www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બેંગ્લોરના ફાર્મહાઉસમાં રેવપાર્ટી પર દરોડો: ફિલ્મી કલાકારો પકડાયાની ચર્ચાથી સિનેઉદ્યોગમાં સોંપો


દક્ષિણની અભિનેત્રી સહિતના કલાકારો-રાજકારણીઓ હતા: 98ના મેડીકલ ટેસ્ટ કરાયા: કોકેઈન- એમડી ડ્રગ્ઝ સહિતના કેફી પદાર્થ મળ્યા

સાંજ સમાચાર

બેંગ્લોર તા.22
બેંગ્લોરની ભાગોળે એક વૈભવી ફાર્મહાઉસમાં ચાલતી રેવપાર્ટી પર પોલીસે દરોડો પાડતા તેમાં સામેલ 98 લોકો મળી આવ્યા હતા. દક્ષિણના અનેક કલાકારો પણ તેમાં પકડાયાની અફવા ઉડતા સીને ઉદ્યોગમાં ખળભળાટ સર્જાયો હતો. ફાર્મહાઉસમાંથી નોંધપાત્ર પ્રમાણમાં કોકેઈન, એમડી ડ્રગ્ઝ સહિતના કેફીપદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો.

બેંગ્લોર નજીકના સિન્જેના ગામમાં આવેલા ફાર્મહાઉસમાં પરોઢીયે દરોડો પાડવામાં આવ્યો હતો રેવ પાર્ટીમાંથી 30 યુવતી સહિત 98 નબીરાઓના મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જયારે પાર્ટીના આયોજક કે.એલ.વાસુ તથા ત્રણ ડ્રગ્ઝ પેડલરોની ધરપકડ કરવામાં આવી હતી. આ પાર્ટીમાં તેલુગુ ફીલ્મોના કલાકારો ઉપરાંત તેલંગાણા-આંધ્રપ્રદેશના રાજકીય નેતાઓ-ઉદ્યોગપતિઓ હોવાની વાત ફેલાતા ખળભળાટ સર્જાયો હતો.

રેવ પાર્ટીના કેટલાંક ફોટાવાઈરલ થયા હતા તેમાં ચુંટાયેલા પ્રતિનિધિઓના સ્ટીકર જોવા મળ્યા હતા. આ ઉપરાંત એક અભિનેત્રી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. બેંગ્લોરના પોલીસ કમિશ્ર્નર બી.દયાનંદે કોઈ નામનો ફોડ પાડયા વિના કહ્યું હતું કે એક અભિનેત્રી હોવાનું કહેવાય છે. જો કે, રાજકીય નેતાઓની હાજરીની વાત તેમણે નકારી હતી.

250થી વધુ ફીલ્મોમાં કામ કરનાર 57 વર્ષીય અભિનેત્રી હેમા વેણીનુ નામ ચગ્યુ હતું જેને પગલે પોતે કોઈ પાર્ટીમાં નહીં ગયાની ચોખવટ કરી હતી. પોલીસના દરોડા તથા મેડીકલ ટેસ્ટની કાર્યવાહી બાદ ફાર્મ હાઉસમાંથી બહાર નીકળતા નબીરાઓના વિડીયો પણ વાઈરલ થયા છે. જો કે, ઓળખ છુપાવવા તમામે ચહેરા પર હાથ અથવા માસ્ક ચડાવી દીધા હતા. ચહેરાઓના આધારે ફિલ્મી કલાકારોની વાત વાઈરલ થઈ છે જે ફાર્મહાઉસ પર દરોડો પડયો તે જાણીતા બિલ્ડરની હોવાનું બહાર આવ્યુ છે.

 

Print