www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

RBI ની સરકાર પર ધનવર્ષા, રેકોર્ડ રૂા.2.11 લાખ કરોડનું ડિવિડન્ડ ચુકવશે


સાંજ સમાચાર

મુંબઈ,તા.23
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને વિક્રમજનક રૂા.2.11 લાખ કરોડનું તગડું ડિવિડન્ડ ચૂકવશે. આ રકમ બજેટના સરકારના અંદાજ કરતા બમણા કરતા વધુ છે. અને તેનાથી ચૂંટણી પછી કાર્યભાર સંભાળનારી નવી સરકારની રાજકોષિય ખાધને અંકુશમાં રાખીને ઈન્ફ્રાસ્ટ્રકચર પર મોટો ખર્ચ કરવામાં મદદ મળશે.

મધ્યસ્થ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આરબીઆઈ બોર્ડે બુધવારે તેની 608મી બેઠકમાં રૂા.2,10,874ની સરપ્લસ ટ્રાન્સફર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ 2024થી માર્ચ 2025) માટેના વચગાળાના બજેટમાં આરબીઆઈ, સરકારી બેંકો અને નાણા સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડ તરીકે 1.02 લાખ કરોડની આવેકનો અંદાજ મૂકયો હતો.

2022-23ના નાણાકીય વર્ષ માટે આરબીઆઈ કેન્દ્રને રૂા.87,416 કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું. અગાઉ 2018-19માં રૂા.1.76 લાખ કરોડનું ડિવિડન્ડ ચુકવ્યું હતું, જે અગાઉનું સૌથી વધુ હતું.

બોર્ડે 2023-24 દરમિયાન રિઝર્વ બેંકના કામકાજની ચર્ચા વિચારણા કરી હતી અને છેલ્લા નાણાકીય વર્ષ માટે તેના વાર્ષિક અહેવાલ અને ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટને મંજૂરી આપી હતી.

આરબીઆઈએ જણાવ્યું હતું કે, હિસાબી વર્ષ 2018-19થી 2021-22 દરમિયાન મેક્રો ઈકોનોમિક સ્થિતિઓ અને કોવિડ-19ના પ્રહારને કારણે બોર્ડે કન્ટિન્જેન્ટ રિસ્ક બફર (સીઆરબી)ને રિઝર્વ બેંકની બેલેન્સશીટના કુલ કદના 5.50 ટકાના સ્તરે જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.

નાણાકીય વર્ષ 2022-23માં આર્થિક વૃધ્ધિમાં રિકવરી સાથે સીઆરબી વધારી 6.00 ટકા કરાયો હતો. અર્થતંત્રમાં મજબૂતાઈને કારણે બોર્ડે 2023-24 માટે સીઆરબી વધારી 6.50 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. ઓગષ્ટ 2019ના ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક (ઈસીએફ)ને આધારે સરપ્લસની રકમ નકકી કરાઈ છે.

 

Print