www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વંદન વાટિકા શેરીમાં રીક્ષા ચાલક બેફામ બન્યો: એડવોકેટના મકાનનો ડેલો તોડી લીવીંગ રૂમમાં રીક્ષા ધસી આવી


એડવોકેટ દુર્લભજીભાઇ રાઠોડે પોતાના મકાનમાં રૂા.1.25 લાખનું નુકશાન થયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

સાંજ સમાચાર

રાજકોટ, તા.22
વંદન વાટિકા શેરીમાં રીક્ષા ચાલક બેફામ બન્યો હતો અને એડવોકેટના મકાનનો ડેલો અને દીવાલ તોડી રીક્ષા લીવીંગ રૂમમાં ઘુસાડી હતી. બનાવમાં મકાનમાં રૂા.1.25 લાખનું નુકશાન થતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે એરપોર્ટ રોડ પર વંદન વાટિકા શેરીમાં રહેતા દુર્લભજી દલપતસિંહ રાઠોડ (ઉ.વ. 47)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રીક્ષા ચાલક અને એક અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે તેઓ રાજકોટ કોર્ટમાં વકિલાત કરે છે ગઇકાલે સવારના 11 વાગ્યાની આસપાસ તેઓ કોર્ટ ખાતે હતા ત્યારે તેમના ભાભીનું ફોન આવ્યો હતો કે જી.જે.09-એ-એક્સ-0607 નંબરની રીક્ષાના ચાલકે આપણા મકાન સાથે અથડાવી ડેલો અને દીવાલ તોડી નાખેલ છે.

રીક્ષા મકાનના લીવીંગ રૂમ સુધી ધસી આવેલ છે. રીક્ષા ચાલક સાથે એક અન્ય શખ્સ પણ બેસેલ હતો. રીક્ષા ચાલકને તેનું નામ પૂછતા રમેશ બથવાર જણાવ્યું હતું. તેમજ ફરિયાદીના મમ્મી થોડીવાર પહેલા જ ત્યાંથી હટ્યા હતા નહીંતર તેઓના જીવનનું જોખમ ઉભું થયું હોત. બાદમાં તેઓ ઘરે પહોંચતા રીક્ષા ઘરની સામે ઉભી હતી અને ઘરની દીવાલ અને ડેલો તુટી ગયેલ હતો તેમજ ઇલેકટ્રીક વાયર તુટી ગયા હતા.

બંને તરફની દીવાલો ધસી પડી હતી તેમજ ડેલો પણ તુટીને નીચે પડેલ હતો. જે જોતા અંદાજીત રૂા.1.25 લાખનું નુકશાન મકાનમાં થયું હતું. જે અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરી હતી. 

Print