www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઝાલાવાડ જિલ્લાને જોડતી ચેકપોસ્ટ સહિત પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ


દેશીદારૂના પણ ઠેર ઠેર દરોડા : કુખ્યાત બુટલેગર તત્ત્વો સામે અટકાયતી પગલાં

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 4
સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસે ઠેરઠેર દરોડા કર્યા છે.જેમાં કુલ 72,89,150નો મુદ્દામાલ ઝડપાયો છે. કુખ્યાત બુટલેગરો અને હાઈવે પર સઘન વાહન ચેકીંગ દ્વારા પોલીસે ચૂંટણી સમયે જિલ્લામાં ઠલવાતો કે જિલ્લાના રસ્તે અન્ય જિલ્લાઓમાં જતા દારૂનો પર્દાફાશ કર્યો છે.

સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત તા. 16મી માર્ચના રોજ થઈ હતી. ત્યારે ચૂંટણી સમયે મોટાભાગે દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાએ ચૂંટણી સમયે દારૂની બદીને ડામવા આદેશ કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર એલસીબી ટીમ ઉપરાંત વિવિધ પોલીસ મથકો દ્વારા બાતમીને આધારે કે વાહન ચેકીંગ દરમીયાન મોટાપાયે દારૂ ઝડપી લીધો છે. ચૂંટણી જાહેર થયાના 45 દિવસ જેટલો સમય થયો છે.

ત્યારે આ સમયગાળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂના વીવીધ દરોડામાં 72,89,0150નો દારૂ પકડાયો છે. બુટલેગરો પોલીસને થાપ આપવા અંતરિયાળ માર્ગો પસંદ કરતા હતા. પરંતુ આ માર્ગો પર પણ પોલીસે વોચ રાખી હતી. અને બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધુ હતુ. બીજી તરફ પડોશી જિલ્લાના મોરબી, રાજકોટ, બોટાદ, પાટણ સહિતના જિલ્લાઓની બોર્ડરે પણ ખાસ વાહન ચેકીંગ કરી દારૂની હેરફેરનો પર્દાફાશ કર્યો હતો.

જેમાં એક સમયે તો દિલ્હીથી રાજકોટ જતી ટ્રેનમાંથી પણ દારૂ પકડાયો હતો. આ ઉપરાંત વઢવાણના દેદાદરા પાસે એલસીબી ટીમે મોટાપાયે દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હજુ મતદાનના દિવસો જેમ જેમ નજીક આવતા જાય તેમ તેમ પોલીસે પણ સઘન ચેકીંગ અને દરોડા કરીને ચૂંટણી સમયે દારૂની રેલમછેલ રોકવા આયોજન કર્યુ છે. 

 

Print