www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦ભ્રષ્ટાચારને છાવરવાની નીતિ સામે કોંગ્રેસનો રૂકજાવનો સ્પષ્ટ સંદેશો

રાજકોટની પ્રજાએ રોષપૂર્ણ બંધ પાળી ભ્રષ્ટાચારી ભાજપ અને સરકારને તમાચો માર્યો: ઇન્દ્રનીલ રાજગુરૂ


♦કોંગ્રેસે આપેલા બંધના એલાનને પ્રજાએ મૌન રહી આપ્યું સંપૂર્ણ સમર્થન

સાંજ સમાચાર

રાજકોટ, તા.25
રાજકોટના અગ્નિકાંડને આજે એક મહિનો પૂરો થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા શાંતિપૂર્ણ બંધના એલાનને સંપૂર્ણ સફળતા મળી છે. શહેરની પ્રજાએ બંધ પાળીને ભ્રષ્ટાચારી ભાજપ અને રાજ્ય સરકારના ગાલે તમાચો માર્યો છે તેવું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના હાથ સે હાથ મિલા અભિયાનના કન્વીનર ઈન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસના દરેક સ્તરના કાર્યકરોએ રાજકોટ બંધ સફળ થાય તે માટે પ્રયાસો કર્યા હતા અને રાજકોટની પ્રજાએ આ લાગણીનો પડઘો પાડીને આજે બંધ પાળ્યું છે એ જ બતાવે છે કે રાજકોટની પ્રજા ભાજપના ભ્રષ્ટાચારથી કેટલી ગળે આવી ગઈ છે. વધુમાં જણાવ્યું છે કે, માત્ર રાજકોટની દુર્ઘટના જ નહીં પરંતુ મોરબી, સુરત, વડોદરા અને પાલનપુરમાં બનેલી ઘટનાઓમાં સીટની રચના કરી ભાજપના ભ્રષ્ટાચાર ઉપર ઢાંક પીછોડો કરવાની કોશિશ થઈ છે. કોંગ્રેસે રાજકોટ માટે રચાયેલી સીટમાં અધિકારીઓને બદલવાની માંગણી કરી છે પરંતુ સરકારે પોતાના જ નેતાઓને બચાવવા માટે આ માંગણી સ્વીકારી નથી. રાજકોટની પ્રજા આ બધું જ જાણે છે અને એટલે જ કોંગ્રેસની લાગણીનો પડઘો આજે મૌન રહીને વ્યક્ત કર્યો છે.

તેમણે એમ પણ જણાવ્યું છે કે, રાજકોટવાસીઓએ આજે સંપૂર્ણ બંધ પાળીને રાજ્ય સરકારને અને ભ્રષ્ટ મહાનગરપાલિકાને તમે ભ્રષ્ટાચાર કરવામાં હદ વટો છો તેવું કહીને રૂકજાવનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. ઈન્દ્રનીલ રાજગુરૂએ આજે બંધમાં સમર્થન આપનાર તમામ વેપારીઓ, ઉદ્યોગકારો, સ્કુલ-કોલેજના સંચાલકો, કોચિંગ ક્લાસના સંચાલકો, તેમજ સમગ્ર રાજકોટની પ્રજાનો આભાર પણ માન્યો છે.

Print