www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રિઝર્વ બેંકે 4 માસમાં જ 24 ટન સોનુ ખરીદ્યુ


રિઝર્વ બેંકનો રિપોર્ટ: વિદેશી હુંડીયામણમાં સોનાનો હિસ્સો 8.7 ટકાએ પહોંચ્યો

સાંજ સમાચાર

મુંબઈ,તા.23
સોના-ચાંદીમાં અભૂતપૂર્વ તેજીનો દોર રહ્યો છે. ભાવવધારા પાછળ વિશ્વસ્તરે ભૌગોલિક ટેન્શન અને દુનિયાભરની સેન્ટ્રલ લોકો દ્વારા ચિકકાર ખરીદી કારણરૂપ ગણવામાં આવે છે ત્યારે છેલ્લા ચાર મહિનામાં ભારતીય રિઝર્વ બેંકે 24 ટન સોનુ ખરીદ કર્યાનું બહાર આવ્યું છે. 2023ના આખા વર્ષની સરખામણીએ માત્ર ચાર જ મહિનામાં દોઢ ગણી ખરીદી કરવામાં આવી છે.

રિઝર્વ બેંકના રિપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે, 26 એપ્રિલ 2024ની સ્થિતિએ વિદેશી હુંડીયામણ અનામત પેટે રિઝર્વ બેંક પાસે 827.69 ટન સોનુ હતું. ડિસેમ્બર 2023ના અંતે 803.6 ટન સોનુ હતું. આમ ચાર જ માસમાં 24 ટન વધ્યુ છે. દુનિયાભરમાં સોનાની સૌથી વધુ ડીમાંડ ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન ટોચનું છે છતાં મોટાભાગે નાગરિકોની જ ખરીદી રહેતી હોય છે. રિઝર્વ બેંક ભાગ્યે જ આવી રીતે એકટીવ રહેતી હોય છે.

ભારતમાં 1991માં વિદેશી હુંડીયામણની કટોકટી સર્જાઈ હતી ત્યારે સરકારે સોનુ ગીરવે મુકતા ભારે ટીકા થઈ હતી. જો કે, સરકારે ગીરવે મુકેલુ તમામ સોનુ ટુંકાગાળામાં છોડાવી લીધુ હતું અને ડિસેમ્બર 2017થી નવી ખરીદી સાથે સ્ટોક વધારવાનું વલણ શરૂ કરાયુ હતું.

રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે વિદેશી હુંડીયામણ અનામતમાં સોનાનો હિસ્સો 8.7 ટકાના સ્તરે પહોંચ્યો છે જે ડિસેમ્બર 2023ના 7.75 ટકા હતો. સ્ટોક વધારવાની સાથે રિઝર્વ બેંકને કિંમતમાં પણ ધરખમ લાભ થઈ રહ્યો છે. કારણ કે કેટલાક વખતથી સોનાના ભાવમાં મોટો ઉછાળો થયો છે.

દુનિયાભરની સેન્ટ્રલ બેંકો સોનાનો સ્ટોક વધારી રહી છે તે પાછળનું કારણ ચલણ માર્કેટમાં વોલાટીલીટી સામે રક્ષણ મેળવવાનું છે. વિશ્ર્વસ્તરે ભૌગોલિક ટેન્શન વધી રહ્યા હોવાથી આ માર્ગ અપનાવવામાં આવ્યો છે. વિશ્વસ્તરે અર્થતંત્રની નબળાઈ પણ આ પાછળનું એક કારણ છે.

રિઝર્વ બેંક પાસે સોનાનો સ્ટોક

વર્ષ...સ્ટોક

ડીસે.2020....676.7 ટન

ડીસે.2021....754.1 ટન

ડીસે.2022...867.4 ટન

ડીસે.2023...803.6 ટન

એપ્રિલ.2024..827.7 ટન

Print