www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દોઢ ઇંચ વરસાદમાં ફરી જળબંબાકાર : રૈયા એકસચેંજ ચોકમાં અંધાધૂંધી


સાંજ સમાચાર

રાજકોટમાં શનિવારે બપોરે હળવો વરસાદ પડયા બાદ રવિવાર રાત સુધી માત્ર ઝરમર વરસાદ પડયો હતો. આ બાદ આજે વહેલી સવારે સારો વરસાદ શરૂ થતા દોઢ ઇંચ જેટલું પાણી પડયું હતું. પરંતુ આઠેક વાગ્યા બાદ માત્ર ઝરમર વરસાદ પડતો હતો. આમ છતાં વહેલી સવારે ઘર બહાર વાહન લઇને નીકળેલા લોકો સામાન્ય વરસાદમાં પણ જાણે પુર આવ્યું હોય તેમ હેરાન થયા હતા.

150 ફુટ રીંગ રોડ પર સૌથી ટ્રાફિક ગ્રસ્ત સર્કલની યાદીમાં રૈયા ટેલીફોન એકસચેંજ ચોક આવે છે. ઇન્દિરા સર્કલ અને રૈયા ચોકડી વચ્ચે બીઆરટીએસ ટ્રેક વચ્ચે માત્ર રૈયા એકસચેંજ ચોક  ચારે તરફથી અવરજવર માટે ખુલ્લો છે. આથી છેક યુનિ. સુધી જતા વાહનો પણ અહીંથી પસાર થાય છે.

આ એકસચેંજ પાછળ મોટો રહેણાંક વિસ્તાર રહેલો છે. પરંતુ ભારે ટ્રાફિકના કારણે આ ચોકમાં સિગ્નલ અને ટ્રાફિક પોલીસ સ્ટાફ મુકવા પડયા છે. આ ચોકનું મહાકાય સર્કલ ટુંકાવવાથી માંડી સર્કલ પર બ્રીજ બનાવવાના પ્લાન જાહેર થયા હતા. પરંતુ એકેય વાત આગળ ન વધતા આ ચોકમાં રોજ ટ્રાફિકની અંધાધૂંધી રહે છે.

આજે પણ આ ચોકમાં સવારે 8.30થી 10.30 જામ થઇ ગયો હતો. આ સમયે પોલીસે ખડેપગે રહેવું પડયું હતું. તો માધાપર ચોકડી કાયમ પાણીમાં ડૂબેલી જોવા મળે છે. ઝાપટામાં પણ આ ચોકમાં પાણી ભરાયેલું રહે છે અને બ્રીજની બંને તરફ નદી વહેતી હોય તેવો અનુભવ લોકો કરતા હોય છે.

અન્ય તસ્વીરોમાં પશ્ચિમ રાજકોટના સાધુ વાસવાણી રોડ, યુનિ. રોડ, રૈયા રોડ, ગોપાલ ચોક, ગંગોત્રી પાર્ક રોડ, રૈયા ગામ રોડ સહિતના રસ્તે પણ નદીઓ વહી ગઇ હતી. ગોઠણડૂબ પાણીમાંથી  ધકકા મારીને વાહન બહાર કાઢવા પડયા હતા. રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા અને નિકાલની વ્યવસ્થા કેટલી ધીમી છે તે આજે પણ જોવા મળ્યું હતું.(તસ્વીર : દેવેન અમરેલીયા)

 

Print