથ્યકાંડ થાય તો નવાઈ નહીં!

RAJKOT : રૈયારોડ પર અનેક વાહનોને હડફેટે લેનાર સ્કોર્પિયોના ચાલક કે માલિક સામે ગુનો ન નોંધાયો


◙ ગાંધીગ્રામ પોલીસ બચાવની ભૂમિકામાં: ચાલક સગીર હતો, છતાં પોલીસ જીવલેણ અકસ્માતની રાહ જોતી હોય તેમ સમાધાન કરાવી નાખ્યું: નબીરાઓને મોકળો પટ

સાંજ સમાચાર

◙ સગીરને કાર ચલાવવા આપનાર સામે ખુદ પોલીસે ફરીયાદી બની ગુનો દાખલ કરવો જોઈએ: પરંતુ બધુ સેટલમેન્ટ

રાજકોટ. તા.22
અમદાવાદમાં થયેલ તથ્યકાંડ રાજકોટમાં બને તો નવાઈ ન પામતાં કેમ કે, નબીરાઓને બચાવવા ખુદ પોલીસ જ મેદાને પડી છે. રૈયારોડ પર એરપોર્ટ ફાટક પાસે બેકાબુ બનેલા સ્કોર્પિયો કારના સગીર ચાલકે અનેક વાહનોને હડફેટે લઈ કચડી નાંખ્યા હતાં. જો કે, સદનસીબે કોઈ વ્યક્તિ ભોગ બનતાં બચી ગયાં હતાં. પરંતુ ત્યાં હાજર લોકોએ મોતને સામે નિહાળી લીધું હતું. કારચાલક ટેણીયો યાજ્ઞિક રોડથી કાર પુરપાટ ચલાવી પોલીસને ખો આપી રહ્યો હતો અને પોલીસથી બચવા સામાન્ય લોકોની ઝીંદગી જોખમમાં મૂકી વાહનો કચડી નાંખ્યા હતાં.

આ જીવલેણ જેવાં અકસ્માતના બનાવમાં પોલીસ બચાવની ભૂમિકામાં આવી મધ્યસ્થી કરીને મામલો રફેદફે કરી નાંખ્યો હતો. પોલીસ પણ તથ્યકાંડની રાહ જોઈ બેઠી છે કે, નબીરાઓ કોઈ ને જીવ લે બાદમાં ગુનો નોંધવાની શરૂઆત કરશું.ગઈ તા.20 ના આમ્રપાલી ફાટક પાસે સુભાષનગર રોડ પર આજે એક સ્કોર્પિયો ચાલકે લોકોના જીવ જોખમમાં મુક્યા હતા.

સગીરે બેફામ સ્કોર્પિયો ચલાવી એક કાર અને બે બાઈકનો બુકડો વાળી દીધો હતો. બનાવ વખતે નજરે જોનાર સ્થાનિકોએ કહ્યું કે, આશરે 120 ની સ્પીડે કાર હંકારી ચાલકે આ અકસ્માત સર્જયો છે. બનાવ બન્યો ત્યારે ત્યાં પોલીસની વાન હોય, તુરંત આ વાન સ્કોર્પિયો ચાલકને પકડવા પાછળ થઈ હતી. સ્થાનિકોએ કહ્યું, પંચર હોવા છતાં સ્કોર્પિયો બેફામ હંકારી લોકોના જીવ જોખમમાં મુક્યા હતા.

સદનસીબે કોઈને ઇજા થઇ નથી. પોલીસે સગીર સહિત બે ને પકડ્યા હતા. જોકે જેના વાહનોમાં નુકસાન થયું છે તેની સાથે સગીરના પરિવારે સમાધાન કરી લેતા સુધીમાં કોઈ ગુનો દાખલ થયો નથી, તેવું ગાંધીગ્રામ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, સગીર વયનો તરૂણ કાર ચલાવતો હોય તો તેને કાર આપનાર કાર ચાલક સામે ગુનો નોંધાઈ શકે છે અને પોલીસ જ ખુદ ફરિયાદી બની દાખલો બેસાડવો જોઈએ.

જેથી ફરીવાર કોઈ વાલીઓ તેમના સગીર સંતાનોને કાર આપે નહિ, પરંતુ ગાંધીગ્રામ પોલીસ તો ખુદ જ જીવલેણ અકસ્માતની રાહ જોઈ બેઠી હોય તેમ બંને પક્ષ તરફે સમાધાન કરાવી દિધું હતું. ભોગ બનનારને માત્ર નુકશાનીનો ખર્ચો અપાવી પોતે સેટલમેન્ટ કરી બનાવને રફેદફે કરી નાંખ્યો હતો.ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થોડા સમય પહેલાં થયેલ તથ્યકાંડ અકસ્માતમાં નવ ઝીંદગીના જીવ ગયાં હતાં. તેમાં પણ તથ્યએ અગાઉ અકસ્માત સર્જ્યો હોવા છતાં તેના સામે તત્કાલીન કોઈ કાર્યવાહી થઈ ન હતી અને બાદમાં જીવલેણ અકસ્માત સર્જ્યો હતો. હવે રાજકોટમાં જોવું રહ્યું.

વાલીઓની પણ તેટલી જ જવાબદારી: પોતાના સંતાનો કોઈનો જીવ હણે તેવો પ્રેમ ન દેખાડે
રાજકોટ. તા.22

રાજકોટમાં બે દિવસ પહેલાં સગીર સ્કોર્પિયો કાર ચાલકે પુરપાટ કાર ચલાવ્યાં બાદ કાર બેકાબુ થતાં અનેક વાહનોને કચડી નાંખ્યા હતાં. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

આ બનાવમાં પોલીસની સાથે સાથે વાલીઓની પણ તેટલી જ જવાબદારી બને છે. પોતાના સંતાનો જ્યાં સુધી પુખ્ત ન થઈ જાય અને લાયસન્સ ન આવે ત્યાં સુધી કાર ડ્રાઈવ કરવા આપવી ન જોઈએ, પોતાના સંતાનો કોઈનો જીવ હણે તેવો પ્રેમ પણ કોઈની જિંદગી છીનવી ન લે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

 

 

 

Print