www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મંદિરના 2012 થી 2024 નાણાકીય વ્યવહારોની તપાસ કરી તેને જાહેરમાં મુકો: અરજદાર

મહુડીનાં શ્રી ઘંટાકર્ણ મંદિરમાં 130 કિલો સોના તથા 14 કરોડની ગેરરિતીના મામલે પીઆઈએલ દાખલ


જૈનોની આસ્થાના પવિત્ર તીર્થસ્થળ કમીટીનાં સભ્યો ભૂપેન્દ્રભાઈ વોરા અને કમલેશ મહેતા પર નાણાંકીય ગોટાળાના અરજદારનાં આક્ષેપથી ખળભળાટ

સાંજ સમાચાર

અમદાવાદ,તા.23

જૈનોની આસ્થાના તીર્થસ્થળ મહુડીના શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં કમીટીનાં સભ્યો દ્વારા 130 કિલો સોના અને રૂા.14 કરોડની નાણાંકીય ગેરરીતીનાં આક્ષેપ સાથે હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.કમીટીનાં સભ્યો ભૂપેન્દ્રભાઈ વોરા અને કમલેશભાઈ મહેતા ઉપર અરજદાર દ્વારા નાણાકીય ગોટાળાના આક્ષેપોનાં પગલે ખળભળાટ મચ્યો છે.

અરજદારે એવી માંગ કરી છે કે મંદિરનાં વર્ષ 2012 થી 2024 નાણાંકીય વ્યવહારોની તપાસ માટે રાજય સરકાર અથવા તો ચેરીટી કમિશ્નર એક કમીટીની નિમણુંક કરે અને કમીટીના અંતિમ અહેવાલને જાહેરમાં મુકવામાં આવે, જેથી કરીને વિશ્વ પ્રસિદ્ધ મંદિરનાં નાણાંકીય વ્યવહારો અંગેની પારદર્શીતા સામે આવી શકે. આ જાહેર હિતની અરજીની સુનાવણી વેકેશન બાદ ચીફ જસ્ટીસની ખંડપીઠ સમક્ષ થાય તેવી શકયતા છે.

પ્રસ્તુત કેસમાં અરજદાર જયેશભાઈ બાબુલાલ મહેતાએ એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફત પીઆઈએલ દાખલ કરી છે. જેમાં એવી રજુઆત કરી છે કે અરજદાર પોતે જૈન છે અને તે પોતાની ફરજ સમજે છે કે મહુડીનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થળ ઘંટાકર્ણ મહાવીર મંદિરનાં બે મેનેજમેન્ટ કમીટીનાં સભ્યો દ્વારા 130 કિલો સોનુ અને રૂા.14 કરોડ રોકડની નાણાંકીય ગેરરીતી આચરી છે.

વર્ષ 2012 થી વર્ષ 2024 સુધીમાં આ તથાકથીત કમીટી સભ્યો દ્વારા ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે મહુડીના પવિત્ર મંદિરનાં દૈનિક કામકાજો પોતાની મરજી અને માંગ મુજબ ચલાવ્યુ છે અને એ રીતે તેમણે નાણાંકીય લાભ લેવા માટે જાહેર નાણાને ભારે નુકશાન પહોંચાડયુ છે.

રિટમાં વધુમાં એવી રજુઆત કરવામાં આવી છે કે આ ગેરરીતી મામલે ચેરીટી કમિશ્નર સમક્ષ ફરીયાદ પણ કરવામાં આવી હતી જેની ત્રણ અરજીઓ આજે પણ ચેરીટી કમિશ્નર સમક્ષ પડતર છે.પરંતુ કોઈ અસરકારક સુનાવણી હાથ ધરવામાં આવતી નથી. મંદિરની વર્તમાન મેનેજમેન્ટ કમીટી વિરૂદ્ધ વિવિધ પ્રકારના ગંભીર આક્ષેપ છે.ત્યારે અરજદારની નામદાર હાઈકોર્ટને વિનંતી છે કે આ તમામ આક્ષેપોની પારદર્શી તપાસ માટે રાજય સરકાર અથવા તો ચેરીટી કમીશ્નર દ્વારા એક કમીટીનું ગઠન કરવામાં આવે.

જે કમીટી દ્વારા વર્ષ 2012 થી વર્ષ 2024 સુધીના મંદિરના વિવિધ વ્યવહારો ઓડીટ અને એકાઉન્ટ રિપોર્ટની તપાસ કરીને એક ફાઈનલ રીપોર્ટ તૈયાર કરવામાં આવે. જે રિપોર્ટ જાતિહીતને લક્ષ્યમાં રાખીને પબ્લિક જાહેર હીતને લક્ષ્યમાં રાખીને પબ્લિક ડોમેઈનમાં મુકવો જોઈએ. જેથી કરીને મહુડી જેવા વિશ્ર્વ પ્રસિધ્ધ મંદિરને મળતા દાન અંગેની પારદર્શીતા પણ વધે.

 

આદર્શ કો-ઓપ-બેંકનાં મુકેશ મોદીનાં 65 કિલો સોનાની ઉચાપતનો પણ આક્ષેપ
અરજદારે રીટમાં એવો આક્ષેપ પણ કર્યો છે કે આદર્શ કો-ઓપ-બેંકના મુકેશન મોદીના રૂપિયાથી 65 કિલો સોનુ મંદિરના કમીટી સભ્યોએ ખરીદયુ હતું. અને એ પણ પોતાની પાસે જ રાખ્યુ છે. તે સિવાયનું મંદિરનું 65 કિલો સોનુ ઓગળાવવા માટે આપવાના નામે લઈને પરત કર્યુ નથી. આમ 130 કિલો સોનાની ઉચાપત કરી છે.ઉલ્લેખનીય છે કે 75 હજાર તોલાનો આજનો સોનાનો ભાવ ગણવામાં આવે તો 130 કિલો સોનું 97 કરોડથી વધુનુ થાય.

 

 

Print