www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ શહેરમાં 30 કલાકમાં વધુ અઢી ઈંચ વરસાદ: મોસમનો 7.5 ઈંચ થયો


♦રવિવારે દિવસ અને રાત્રી દરમ્યાન દોઢ અને આજે બપોર સુધીમાં વધુ 1-ઈંચ પાણી વરસી ગયું: બપોરે પણ વરસાદી માહોલ યથાવત: આજે પણ શહેર-જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

સાંજ સમાચાર

રાજકોટ,તા.1
ગઈકાલે રવિવારે આખો દિવસ અને રાત્રી બાદ આજરોજ પણ સવારથી જ મેઘરાજાએ રાજકોટ શહેર ઉપર હેત વરસાવવાનું ચાલુ રાખેલ હતું. આજે સવારથી બપોર દરમ્યાન ધુંપ-છાંવ વચ્ચે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જયારે, ગઈકાલે પણ આખો દિવસ અને રાત્રી દરમ્યાન દોઢ ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું.એકંદરે છેલ્લા 30 કલાક દરમ્યાન રાજકોટ શહેરમાં 2.5 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસી જતા શહેરી જનોને ભારે બફારામાંથી મુકિત મળી છે. અને ઠંડકથી રાહત થવા પામી છે.છેલ્લા 30 કલાક દરમ્યાન અઢી ઈંચ મળી શહેરમાં મોસમનો કુલ વરસાદ 7.5 ઈંચ થઈ ગયો છે.ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારે સવારે 8.30 થી આજે સવારે 8.30 સુધીમાં શહેરમાં દોઢ ઈંચ પાણી વરસી ગયુ હતું.

ગઈકાલે રવિવારની રજામાં મેઘરાજાએ સતત હેત વરસાવતા નગરજનોએ વરસાદમાં નાવાની મોજ સાથે ગરમ ગાંઠીયા અને ભજીયાની ભરપૂર આનંદ ઉડાવી હતી.રવિવારે દિવસ દરમ્યાન હળવોથી મધ્યમ અને રાત્રીનાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડયો હતો. 

દરમ્યાન આજે સોમવારે પણ સવારથી જ રાજકોટ શહેરમાં ધુંપ-છાંવ વચ્ચે બપોરે બે -વાગ્યા સુધીમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.ફાયરબ્રિગેડ અનુસાર આજે બપોરે બે વાગ્યા સુધીમાં શહેરના વેસ્ટઝોનમાં 24 મી.મી, ઈસ્ટઝોનમાં 15 મી.મી, તથા સેન્ટ્રલઝોનમાં 19 મી.મી, વરસાદ પડયો હતો.એકંદરે આજરોજ બપોર સુધીમાં 1 ઈંચ વરસાદ પડયો હતો.

અને હજુ પણ આકાશમાં વાદળો ઘેરાયેલા છે.ઉલ્લેખનિય છે કે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 7.5 ઈંચ થી વધુ થઈ ગયો છે. રાજકોટ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ સેન્ટ્રલઝોનમાં કુલ-186 મી.મી, ઈસ્ટઝોનમાં -148 મી.મી, અને વેસ્ટઝોનમાં 167 મી.મી, વરસાદ નોંધાયો છે. દરમ્યાન આજે પણ બપોરે ભેજવાળા હવામાન વચ્ચે શહેરમાં ધુંપ-છાંવ ભર્યુ વાતાવરણ રહેવા પામ્યું હતું.અને હવામાન વિભાગે આજે પણ રાજકોટ શહેર અને જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે.

Print