www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરત-વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી


ઉંમરગામમાં ત્રણ, સુરતમાં એક ઈંચ વરસાદ: રવિવાર સુધી રાજયમાં સારા વરસાદની આગાહી

સાંજ સમાચાર

સુરત તા.21
સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગઈકાલે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. દિવસભર સુરત જિલ્લામાં સર્વત્ર છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. જો કે, વલસાડ જિલ્લામાં વરસાદ જામ્યો હતો. કપરાડામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો જયારે વલસાડમાં ધોધમાર વરસાદે પહેલીવાર રસ્તા ઉપર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યોસ જર્યા હતા.

અડધો જૂન મહિનો પૂરો થયા બાદ રહી રહીને આખરે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. વલસાડ શહેર તથા જિલ્લાના ઉંમરગામ, કપરાડા તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આ ઉપરાંત નવસારી, સુરત જિલ્લામાં પણ વાદળો છવાયા હતા. સુરતમાં સવારથી વરસાદી ઝાપટાં પડયા હતાં. બપોર સુધી વરસાદની અવારનવાર હાજરી જોવાઈ હતી. આને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગુરુવારે દિવસ દરમિયાન સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ પડયો છે. સવારથી વલસાડ શહેર, જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હતો. વલસાડ શહેરના એમજી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.જો કે, વરસાદ બંધ થતાં અડધો કલાકમાં પાણી ઉતરી ગયા હતા.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ ખાબકયો છે. છેલ્લાં 4 કલાકમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજયના 17 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ પડયો છે.

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા તા.23મી જૂન સુધી રાજયમાં ઠેરઠેર વરસાદની આગાહી કરવામાં આવી છે, તે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ચોમાસું જામ્યું હતું. કપરાડામાં દોઢ ઈંચ, વાપી અને ઉમરગામમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હતો. આ સિવાય સુરત અને નવસારી તેમજ તાપી અને ડાંગ જિલ્લામાં એકથી 14 મી.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકયો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં ગુરુવારે દોઢ ઈંચથી વધુ વરસાદ પડયો છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

 

Print