www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માત્ર બનાસકાંઠા જ નહીં- અન્ય અડધો ડઝન બેઠક પરના અસંતુષ્ટો સામે પગલાની રાહ


મુખ્યમંત્રી - પ્રદેશ પ્રમુખે એકે એક ઉમેદવાર પાસેથી વફાદારો અને ગદ્દારોનો રિપોર્ટ લીધો

સાંજ સમાચાર

ગાંધીનગર,તા.18
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સોમવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તમામ ઉમેદવારો, પ્રભારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.

આ બેઠક પુર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળશક્તિમંત્રી પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી. પાટીલે બેઠકમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં મારી મહેનતમાં કયાંક કચાશ રહી ગઈ હશે એના લીધે આપણે અપેક્ષિત પરિણામ હાંસલ કરી શકયા નથી.

પરંતુ હવે આ પરિણામો પછી આપણે લોકો સાથેનો સંપર્ક અને નાતો ફરીથી સઘન બનાવવાનો છે. જનતાના અનેક પ્રશ્નોના ઉકેલ માટે આપણે સરકારમાં છીએ એટલે પ્રામાણિક પ્રયત્નો કરવા જોઈશે. ભાજપના કાર્યકરો માટે સતા એ સેવાનું માધ્યમ છે એ વાત કેન્દ્રમાં રાખવાની છે.

પ્રદેશ નેતાઓએ દરેક ઉમેદવારને વન ટુ વન મળીને પરિણામો અંગેની જાણકારી મેળવી હતી. કેટલાક ચુંટાયેલા સભ્યોએ પોતાના મતવિસ્તારમાં કયાં કેવી કામગીરી થઈ છે તેની જાણકારી આપી હતી. જો કે, કેટલાકે પક્ષ વિરોધી પ્રવૃતિ કોના દોરી સંચારથી થઈ છે તેનો ઘટસ્ફોટ કર્યો હતો.

અહીં નોંધવું જરૂરી છે કે ભાજપના ઉમેદવારો સામે જામનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, આણંદ, ભરૂચ, વલસાડ, અમરેલીમાં કેટલાક અંશે પક્ષ વિરોધી કામગીરી કરાઈ હોવાની વિગતો બહાર આવી છે.

ખાસ કરીને પક્ષમાં વધતાં જતાં કોંગ્રેસીકરણ અને અગાઉ પક્ષ વિરોધી પ્રવૃતિ પછી પગલાં લીધા હોય એવા કાર્યકરોને વાજતેગાજતે પાછા લેવાથી અનેક કાર્યકરો નારાજ થયા હતા. આ નારાજગીએ ભાજપની એક ડઝન જેટલી બેઠકો પર લીડ કપાઈ હતી. આ બધા મુદે જિલ્લાના રિપોર્ટ પર હવે પ્રદેશ નેતૃત્વ કેવી કાર્યવાહી કરે છે એના પર કાર્યકરોની નજર છે.

Print