www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૂા.1000ની લાંચના કેસમાં પોલીસમેનને 4 વર્ષની સજા


વર્ષ 2015માં રાજકોટના થોરાળા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જામસીંગ રાઠવાએ વાહન અકસ્માતના કેસમાં વીમાની રકમ મેળવવા જરૂરી પોલીસ કાગળો આપવાના બદલામાં લાંચ સ્વીકારી હતી

સાંજ સમાચાર

રાજકોટ તા.14
 રાજકોટના થોરાળા પોલીસ મથકમાં વર્ષ 2015માં રૂા.1000ની લાંચ લીધાના કેસમાં આરોપી કોન્સ્ટેબલ જામસીંગ દેશલાભાઈ રાઠવા (ઉ.38)ને કોર્ટે તકસીરવાન ઠરાવી 4 વર્ષની કેદની સજા ફટકારી છે.

 આ કેસની હકીકત એવા પ્રકારની છે કે તા.16/8/2015ના રોજ ફરીયાદીના મોટર સાયકલને અકસ્માત થતા આ વાહનની નુકશાની અંગે વીમા કંપની પાસેથી રકમ મેળવવાની હતી. આ રકમ મેળવવા માટે તેઓને ઈફકો-ટોકયો વીમા કંપનીમાં પોલીસ પેપર્સ રજુ કરવાના થતા હતા. આ પોલીસ પેપર્સ મેળવવા માટે ફરીયાદીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જામસીંગ રાઠવાને મળતા તેઓએ પોલીસ પેપર્સ આપવા માટે રૂા.1000ની લાંચની રકમ ઝેરોક્ષના પૈસા તરીકે માંગણી કરેલ હતી.

આ મુજબની માંગણી થતા ફરીયાદીએ તા.28/10/2015ના રોજ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા લાંચનું છટકુ ગોઠવવામાં આવેલ. આ લાંચના છટકા દરમ્યાન આરોપી કોન્સ. રૂા.1000ની લાંચ સ્વીકારી રૂા.500ની એક નોટ ફરીયાદીને પરત આપતા ઝડપાઈ ગયેલ હતો. પોલીસ તપાસના અંતે આરોપી વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-7 અને 13 (2) હેઠળ ચાર્જસીટ રજુ થયેલ હતું.

 બચાવ પક્ષે આ કેસમાં સાહેદોના મૌખીક પુરાવા દરમિયાન બચાવ લીધેલ હતો કે, આરોપીએ રૂા.1000ની રકમ ફરીયાદી પાસેથી સ્વીકારેલી પરંતુ તે જ સમયે તેઓએ ફરીયાદીને રૂા.500ની એક નોટ પરત આપી જણાવેલ હતું કે ખુશીથી આપો તો રૂા.500 પણ ચાલે આ વાર્તાલાપ સાબીત કરે છે કે આરોપીએ જે રકમ સ્વીકારેલ છે તે રકમ લાંચ પેટે કહી શકાય નહીં. આ ઉપરાંત આરોપીએ ઝેરોક્ષના પૈસા માંગેલ છે તેથી આરોપીએ લાંચ માંગેલ ન હોય તેને નિર્દોષ છોડી દેવો જોઈએ.

 સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ કે હાલના કેસમાં આરોપીએ ફરીયાદી પાસેથી રૂા.1000ની રકમ સ્વીકારલ હોવાની હકીકત તથા તેમાંથી રૂા.500ની એક નોટ પરત આપેલ હોવાની હકીકત નિર્વિવાદ છે.

આરોપીના ખુદના બચાવ પ્રમાણે ઝેરોક્ષ થયેલા કુલ કાગળોની સંખ્યા 150થી વધારે નથી તો આરોપીએ રૂા.500માંથી રૂા.350 કયા કારણસર પોતાની પાસે રાખી લીધેલ તે અંગે કોઈ જ બચાવ નથી. આ પ્રકારના વ્યવહારને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈ હેઠળ ઓબ્ટેઈનમેન્ટ એટલે કે લાંચની રકમ રાખી લીધેલ હોવાનું કહેવાય છે.

આ ઉપરાંત કોઈપણ સરકારી અધિકારી લાંચની માંગણી લાંચ તરીકે માંગતા નથી પરંતુ વ્યવહાર સમજવો પડશે અથવા મારૂ કઈક રાખજો અથવા એમનેમ કામ ન થાય જેવા શબ્દ પ્રયોગ કરતા હોય છે. હાલના કેસમાં ઝેરોક્ષના પૈસા તરીકે લાંચ મંગાયેલ છે તેથી આવા શબ્દ પ્રયોગનો ખરો અર્થ લાંચની માંગણી જ થાય છે તેમ કોર્ટે સમજવાનું રહે છે.

સરકાર તરફેથી આ રજૂઆતના અંતે ખાસ અદાલતના જજ વી.કે. ભટ્ટે આરોપી જામસીંગ રાઠવાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-7 અને 13 (2) હેઠળ તકસીરવાન ઠરાવી 4 વર્ષની કેદની સજા ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફ જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

એસ. કે. વોરાએ 18 માસમાં ભ્રષ્ટાચારના 21 કેસમાં આરોપીને સજા કરાવી
રાજકોટ: જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ અગાઉ પોતાના સરકારી વકીલ તરીકેના કાર્યકાળમાં 100થી વધુ કેસોમાં સજા કરાવી સજાની સદી ફટકારી વિક્રમ સ્થાપ્યો હતો. હાલમાં તેઓએ એસીબીના કેસોમાં પણ સારી કામગીરી કરી છે. છેલ્લા 18 માસમાં ભ્રષ્ટાચારના 21 કેસોમાં આરોપીઓને સજા કરાવી રાજય કક્ષાએ કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

Print