www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજસ્થાનના ડુંગરપુરની મેડિકલ કોલેજમાં રેગીંગ: છાત્રના કિડની-લિવરને નુકસાન


ભોગ બનેલ વિદ્યાર્થીને ડાયાલીસીસ કરાવવું પડયું: છાત્ર પાસે 300 ઉઠબેસ કરાવાયેલી: 50થી વધુ છાત્રો રેગીંગનો ભોગ બન્યાનો અને તેમની તબિયત બગડયાનો પીડિતના પિતાનો દાવો

સાંજ સમાચાર

જયપુર,તા.27
રાજસ્થાનના જયપુર નજીક ડુંગરપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં એબીબીએસના પ્રથમ વર્ષનો એક વિદ્યાર્થી રેગીંગનો ભોગ બન્યો છે. એમબીબીએસના દ્વિતીયના વર્ષના સીનિયર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીને કોલેજ પાસેના એક પર્વત પર બોલાવ્યો અને ત્યાં તેને 300 ઉઠક-બેઠક કરાવી હતી, જેના કારણે વિદ્યાર્થીની તબિયત બગડી હતી. બાદમાં પીડિત વિદ્યાર્થીને તેના પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા.

આ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં કિડની અને લિવર પર ગંભીર અસર થઈ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે તેને ડાયાલિસિસ કરાવવું પડયું છે. બીજી તરફ, મેડિકલ કોલેજની એન્ટિરેગીંગ કમિટીએ પણ તપાસમાં રેગિંગની પુષ્ટિ કરી છે. ત્યાર પછી એમબીબીએસના દ્વિતીય વર્ષના સાત વિદ્યાર્થીઓને કોલેજમાં સસ્પેન્ડ કરી દીધા છે.

મેડિકલ કોલેજ ડુંગરપુરના પ્રિન્સિપાલ એસ બાલા મરગુનવેલુ તરફથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રેગિંગની આ આખી ઘટના 15મી મેએ બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટમાં મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસના વિદ્યાર્થી પ્રથમ વ્યાસની સાથે રેગિંગ થયું છે.

રેગિંગ કરનાર વિદ્યાર્થીઓમાં દેવેન્દ્ર મીણા, અંકિત યાદવ, રવિન્દ્ર કુલરિયા, સુરજીત, વિષ્ણેંદ્ર ઘાયલ, સિધ્ધાર્થ પરિહાર અને અમન રાગેરા સામેલ છે.આ સાતેય વિદ્યાર્થી દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરે છે.

પર્વત પર રેગિંગ કર્યા પછી પ્રથમ વ્યાસની તબિયત બગડી, જેના કારણે તેને કોલેજની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ તબિયતમાં સુધારો થયો નહીં. જેના કારણે પરિવારજનો તેને ગુજરાતની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જયાં તપાસમાં પ્રથમ વ્યાસની કિડની અને લીવર પર અસર થઈ હોવાનો ખુલાસો થયો હતો.

ત્યાર પછી પ્રથમને ચાર વખત ડાયાલિસિસ કરાવવું પડયું હતું. કોલેજના આચાર્યની ફરિયાદ પર પોલીસે સાતેય આરોપી વિદ્યાર્થી પર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.  પીડિત વિદ્યાર્થીના પિતા દીપેન વ્યાસે કહ્યું કે મારા પુત્રની સાથે બીજા 50 વિદ્યાર્થી સાથે રેગિંગ થયું છે. જેમાં ઉઠક બેઠક કરાવવાને લીધે બીજા ત્રણથી ચાર વિદ્યાર્થીની તબિયત બગડી છે.

 

 

Print