www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાંચ લૂંટના બનાવનો મુખ્ય સૂત્રધાર સમીર ઠેબા જંગલેશ્વરમાંથી ઝડપાયો


મોકાજી સર્કલ પાસે, દસ્તુર માર્ગ, લક્ષ્મીનગર ઓવરબ્રીજ સહિત પાંચ લુંટને અંજામ આપ્યા બાદ રૂપિયાનો ભાગ પાડી સમીર જુનાગઢ ભાગી છુટયો’તો: પૈસા પુરા થતા જંગલેશ્ર્વરમાં આવ્યો અને એસઓજીએ દબોચી લીધો: લુંટ-ચોરી-દારૂ સહિતના ગુન્હા આરોપી સામે નોંધાયેલ

સાંજ સમાચાર

રાજકોટ તા.27
થોડા દિવસ પહેલા વહેલી સવારે શહેરમાં ત્રણ લુંટના બનાવો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જે બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રિપુટીને ઝડપી લીધી હતી. પુછતાછમાં અન્ય એક શખ્સ સાથે મળી પાંચ લુંટને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી.
લુંટના બનાવનો મુખ્ય સૂત્રધાર લુંટના રૂપિયાનો ભાગ પાડી ફરાર થઈ ગયો હતો. ગઈકાલે તે જંગલેશ્ર્વરમાં આવતા જ એસઓજીની ટીમે દબોચી લીધો હતો.

બનાવની વિગત મુજબ ગઈ તા.18ની વહેલી સવારે મોકાજી સર્કલ પાસે આવેલ પેટ્રોલપંપ નજીક એક રિક્ષાચાલકને બાઈકમાં ધસી આવેલ ત્રિપુટીએ છરીની અણીએ રૂા.23 હજારના મુદામાલની લુંટ ચલાવી નાસી છુટયા હતા. બાદમાં ત્રિપુટી ડો.હોમીદસ્તુર માર્ગ પર ધસી ગયા હતા અને ત્યાં લોધીકાના વાગુદડ ગામે રહેતા શ્રમીક માનસીંગભાઈ કાળુભાઈ ઘોડને આંતરી છરીની અણીએ રૂા.13500ના મુદામાલની લુંટ ચલાવી નાસી છુટયા હતા જે બાદ આનંદબંગલા ચોકથી મવડી બ્રિજ ચડતી વખતે વેપારી કાનજીભાઈ ઠુંમરને આંતરી બાઈક સવાર ત્રિપુટીએ છરીની અણીએ રૂા.10 હજારના મુદામાલની લુંટ ચલાવી નાસી છુટતા ખળભળાટ મચી ગયો હતો જે બાદ ત્રિપુટીએ ભક્તિનગર સ્ટેશન અને ગોંડલ રોડ પરથી બે લોકોને આંતરી મોબાઈલની લુંટ ચલાવ્યાનું સામે આવ્યુ હતું.

બનાવથી હરકતમાં આવેલ શહેર પોલીસે શહેરમાં નાકાબંધી કરી દીધી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે ભરત ઉર્ફે ભરતો પોપટ, સમીર ઉર્ફે બચો ઈમરાન જેસડીયા અને નિલેશ ઉર્ફે ભુરી ગોપાલ વાઘેલાને કોઠારીયા સોલ્વન્ટમાંથી ઝડપી પુછતાછ હાથ ધરી હતી.

પુછતાછમાં આરોપીઓએ કબુલ્યુ હતું કે કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા સમીર ઉર્ફે સમલા સાથે મળી લુંટને અંજામ આપ્યો હતો. જો કે તે પોલીસને હાથતાળી આપી નાસી છુટયો હતો. દરમ્યાન ગઈકાલે એસઓજીના પીઆઈ જે.એમ.કૈલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડકોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. વિરદેવસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે સમીર ઉર્ફે સમલો અબ્દુલ ઠેબા (ઉ.28) રહે. કોઠારીયા સોલ્વન્ટ ત્રણ માળીયા કવાર્ટરને જંગલેશ્ર્વરમાંથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પુછતાછમાં આરોપી લુંટના રૂપિયાનો ભાગ પાડી જુનાગઢ નાસી છુટયો હતો. જયાં રૂપિયા પુરા થઈ જતા રાજકોટ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ લુંટ, મારામારી, દારૂ, ચોરી સહીતના અનેક ગુન્હા નોંધાયેલ છે.

 

Print