www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૂા.10નો સિકકો કાયદેસરનું ચલણ, દુકાનો પર સ્વીકારવા સ્ટીકર લગાવો: કલેકટર દ્વારા વ્યાપારીઓને તાકિદ


બેંકોમાં પણ સિકકા જમા કરાવી શકાય છે: પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ: લેણ-દેણ વ્યાપક બનાવવા અનુરોધ

સાંજ સમાચાર

રાજકોટ તા.22
રાજકોટ શહેર જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રૂા.10નો સિકકો માન્ય હોવા છતા તેનો વ્યવહારમાં નહીંવત ઉપયોગ થતો હોય ગ્રાહકો-વેપારીઓ તેમજ બેંકર્સને રૂા.10ના સિકકાને લઈને મુશ્કેલીઓ પડી રહી છે.

જેમાં મોટાભાગના દુકાનદારો રૂા.10ના ચલણી સિકકા સ્વીકારતા ન હોવાની ઉઠેલી થોકબંધ ફરીયાદો બાદ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા રૂા.10નો સિકકો એ કાયદેસરનું ચલણ હોય આ ચલણી સિકકાને તમામ દુકાનો પર સ્વીકારવા તેમજ રૂા.10ના સિકકા અહીં સ્વીકારાય છે તેવા દુકાનો પર સ્ટીકલ લગાવવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે.

આ અંગે જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા જીલ્લા કલેકટર કચેરી ખાતે પણ નેશનલ અને ખાનગી બેંકોના અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી ભાર પૂર્વક જણાવ્યું હતું કે રૂા.10નો સિકકો ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે જેનો વ્યવહાર કાયદેસર છે જેથી કરીને લોકો વેપારીઓ નિ:સંકોચ પણે ચલણમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે તે ઈચ્છનીય છે. 

બેંકો પણ રૂા.10ના સિકકાનો અસ્વીકાર કરી શકે નહીં તમામ બેંકોમાં રૂા.10ના સિકકા જમા કરાવી શકાય છે. કલેકટર પ્રભવ જોશી દ્વારા આ બાબતે સહકાર આપવા બેંક અધિકારીઓને જણાવ્યું હતું આ તકે બેંક અધિકારીઓએ પણ જણાવેલ કે રૂા.10ના સિકકા કોઈપણ વેપારી બેંકમાં જમા કરાવી શકે છે.

રૂા.10નો સિકકો વ્યાપક પ્રમાણમાં વહેવારમાં આવતા છુટા નાણાની સમશ્યા હલ થઈ જશે અને લોકોની મુશ્કેલી દુર થશે. આ તકે જીલ્લા કલેકટર જોશી દ્વારા રૂા.10ના સિકકાની લેણ-દેણ વ્યાપક બનાવવા પણ અનુરોધ કરાયો હતો.

Print