www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડયા..

થોરાળામાં ઓપન બાર:દારૂનું ધુમ વેચાણ: વીડિયો વાયરલ


દેશી દારૂ, ચખના, સોડા, વેફર્સ, મમરાની વ્યવસ્થા સાથે ગટાગટ પોટલી પીતા લોકો વીડિયોમાં દેખાયા: પોલીસ દોડતી થઈ ગઈ

સાંજ સમાચાર

રાજકોટ તા.24

શહેરમાં દિવસ અને રાત ક્રાઈમના અલગ અલગ બનાવો સામે આવતા રહે છે. મુખ્યત્વે નશાની હાલતમાં ક્રાઈમ થતા હોય છે જોકે ગુજરાતમાં દારૂબંધી છે છતા બેફામ દારૂનું વેંચાણ થાય છે તે કોઈ નવી વાત નથી. રાજકોટમાં આવેલા દેશી દારૂના હબ ગણાતા થોરાળા વિસ્તારમાં શરાબનું ઓપનબાર ધમધમતું હોય, તેવો એક વીડિયો વાયરલ થયો છે. જેને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ છે.

 આ અંગે મળતી વિગત મુજબ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કોઈ મકાન પાછળના ખુલ્લાવાડા કે વંડામાં રાત્રીના સમયે પણ અસંખ્ય યુવાનો ઉભા છે અને કેટલાક ટોળામાં કુંડાળું વળી બેઠા છે. કેટલાકના હાથમાં કોથળીયું જોવા મળે છે. કોઈ સેવ-મમરા, સીંગ વગેરે હાથમાં લઈ ખાઈ રહ્યા છે, એકાદ પાસે સોડા બોટલ પણ છે, તો કેટલાક ગ્લાસમાં પ્રવાહી ઠાલવી પી રહ્યા છે. કેટલાક સીધી જ પોટલી મોઢે લગાવી પી રહ્યા છે. વાયરલ વીડિયો અંગે હજુ સુધી પુષ્ટી નથી થઈ કે કયાં વિસ્તાર કે કયાં સ્થળનો છે. જોકે, સોશ્યલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે, આ વીડિયો થોરાળા વિસ્તારનો છે અને ઓપન બારમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે.

 અત્રે નોંધવું રહ્યું કે તાજેતરમાં જ સ્ટેટ મોનિટરીંગ સેલે થોરાળા વિસ્તારના ગંજીવાડામાં દરોડો પાડી બેરોકટોક ચાલતી વર્લી આંકડાની મોટી જુગાર કલબ ઝડપી લીધી હતી. એસએમસીએ અગાઉ પણ એ જ સ્થળે દરોડો પાડેલો. તેથી સ્થાનિક થોરાળા પોલીસ પહેલાથી જ સવાલોના ઘેરા વચ્ચે છે, ત્યારે આ વીડિયો વાયરલ થતા પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે.

Print