www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જેવો ટ્રાફિક એવા રોડ : ‘કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ’ માટે મનપા દ્વારા તૈયારીઓ શરૂ


શેરી-ગલીઓની ડિઝાઇન ફેરવવા નિષ્ણાંતોનો મત : ભવિષ્યની સ્થિતિ ધ્યાનમાં રાખી ફેરફારો આવશ્યક : આંતરિક રસ્તાને ‘હાઇ-વે’ બની જતા અટકાવાશે : ટાઇપોલોજી આધારીત ડિઝાઇનના અમલ માટે ભલામણ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 23

રાજકોટમાં ટ્રાફિકને અનુરૂપ રસ્તાઓ કમ્પ્લીટ સ્ટ્રીટના નામે રી-ડિઝાઇન કરવા, શેરી ગલીઓના અનુરૂપ વિકાસ   ફેરફાર, આંતરીક રસ્તાઓને હાઇવે જેવા થતા અટકાવવાની દિશામાં મહાપાલિકા આગળ વધી છે. આજે કોર્પો. અને જીઆઇઝેડના ઉપક્રમે પોલીસ અને મનપાના અધિકારીઓના વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં રસ્તાઓની ડિઝાઇન ડેવલપ કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

જર્મનીની એજન્સી જીઆઇઝેડના સમર્થન સાથે આવાસ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન (બીએમઝેડ) દ્વારા કમિશન્ડ કરાયેલ ’સસ્ટેનેબલ અર્બન મોબિલિટી, એરક્વોલિટી, ક્લાઇમેટ એક્શન અને એક્સેસિબિલિટી સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટે ટેકનીકલ સહયોગ ઉપલબ્ધ બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ભારતના પાંચ રાજ્યો (ઓડિશા, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મેઘાલય)માંથી પસંદ કરેલા નવ શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે. 

આ પ્રોજેક્ટ અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકા અને જીઆઇઝેડ દ્વારા કમ્પલીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ  વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપમાં આનંદ પટેલ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા બેઝીક સુવિધાઓ જેવી કે, ગટર, પાણી અને ડ્રેનેજની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે જ છે. સાથોસાથ હવે અર્બનાઈઝેશન (શહેરીકરણ)ના વધતા જતા પ્રમાણ અંગે પણ વિચાર કરવો જરૂરી બનતો હોય છે. તંત્ર દ્વારા પણ શહેરીજનોને સુગમતા અને આવશ્યક એવી નવી-નવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા અંગે આ દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં શહેરીકરણની ઝડપી પ્રક્રિયાને નજર સમક્ષ રાખી શહેરના સુનિયોજિત ભૌતિક માળખાકીય વિકાસ માટે નિષ્ણાંતોના સહકાર સાથે અર્બન પ્લાનિંગ થઇ રહ્યા છે. રાજકોટમાં વિવિધ એજન્સીઓના સહકાર સાથે આ દિશામાં કામ થઇ રહ્યું છે. ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા સ્ટ્રીટ ડિઝાઈન પર ભાર મૂકી રહી છે. 

આ અવસરે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે જણાવ્યું હતું કે, નાની નાની બાબતો પણ ઘણી વખત મહત્વની બની જતી હોય છે. ભૌતિક માળખાકીય સુવિધાઓને લાગે વળગે છે ત્યાં સુધી કેટલાક નાના નાના ડેવલપમેન્ટ કરવાથી પણ મોટા ફાયદા થતા હોય છે. શેરી-ગલીઓમાં કેટલાક નાના નાના ફેરફારોથી મોટા રસ્તાઓ પરનું પરિવહન ભારણ ઘટી શકે છે. 

ટીમ લીડર ઝોહરા મુતાબન્નાએ શહેરની શેરીઓ અંગે કરેલા રીસર્ચ બાબતે પીપીટી મારફત એ દર્શાવાનો પ્રયાસ કર્યો હતો શેરી-ગલીઓ કેવી રીતે વિકસાવી શકાય.  કોર્પોરેશન શહેરના આંતરિક રસ્તાઓને હાઈ-વે થતા અટકાવવા તદુપરાંત જરૂરી સ્ટ્રીટ ફર્નિચર સાથે તેને ડેવલપ કરવા માટે પ્રોજેક્ટ અંતર્ગત સ્ટ્રીટ ટાઇપોલોજીનો અભ્યાસ કરીને તેની ડિઝાઇન ગાઇડલાઇન પર કામ કરી રહેલ છે. 

આ વર્કશોપમાં કોર્પો.ના સ્ટાફને કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલોપમેન્ટ માટેના આયોજન, ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણી માટેના વિવિધ અભિગમો વિષે માર્ગદર્શન અપાયું હતું. તમામ ઉંમરના રાહદારીઓ, સાયકલ સવારો અને મોટર ચાલકો, તેમને સંલગ્ન રોડ વિડ્થનો સલામત ઍક્સેસ કરી શકે તે મુજબ રોડની ડિઝાઇન ડેવલપ કરવાનો હતો. આ વિચારનો ઉપયોગ કરીને તેમને રી-ડીઝાઈન કરવા માટે પ્રારંભિક અભ્યાસ કરાયો હતો.

આ વર્કશોપમાં કમિશનર આનંદ પટેલ, ડે.કમિશનર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, સિટી એન્જી.ઓ, ટાઉન પ્લાનિંગ અધિકારી એમ.ડી.સાગઠીયા, અર્બન પ્લાનર તેમજ ટીમ લીડર ઝોહરા મુતાબન્ના, જીઆઇઝેડના ટેકનીકલ એક્ષ્પર્ટ ક્રિષ્ના દેસાઈ, પ્લાનર એન્ડ કો-ઓર્ડિનેટર જીએફએના નિલેશ પ્રજાપતિ, સંદીપ અને કોર્પો. તથા પોલીસ તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

Print