www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પીડિત પરિવારોના પડખે ઉભુ રહેતું રાજકોટ: સ્વયંભૂ બંધ


કોંગ્રેસના બંધના એલાનને રાજકોટના વેપારીઓએ સંપૂર્ણ સમર્થન આપ્યું

સાંજ સમાચાર

 રાજકોટ તા.25
 આજે રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ છે. આ ઘટના એટલી હૃદયદ્રાવક હતી કે કોઈપણ વ્યકિત હજુ સુધી ભુલી શકયું નથી. આ ઘટનામાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે આ ઘટનાને પગલે મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવવા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

 કોંગ્રેસ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેને રાજકોટની જનતાએ સમર્થન જાહેર કરી સવારથી બજારો બંધ રાખવામાં આવી હતી. આ બંધના એલાનમાં રાજકોટની મુખ્ય બજારો ગણાતી દાણાપીઠ, લાખાજીરાજ રોડ, જંકશન વેપારી મંડળ, પરાબજાર, ચુનારાવાડ ચોક, ઢેબર રોડ, ગુંદાવાડી સહિતની બજારો સજજડ બંધ રહી હતી.

 આ ઉપરાંત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, કાપડ મર્ચન્ટ એસો. ગોલ્ડ ડીલર એસો., કબાડી બજાર એસો., સહિતના તમામ એસો.એ બંધના એલાનને સમર્થન જાહેર કયુર્ં હતું. આજે સવારે કોઈ વેપારીઓએ દુકાન ખોલી ન હતી. બપોરના 12 વાગ્યા સુધી દુકાનો બંધ પાળી સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

 કોંગ્રેસ અગ્રણી જીગ્નેશ મેવાણી અંદાજે 70,000થી વધુ વેપારીઓને મળ્યા હતા અને બંધના એલાનમાં જોડાવવા અપીલ કરી હતી. આ તકે વેપારીઓએ પણ સમર્થન જાહેર કયુર્ં હતું. કેટલીક જગ્યાએ દુકાનો ખોલવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બંધ કરાવવામાં આવી હતી.

 અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ રાજકોટવાસીઓ પીડિત પરિવારોના પડખે ઉભા રહ્યા છે. આજના બંધના એલાને આ સમર્થને સાબીત કરી બતાવ્યું. સવારથી તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી બંધ પાડયું હતું.
 રાજકોટની જનતા સંવેદનશીલ છે. કોઈ પણ આપત્તી હોય વિપત્તીના સમયે એકજુથ થઈ જાય છે.

ત્યારે હાલના કપરા સમયમાં રાજકોટવાસીઓએ પીડિતોને સંપૂર્ણ સમર્થન આપ્યું અને સંવેદનશીલતા દાખવી અડધો દિવસ બજાર બંધ પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યાર બાદ બપોરે 1 વાગ્યા પછી દુકાનો ખુલી જવા પામી હતી. 

► રાજકોટ બંધના એલાનને આજે સફળતા મળી હતી, કોંગ્રેસે અર્ધો દિવસ વેપાર-ધંધા બંધનું એલાન આપતા શાંતિપૂર્ણ અને સ્વયંભુ બંધની અસર દેખાઇ હતી. બપોરે બે વાગ્યાથી જુના રાજકોટ સહિતની બજારો ખુલવા લાગી હતી. કાલાવડ રોડ અને રૈયા રોડના શોરૂમ, છુટક બજારો ધમધમવા લાગ્યા હતા. એકંદરે અર્ધો દિવસ વેપારીઓએ બંધમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો.

 

Print