www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમેરિકાના રાષ્ટ્રપતિ - પુર્વ રાષ્ટ્રપતિ વચ્ચે ‘એન્કાઉન્ટર’!: સામસામી ઉગ્ર ચર્ચા

બાઈડનની નીતિથી દુનિયાની જેલો - પાગલખાનામાંથી લોકો અમેરિકા આવી રહ્યા છે: ટ્રમ્પ


ટ્રમ્પે તેના કાર્યકાળમાં ઈમિગ્રન્ટસને તેમના પરિવારથી અલગ કર્યા છે, મારી સરકાર આવો અમાનવીય અભિગમ નહીં અપનાવે: બાઈડન: ડિબેટમાં અન ડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટસનો મુદ્દો છવાયો

સાંજ સમાચાર

એટલાન્ટા (અમેરિકા),તા.28
અમેરિકામાં આગામી 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચુંટણી થનાર છે ત્યારે રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અને પુર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ વચ્ચે સામસામી પ્રથમ ડિબેટ યોજાઈ હતી જેમાં આ બન્ને નેતા સામસામા ટકરાયા હતા અને ઉગ્ર ચર્ચા વચ્ચે ગાળાગાળી પણ થઈ હતી.

આ ચર્ચા પર પુરી દુનિયાની નજર હતી. જેમાં બાઈડન મતદાતાઓને એ સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા કે 81 વર્ષની ઉંમરે તે ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા અને દેશને પડકારોથી ઉગારવા સક્ષમ છે, જયારે 78 વર્ષના ટ્રમ્પે લોકોને સમજાવ્યું હતું કે લોકો તેને આપરાધિક સજાથી દુર જુએ અને દેશ માટેની તેની યોજનાઓને જુએ, જેમાં અર્થવ્યવસ્થા સામેલ છે.

પ્રથમ અડધો કલાક બાઈડન પર ભારે પડયા ટ્રમ્પ
બન્ને નેતાઓ વચ્ચે એટલાન્ટાની એક મીડીયા ચેનલના મુખ્યાલયમાં આ ચર્ચા થઈ હતી. ચર્ચાના પ્રથમ અડધા કલાકમાં બાઈડન થોડા નર્વસ જોવા મળ્યા હતા, જયારે ટ્રમ્પ ઉર્જાથી ભરેલા હતા. જો કે તેમણે પોતાના જવાબોમાં જૂઠનો પણ સહારો લીધો હતો. ટ્રમ્પે કેપિટલમાં થયેલા હંગામાને લઈને પોતાની ભૂમિકાનો ઈન્કાર કર્યો હતો અને હંગામા દોષીઓએ કરેલા આચરણને ખતરનાક માનવાનો ઈન્કાર કર્યો હતો.

ટ્રમ્પે બાઈડનને તેના દીકરાને લઈને ઘેર્યા
ટ્રમ્પે બાઈડનને કહ્યું હતું- આપનો દીકરો એક અપરાધી છે. જો બાઈડેન રાષ્ટ્રપતિ તરીકે જે પણ કામ કર્યા છે તેના માટે તેમને પણ દોષી ઠેરવી શકાય છે. ટ્રમ્પે યુક્રેન વિવાદને લઈને પણ બાઈડન પર નિશાન સાધીને કહ્યું હતું કે જો તે રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ કયારેય શરૂ જ ન થયું હોત.

બન્ને નેતાઓએ હાથ પણ નહોતા મિલાવ્યા
ચર્ચા શરૂ થતા પહેલા બન્ને નેતાઓએ એકબીજા સાથે હાથ પણ નહોતા મિલાવ્યા. આથી બન્ને નેતાઓ વચ્ચેની કડવાશનો અંદાજ લગાવી શકાય છે.

આ ડિબેટમાં બાઈડનને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેમના શાસનકાળમાં રેકોર્ડ સંખ્યામાં અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ મેક્સિકો બોર્ડર ઈલીગલી ક્રોસ કરીને અમેરિકામાં આવ્યા છે, જેના કારણે અમેરિકાના બોર્ડર સ્ટેટ્સ ઉપરાંત શિકાગો અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં કટોકટીભરી સ્થિતિ સર્જાઈ છે તેમજ અમુક કેસમાં સેફ્ટીના પ્રશ્નો પણ સર્જાયા છે, તેવામાં પોતે આ સમસ્યાનું સમાધાન લાવવા સક્ષમ છે તેવો વિશ્ર્વાસ તેઓ અમેરિકાના મતદારોને કઈ રીતે અપાવી શકશે?

આ પ્રશ્નનો જવાબ આપતા બાઈડને કહ્યું હતું કે, તેમની સરકારે અસાયલમ ઓફિસર્સ તેમજ બોર્ડર પેટ્રોલ એજન્ટ્સની સંખ્યા વધારી છે.ટ્રમ્પ પર પોતાના કાર્યકાળમાં મેક્સિકોથી આવતા ઈમિગ્રન્ટ્સના પરિવારોને એકબીજાથી અલગ કરવાનો આરોપ મૂકી બાઈડને કહ્યું હતું કે તેમની સરકાર ક્યારેય આવો અમાનવીય અભિગમ નહીં અપનાવે.

તો બીજી તરફ, ટ્રમ્પે બાઈડનને જવાબ આપતા કહ્યું હતું કે તેમના શાસનકાળમાં અમેરિકાની બોર્ડર સૌથી સુરક્ષિત રહી હતી પરંતુ બાઈડનની નીતિને કારણે દુનિયાના અલગ-અલગ દેશોની જેલો તેમજ પાગલખાનામાંથી લોકો અમેરિકા આવી રહ્યા છે.

આટલેથી ના અટકતા ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે અમેરિકાના હાલના દિવસોમાં આખી દુનિયામાંથી આતંકવાદીઓ આવી રહ્યા છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાની બોર્ડર પર હાલ જે સ્થિતિ છે તેવી અગાઉ ક્યારેય નહોતી.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું ઈલેક્શન કેમ્પેઈન શરૂ કર્યું ત્યારથી જ તેઓ 11 મિલિયન જેટલા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની વાતો કરી રહ્યા છે. તેમને ડિબેડમાં પણ આ અંગે પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ અમેરિકામાં કામ કરતા, અમેરિકન સિટીઝન સાથે લગ્ન કરનારા તેમજ અમેરિકામાં વર્ષોથી રહેતા તમામ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરશે, અને જો ખરેખર તેઓ આમ કરવાના છે તો આ માસ ડિપોર્ટેશન કઈ રીતે થશે?

ડોનાલ્ડ ટ્રમ્પે આ સવાલનો સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ તેમણે એટલું ચોક્કસ કહ્યું હતું કે અમેરિકામાં ઈલીગલી આવેલા લોકો ન્યૂયોર્કની લક્ઝરી હોટેલ્સમાં રહે છે, અને અમેરિકામાં આવીને ક્રાઈમ કરે છે. માઈગ્રન્ટ્સ દ્વારા કરાતા ક્રાઈમને ટ્રમ્પે ફરી એકવાર બાઈડન માઈગ્રન્ટ ક્રાઈમ ગણાવતા કહ્યું હતું કે તેમના કારણે અમેરિકામાં સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે જેથી આવા લોકોને કાઢવા તો પડશે જ. 

માઇગ્રન્સ અમેરિકનોને મારી રહ્યા છે
ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે માઈગ્રન્ટ્સ ન્યૂયોર્ક, કેલિફોર્નિયા અને અમેરિકાના બીજા રાજ્યોમાં યુએસ સિટીઝનન્સને મારી રહ્યા છે, અને આવી ઘટના રોજેરોજ સામે આવી રહી છે. હાલ અમેરિકામાં જે થઈ રહ્યું છે તે ભયાનક છે, બાઈડને બોર્ડર ખૂલ્લી મૂકી તેના કારણે અમેરિકામાં હાલ જે સ્થિતિ સર્જાઈ છે તેવું અગાઉ ક્યારેય નહોતું થયું.

એક તરફ અમેરિકાના સૈન્યમાં કામ કરી ચૂકેલા લોકો રસ્તા પર મરી રહ્યા છે જ્યારે બીજી તરફ સરકાર માઈગ્રન્ટ્સને લક્ઝરી હોટેલ્સમાં રાખી રહી છે. ટ્રમ્પના દાવાને જૂઠ્ઠા ગણાવતા બાઈડને કહ્યું હતું કે તેમની દલીલો આધાર-પુરાવા વિનાની છે.

Print