www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટની એરપોર્ટ દુર્ઘટના સંસદમાં ચમકી


એનડીએ શાસનના પ્રોજેક્ટો-ઇમારતો ધરાશાયી થઇ રહ્યા છે: દિલ્હી, મુંબઇ, અયોધ્યા, બિહારના કિસ્સા ટાંકીને કોંગ્રેસ સાંસદે સરકારને ઘેરી

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.2
રાજકોટના હિરાસર એરપોર્ટમાં ટર્મીનલની કેનોપી (ડોમની છત) તૂટી પડવાની ઘટના આજે સંસદમાં ચમકી હતી. કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે એનડીએ સરકાર પર પ્રહારો કરીને દિલ્હી, રાજકોટ તથા જબલપુરની એરપોર્ટ દુર્ઘટના વિશે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો.

સંસદમાં સંબોધન દરમ્યાન કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું કે દિલ્હી એરપોર્ટની છત ધરાશાયી થઇ હતી. જબલપુર એરપોર્ટની છત ધસી પડી હતી. રાજકોટના હીરાસર એરપોર્ટનું કેનોપી તૂટી પડ્યું હતું.

અયોધ્યામાં 20 રસ્તાઓની હાલત ખરાબ છે. રામ મંદિરની છત પરથી પાણી ટપકે છે. મુંબઇના હાર્બર લીંક રોડમાં તિરાડ પડી છે. બિહારમાં દસ દિવસમાં પુલ તુટી પડ્યા છે.

પ્રગતિ મેદાનમાં સૂરંગ ડૂબી હતી. એનડીએના શાસનકાળમાં બનેલા પ્રોજેક્ટોની આ હાલત છે. એમડીએ શાસનકાળમાં બનેલી તમામ યોજના-ઇમારતો ધરાશાયી થવાનો ખતરો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટનગર દિલ્હીમાં એરપોર્ટની છત ધસી પડવાની ઘટનામાં એકનું મોત થયું હતું અને અર્ધો ડઝનથી વધુ ઘાયલ થયા હતા. તેના બે દિવસમાં જ રાજકોટ એરપોર્ટના કામચલાઉ ટર્મીનલની કેનોપી ધસી પડી હતી.

પીકઅપ વિસ્તારની આ ઘટનામાં કોઇ જાનખુવારી થઇ ન હતી છતાં પ્રવાસીઓ ભયભીત બન્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકાર સામે આક્ષેપ કરાયા હતા. સ્થાનિક નેતાઓએ તંત્રને આવેદન પણ પાઠવ્યું હતું. હવે આ ઘટના આજે સંસદમાં ચમકી હતી.

 

Print