www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષના ‘સૂચક વિધાનો’: સરકાર પર આડકતરા પ્રહાર

પક્ષીય રાજકારણથી લોકોનો ‘રસ’ ઉડવા લાગ્યો: - તો ભારત ‘અફઘાનિસ્તાન’ બની જશે


♦ આતંકવાદીઓ સરહદ પાર જ કેવી રીતે કરી શકે? સુરક્ષા વ્યવસ્થામાં ખામી

સાંજ સમાચાર

♦ લોકસભાની ચૂંટણીમાં ઓછું મતદાન ગંભીર બાબત: લોકો ‘દૂર’ થવા લાગ્યા હોવાની છાપ

♦ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૌરાષ્ટ્રના યુવાનો માટે શોર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન

રાજકોટ, તા.22
આંતરરાષ્ટ્રીય પરિષદના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તા.22 થી 26 મે સુધી સૌરાષ્ટ્ર પ્રાંતના 17 જેટલા કેન્દ્રો પરથી 250 જેટલા યુવાનો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં આ વર્ગ સ્વામી નારાયણ ગુરૂકુળ ત્રંબા, ભાવનગર રોડ, આર.કે. કોલેજ પાસે રાખવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દેશના વિવિધ જીલ્લા કેન્દ્રો પર 40થી વધુ સ્થાનો પર રાષ્ટ્રીય બજરંગ દળના યુવાનો માટે યુવા શોર્ય પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે. જેમાં યુવાનોને કરાટે, રાયફલ શૂટીંગ, લાઠી દાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ રમત અને બૌધ્ધિક વિષયો પર ચર્ચા કરી તાલીમ અપાશે. આ પ્રશિક્ષણના પ્રારંભ પ્રસંગે આતંરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપક ડો. પ્રવિણ તોગડીયાએ રાજકોટની મુલાકાત લઇ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

આ તકે ડો. પ્રવિણ તોગડીયાએ ભારતમાં ચાલતી વર્તમાન ગતિવિધિ પર નિવેદનો આપ્યા હતા. તેઓએ આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા હતા. તાજેતરમાં આઇએસઆઇના આતંકીઓ ઝડપાયા હતા. તેઓએ જણાવ્યું કે આતંકવાદીઓ દેશની સરહદેથી જ આવે છે. તો સરહદો કેમ સુરક્ષીત નથી? જો આવી જ રીતે આતંકવાદીઓ દેશમાં ઘુસણખોરી કરશે તો આપણો દેશ અફઘાનિસ્તાન બની જશે.

આવા આતંકીઓને રોકવા જરૂરી છે. સમગ્ર દેશમાં લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. પરંતુ પાંચ તબકકાની પૂર્ણ થયેલી ચૂંટણીમાં લોકોનો નિરસતા જોઇ ડો. પ્રવિણ તોગડીયા જણાવે છે કે, લોકોનો રાજકીય પક્ષો પર વિશ્ર્વાસ ઘટ્યો છે. 

આથી આ વખતે મતદાન ઘટ્યું છે. જે લોકશાહી માટે ખતરારૂપ છે. હું તમામ લોકોને મતદાન માટે અપીલ કરી રહ્યો છું હવે જ્યાં ચૂંટણી યોજાઇ ત્યાં જંગી મતદાન થાય તે માટે અપીલ કરી હતી.

ચૂંટણી દરમ્યાન રામ મંદિરનો મુદ્ો ચર્ચામાં રહ્યો હતો. આ અંગે ડો. પ્રવિણ તોગડીયાએ જણાવ્યું કે રામ મંદિર ચૂંટણીનો મુદ્ો ન હતો. આથી ચૂંટણી અને રામ મંદિરને અલગ રાખવું જોઇએ. રામ મંદિર મળ્યું છે હવે કાશી અને મથુરા પણ લઇને જ રહીશું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભારતભરમાં હાલ 13 હજાર હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલુ છે. આગામી જાન્યુઆરી-2025 સુધીમાં આ કેન્દ્રો 1 લાખ થઇ જશે. આ કેન્દ્રો પર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં એક મુઠ્ઠી અનાજ, ઇન્ડિયા હેલ્થ લાઇન દ્વારા વિના મૂલ્યે ચેકઅપ કેમ્પ સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે. હાલ 1 લાખ લોકો લાભ લઇ રહ્યા છે. જે આગામી સમયમાં 1-2 કરોડ ભારતીયોને લાભ મળશે.

રાજકોટમાં આયોજીત પ્રશિક્ષણ કેન્દ્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ પ્રેસ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવિણ તોગડીયા, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. ગોવિંદભાઇ ગજેરા, મહામંત્રી શશીકાંત પટેલ, જયસુખ પટેલ, જીલ્લા મંત્રી મહેન્દ્રભાઇ તલાટીયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્ર અધ્યક્ષ રણછોડભાઇ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતાં.

 

Print