www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાહુલ ગાંધીના હિંદુ, અદાણી, અંબાણી સહિતના શબ્દો સંસદની કાર્યવાહીમાંથી દૂર કરાયા


લોકસભા ગજવી દેનાર વિપક્ષી નેતાના ભાષણ પર કાતર ફરી: મોદી-શાહે વાંધો લીધો હતો

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.2
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સંસદમાં 90 મિનિટનું ભાષણ આપ્યું અને હિંદુ ધર્મ, અગ્નવીર સહિત 20 મુદ્દાઓ પર વાત કરી હતી.

આ દરમિયાન લોકસભામાં આપેલા ભાષણમાંથી રાહુલ ગાંધીના કેટલાક નિવેદનોને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આમાં ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણી જેવા નિવેદનોનો સમાવેશ થાય છે.

લોકસભામાના રેકોર્ડમાથી રાહુલ ગાંધીનું એ નિવેદન પણ હટાવી દેવામાં આવ્યું છે. જેમાં તેમણે ભાજપ પર લઘુમતીઓ સાથે અન્યાયી વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. 

આ સિવાય આ અગ્નિવીર સેનાની નહીં પણ પીએમઓની યોજના છે અને પોતાને હિંદુ કહેનારા હિંસા કરે છે તે નિવેદન પણ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે. 
રાહુલ ગાંધી સરકારને ઘેરવા માટે ભગવાન શિવ, ગુરુ નાનક અને જીસસ ક્રાઈસ્ટની તસવીરો સાથે લઈને આવ્યા હતા.

પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવી અને કહ્યું હતું કે ‘ભગવાન શિવ તો કોઈથી ન ડરવાનું શીખવે છે અને ન તો કોઈને ડરાવવાનું શીખવે છે.’ રાહુલ ગાંધીએ 20 મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી.

આમાં હિન્દુઓ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, નીટ, બેરોજગારી, નોટબંધી, જીએસટી, એમએસપી, હિંસા, ભય, ધર્મ, અયોધ્યા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, વડાપ્રધાન અને સ્પીકરનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીના નિવેદનની વડાપ્રધાન મોદીની સાથે અમિત શાહ અને રાજનાથ સિંહે પણ આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ નિવેદન આપતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. આ પછી વડાપ્રધાન મોદીએ પોતાની બેઠક પરથી ઉભા થઈને રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીના નિવેદન બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘હિન્દુ સમાજને હિંસક કહેવું ખોટું છે.’ ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવીને કહ્યું હતું કે ’આ કરોડો હિન્દુઓનું અપમાન છે. હિંસાને કોઈપણ ધર્મ સાથે જોડવી ખોટું છે. રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ.’

Print