www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સારા નફાની અપેક્ષા : ભારતીય બજારમાં તેજી : યુવાનોની સંખ્યા વધુ

રેકોર્ડ : 81 લાખ નવા રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાનું રોકાણ કર્યુ!


સાંજ સમાચાર

નવી દિલ્હી : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા  રોકાણકારોની સંખ્યામાં સતત રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડમાં ચાલુ નાણાકીય વર્ષ (2024-25)ના પ્રથમ બે મહિનામાં એપ્રિલ અને મે મહિનામાં 81 લાખથી વધુ નવા રોકાણકારોના ખાતા ઉમેર્યા છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન માત્ર 16.44 લાખ ખાતા જ ખોલવામાં આવ્યા હતા.

નિષ્ણાંતોનું કહેવું છે કે, આ સ્કીમમાંથી સારો નફો મળી રહ્યો છે. માર્કેટમાં સતત વૃધ્ધિને જોતા રોકાણકારો ખુલ્લેઆમ નાણાનું રોકાણ કરી રહ્યા છે. એસોસીએશન  ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર એપ્રિલમાં મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટસની કુલ સંખ્યા 18 કરોડ 15 લાખ હતી.

જે મેના અંત સુધીમાં વધીને 18 કરોડ 60 લાખ થઇ ગઇ છે. આ સમયગાળા દરમિયાન કુલ 45 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા હતા. માર્ગમાં કુલ ખાતાઓની સંખ્યા 17 કરોડ 79 લાખ હતી. એપ્રિલમાં 36.11 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા હતા. 

આ વર્ષે 13%નો ઉછાળો
ડેટા અનુસાર, ડિસેમ્બર-2023 સુધીમાં કુલ 16.49 કરોડ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટસ ખોલવામાં આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીથી મે સુધીમાં 2 કરોડ 10 લાખથી વધુ ખાતામાં વધારો થયો છે. આ પાંચ મહિનામાં લગભગ 13 ટકાનો વધારો જોવામળ્યો છે. આ વર્ષે દર મહિને સરેરાશ 40 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. 

SIP દ્વારા છેલ્લા આઠ 
વર્ષમાં રોકાણમાં 6.6 ગણો વધારો થયો છે. આના દ્વારા કરવામાં આવેલ માસિક રોકાણની રકમનું સ્તર 6.6 ગણું વધ્યું છે. મે 2016માં SIP રોકાણ રૂા. 3189 કરોડ હતું. જે મે 2018માં વધીને રૂા. 7304 કરોડ થયું છે. મે 2024માં માસિક રૂા.20904 કરોડના સ્તરે પહોંચી ગયું હતું.

યુવાનોની સંખ્યા વધુ
તેમ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતોનું કહેવું છે કે, નવા રોકાણકારોમાં યુવાનોની સંખ્યા છે. તેમાં ઘણો વધારો થયો છે. મોટા ભાગના નવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સેકટરમાં પ્રવેશવા માટે ડિજીટલ માધ્યમો અપનાવી રહ્યા છે. રીટેલ રોકાણકારો પાસે  હવે બજારમાં રૂા. 60 લાખ કરોડની સંપતિ છે. તે તમામ રોકાણકારોની કુલ સંપતિના પાંચમા ભાગનો હિસ્સો ધરાવે છે. 

Print