www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

83000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે

ગુજરાત સહિત દેશના 60 શહેરોમાં રિંગરોડ - એલિવેટેડ કોરિડોર બનશે


લાંબુ અંતર કાપતા ટ્રક અને ભારે વ્યાવસાયિક વાહન ઓછા સમયમાં પોતાના લક્ષ્ય સ્થળે પહોંચી શકશે: શહેરોમાં ટ્રાફિક જામ મામલે મોટી રાહત થશે

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.14
કેન્દ્ર સરકાર દેશના મુખ્ય 60 શહેરોમાં રિંગ રોડ, બાયપાસ અને એલિવેટેડ કોરિડોર બનાવવા જઈ રહી છે. આથી લાંબા અંતરવાળા ટ્રક અને ભારે વ્યાવસાયિક વાહન ઉક્ત શહેરની અંદર જવાને બદલે બાયપાસ અને એલિવેટેડ કોરિડોરથી ઓછા સમયમાં પોતાના લક્ષ્ય સ્થળ સુધી પહોંચી શકશે.

શહેરોમાં ભીડ ઓછી થવાથી લોકોને ટ્રાફિક જામથી છુટકારો મળશે અને રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટ્રાફિકનું દબાણ ઓછું રહેશે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે વિઝન 2047ના માસ્ટર પ્લાનમાં ઉપરોક્ત યોજનાને બે ફેઝમાં લાગુ કરવાનો ઉલ્લેખ છે.

માસ્ટર પ્લાનના ફેઝ-1માં 60 શહેરોમાં ટ્રાફિક ઓછો કરવા માટે રિંગ રોડ, બાયપાસ અથવા એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. તેની કુલ લંબાઈ 1044 કિલોમીટર હશે.

ફેઝ-1માં પ્રસ્તાવિત યોજનામાં રિંગરોડ, બાયપાસ, એલિવેટેડ કોરિડોરને 2024-25માં કોન્ટ્રાકટ આપવામાં આવશે. જયારે યોજનાને પુરી કરવાનું લક્ષ્ય 2028-29 રાખવામાં આવ્યું છે. તેના પર 83 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જેમાં જમીન સંપાદનના ખર્ચના 50 ટકા રાજયોને ચૂકવવા પડશે.

રિંગરોડ-બાયપાસ ચાર લેન અથવા છ લેન શહેરના ટ્રાફિક દબાણ અનુસાર બનાવવામાં આવશે. જેમાં સિગ્નલ નહીં હોય, જેમાં સફર ઝડપી ગતિથી કરી શકાશે. માસ્ટર પ્લાન અનુસાર ફેઝ-1 પુરું થયા બાદ ફેઝ-2 શરૂ થશે. તેમાં કુલ 3 હજાર કિલોમીટર લાંબો રિંગરોડ, બાયપાસ, એલિવેટેડ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ છે. તેમાં વધુ ટ્રાફિક દબાણવાળા રાજયોની રાજધાનીઓને સામેલ કરવામાં આવશે.

પ્લાન ફેઝના શહેરોના નામ: ઉતરપ્રદેશમાં ફિરોઝાબાદ, મુરાદાબાદ, ઝાંસી, આગ્રા, બરેલી, સહારનપુર, વારાણસી છે. ઉતરાખંડમાં દહેરાદૂન અને બિહારમાં પટણામાં આ યોજના લાગુ પડશે. જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરમાં તેને લાગુ પાડવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત, તામિલનાડુ, કેરળ, પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, આસામ રાજયોના મુખ્ય શહેરોને સામેલ કરવામાં આવશે.

માસ્ટર પ્લાનમાં બિન સૂચિબદ્ધ શહેરોના નામ: ઉતરપ્રદેશમાં પ્રયાગ, લખનૌ, જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ અને દિલ્હીમાં આ યોજના લાગુ પડશે.

Print