www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હળવદના રાતાભેર ગામે જમાઈનું ઉપરાણું લઈને કેમ લપ કરી કહીને પિતા-પુત્રને ધારિયા-ધોકા વડે માર માર્યો: ચાર શખ્સો સામે ફરિયાદ


સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા. 22

હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા યુવાન અને તેના પિતા તેમજ બે મહિલાઓને તું અને તારા બાપ તમારા જમાઈનું ઉપરાણું લઈને કેમ મારી સાથે લપ કરતા હતા તેવું કહીને બોલાચાલી કરી હતી ત્યારબાદ તેઓની ઉપર ધારિયા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાન અને તેના પિતાને ધારિયા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી અને બે મહિલાઓને પણ ગડદા પાટુનો માર માર્યો હતો. જેથી ઈજા પામેલ લોકોને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને હાલમાં ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે પાણીના ટાંકા પાસે રહેતા પ્રફુલભાઈ જેસીંગભાઇ કેરવાડીયા (37) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ દિલીપભાઈ ઇંદરીયા, અશ્વિનભાઈ ઓધવજીભાઈ ઇંદરીયા, જેમાભાઇ રૂપાભાઇ ઇંદરીયા અને જગદીશભાઈ ઉર્ફે બહુરૂપી રહે. તમામ રાતાભેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે આવેલ પાણીની ટાંકી નજીક હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને તું અને તારા બાપા તમારા જમાઈ સંજયનું ઉપરાણું લઈને અગાઉ કેમ મારી સાથે લપ કરતા હતા તેમ કહીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા રાજુભાઈએ ફરિયાદીને માથાના ભાગે ધારિયાનો ઘા મારીને ઇજા કરીને ફ્રેક્ચર કર્યું હતું તેમજ જેમાભાઈએ તેને લાકડાના ધોકા વડે માર્યો હતો અને અન્ય બે આરોપીઓએ તેને ગડદા પાટુનો માર મારીને ઇજા કરી હતી.

ત્યારે ફરિયાદીના પિતા ત્યાં વચ્ચે પડતા જેસીંગભાઇ કેરવાડિયાને રાજુભાઈએ તેના હાથમાં રહેલ ધારીયા વડે હાથની આંગળીઓમાં માર મારીને ફેકચર જેવી ઈજા કરી હતી અને અન્ય આરોપીઓએ પણ તેને માર માર્યો હતો. આટલું જ નહીં પરંતુ સાહેદ દુધીબેન અને વનિતાબેન ત્યાં વચ્ચે પડતા તેને પણ ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો. જેથી ઇજા પામેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેણે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Print