www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલ તાલુકાના ભાદર-1 ડેમ ખાતેની મત્સ્યોદ્યોગ કચેરીને કાયમી અલીગઢી તાળા ?


પગડીયા સહાય મેળવવા ઈચ્છુક માછીમારો હેરાન-પરેશાન

સાંજ સમાચાર

(મનીષ ચાંદ્રાણી) વીરપુર,તા.20
ગોડલ તાલુકાના લીલાખા નજીકના ભાદર ડેમ -1 ખાતે મદદનિશ મત્સ્યોદ્યોગ અધિકારીની કચેરી, ઓફિસ આવેલી છે. પણ આ ઓફિસમાં કાયમી તાળા રહેતા હોવાથી માછીમારો સરકારી સહાયથી વંચિત રહી જાય છે.

પગડીયા લાઈસન્સ ધરાવતા અનેક માછીમારોએ ગયા વર્ષે જુલાઈ 2023 માં ખેડૂત આઈ પોર્ટલ પર પગડીયા સહાય માટે ઓનલાઈન અરજીઓ કરી હતી પરંતુ તે સહાય હજુ મળી નથી ત્યાં ચાલુ વર્ષની સહાય અંગે ઓનલાઈન ખેડૂત આઈ પોર્ટલ પર સરકારી તંત્રએ જાહેરાત કરી દેતા માછીમારો કફોડી હાલતમાં મુકાયા છે. માછીમારોની ફરિયાદ છે કે ગયા વર્ષનું ફોર્મ ભર્યું હતું છતાં સહાય મળી નથી, આ બાબતે પૂછપરછ કરવા માટે લીલાખા ભાદર ડેમ પર આવેલી મદદનિશ મત્સ્યોદ્યોગ અધિકારીની કચેરી પર રજૂઆત કરવામાં જવાય છે તો કચેરીને કાયમી તાળા મારેલા જોવા મળે છે અને મત્સ્યોદ્યોગની કચેરી જાણે ખંડેર બની ગઈ હોય તેમ નજરે પડે છે.

મત્સ્ય ઉદ્યોગના અમુક સત્તાધીશો કહે છે કે સહાય મંજૂર થઈને ઉપરથી આવી ગઈ છે, ત્યારે અમુક જવાબદાર અધિકારીઓ એવું કહે છે કે ઉપરથી સહાય મંજૂર થઈને આવી નથી ત્યારે આમાં સત્ય શું તે તો રામ જાણે..! ટૂંકમાં મત્સ્યઉદ્યોગના લાગતા વળગતા સત્તાધીશોના સંકલનના અભાવે પગડિયા સહાય મેળવવા માટે માછીમારોને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.

સરકાર દ્વારા માછીમારોને નાના માછીમારોને પગડિયા સહાય આપવામાં આવે છે. રૂપિયા 15000ની રકમ સામે માછીમારોને 90 ટકા સબસીડી મળે છે.  સરકારે નક્કી કરેલી પગડિયા સહાયમાં રૂપિયા 10,000 ની સાયકલ, રૂપિયા 2,000 ની જાળ, રૂપિયા 2000 નું  ઇન્સ્યુલેટ બોક્સ  તેમજ રૂપિયા 1000નો વજનકાંટો લેવાનો હોય છે.

આમ તો ચોમાસા દરમિયાન માછીમારી બંધ હોય છે. પરંતુ સરકારની પગડિયા સહાય અંતર્ગતના સાધનોનું વિતરણ એક વર્ષ વીતી ગયું છતાં કરવામા આવ્યું નથી જેમને લઈને તાકીદે સહાયના સાધનો વિતરણ કરવામાં આવે તેવી માછીમારોમાં માંગ ઉઠવા પામી છે.વીરપુર,જેતપુર,ગોંડલ અને ધોરાજી વિસ્તાના અનેક માછીમારો આ પગડીયા સહાય થી વંચિત છે.

Print