www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાંઢીયા પુલ આજથી બંધ : વાહનો ફસાયા : ટ્રાફિકજામ


સાંઢીયા પુલ પર તમામ પ્રકારના વાહનોને પ્રવેશબંધી અંગે પોલીસ કમિશ્ર્નરે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું, પુલનું નવનિર્માણ ન થઈ જાય ત્યાં સુધી જાહેરનામાનો અમલ થશે

સાંજ સમાચાર

►આજ સવારથી જ ડાયવર્ઝન રૂટ પર વાહનોની લાઈનો લાગી હતી, નિયમ પાલન માટે પોલીસ સ્ટાફ ખડકી દેવાયો : ગેરકાયદે પ્રવેશ કરે તે પહેલાં જ વાહનોને પાછા વાળી દેવાયા

►આજ સવારથી જ ડાયવર્ઝન રૂટ પર વાહનોની લાઈનો લાગી હતી, નિયમ પાલન માટે પોલીસ સ્ટાફ ખડકી દેવાયો : ગેરકાયદે પ્રવેશ કરે તે પહેલાં જ વાહનોને પાછા વાળી દેવાયા

 

રાજકોટ, તા.22
જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ આજથી બંધ કરી દેવતા કેટલાય વાહનો ફસાયા હતા. ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાંઢીયા પુલ પર તમામ પ્રકારના વાહનોને પ્રવેશબંધી અંગે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હતું. જેની આજથી અમલવારી શરૂ થઈ છે. પુલનું નવનિર્માણ ન થઈ જાય ત્યાં સુધી જાહેરનામાનો અમલ થશે. આજ સવારથી જ ડાયવર્ઝન રૂટ પર વાહનોની લાઈનો લાગી હતી, નિયમ પાલન માટે પોલીસ સ્ટાફ ખડકી દેવાયો હતો. ગેરકાયદે પ્રવેશ કરે તે પહેલાં જ વાહનોને પાછા વાળી દેવાયા હતા.

જાહેરનામા મુજબ, હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી તરફ જતા ટુ-વ્હીલર વાહનો, કાર, એમ્બુલેન્સ, જેવા તમામ પ્રકારના લાઈટ વેઈટ વ્હીકલ વાહનો હોમફોર બોયઝ (પેટ્રોલ પંપ)થી ભોમેશ્વર રોડથી ભોમેશ્વર ફાટકથી ભોમેશ્વર મંદિરથી જામનગર રોડ તરફ જઈ શકશે. ટુ-વ્હીલર સિવાયના તમામ વાહનો માટે વન-વે રહેશે. માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક તરફ જતા ફક્ત ટુ-વ્હીલર વાહનો ભોમેશ્વર મંદિરથી ભોમેશ્વર ફાટકથી હોમફોર બોયઝ (પેટ્રોલ પંપ)થી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે. થ્રી વ્હીકલ, કાર, એમ્બુલેન્સ, જેવા લાઈટ વેઈટ વ્હીકલો રેલનગર અંડર બ્રિજથી રેલનગર મેઇન રોડથી પોપટપરા મેઇન રોડથી પોપટપરા નાલામાંથી રેલ્વે સ્ટેશન મેઈન રોડથી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે. તેમજ માધાપર ચોકડીથી 150 ફૂટ રીંગ રોડથી રૈયા ચોકડીથી રેષકોર્ષ થઈ હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે.

થ્રી વ્હીકલ તથા કાર જેવા લાઈટ વેઈટ વ્હીકલો માટે એરપોર્ટ બગીચા (રેલનગર અંડર બ્રિજ ચોક)થી ભોમેશ્વર રોડ તરફ જવા માટે પ્રવેશ બંધ રહેશે. તમામ એસ.ટી. બસો માધાપર ચોકડીથી રૈયા ચોકડી થઈ, આમ્રપાલી અંડર બ્રિજથી એસ.ટી બસ સ્ટેશન તરફ જઈ શકશે. ભારે વાહનો અને પ્રાઈવેટ લકઝરી બસો માટે પ્રવેશબંધીના સમય સિવાય જે ત્યારબાદ માધાપર ચોકથી રૈયા ચોકડીથી આમ્રપાલી અંડર બ્રિજથી અવર-જવર કરી શકશે. જોકે આજથી આ નિયમ લાગુ પડતા જ વાહનોની કતારો લાગી હતી. તેમાં પણ ભોમશ્ર્વર ફાટક બંધ થાય ત્યારે વાહનો ફસાઈ જાય છે. આ તરફ સવારથી જ ટ્રાફિક પોલીસનો સ્ટાફ ખડકી દેવાયો હતો. જોકે અહીંથી પસાર થતા વાહનોની સંખ્યા ખૂબ જ વધુ હોય ટ્રાફિક જામ સર્જાયો હતો.

►ભોમેશ્વરના રહીશોને પણ ફરજિયાત ચક્કર કાપીને ઘરે પહોંચવું પડશે

રાજકોટ :  સાંઢીયા પુલ વાહનો માટે બંધ થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડશે. આ તરફ ભોમેશ્વર પ્લોટમાં રહેતા રહીશોને પણ વન-વેમાં પ્રવેશવા ન દેવાતા રહીશોમાં દેકારો બોલી ગયો છે. અહીંના રહીશોએ જણાવ્યા મુજબ, પુલ પાસે ફરજમાં રહેલ પોલીસે કર્મીએ સ્પષ્ટ કહ્યું હતું કે, કાર સહિતના વાહનો સાથે એરપોર્ટ તરફથી ભોમેશ્વર તરફ પ્રવેશ નહીં મળે. ઉલ્લેખનિય છેકે, માધાપર ચોકડી તરફથી આવતા વાહનોને રેલનગર અંડર બ્રિજમાંથી ડાયવર્ઝન અપાયું છે. જ્યારે માધાપર ચોકડી તરફથી આવતા ફક્ત બાઈક ચાલકોને ભોમેશ્વર તરફ જવા દેવાશે. જેથી હવે ભોમેશ્વરના કાર ધરાવતા રહીશોને પણ ફરજિયાત ચક્કર કાપીને ઘરે પહોંચવું પડશે. આ અંગે એસીપી જે.બી. ગઢવીના જણાવ્યા મુજબ, ભોમેશ્વર વિસ્તારમાં રહેતા લોકોને પણ તમામ વાહન ચાલકોની જેમ જ નિયમ લાગુ પડશે. જાહેરનામાથી કોઈ વિશેષ છૂટ અપાઈ નથી.

 

►જર્જરિત પુલ પરથી ડાયવર્ઝન અપાયું : દુર્ઘટનાની સંભાવના

રાજકોટ: સાંઢીયા પુલ પર વાહનબંધી થતા તંત્રએ ભોમેશ્વર ફાટક તરફ ડાયવર્ઝન આપ્યું છે. હોસ્પિટલ ચોક તરફથી આવતા ટુ વ્હિલર, થ્રી વ્હિલર, ફોર વ્હિલરને ભોમેશ્વર ફાટક તરફથી જવાની છૂટ અપાઈ છે. અહીં હેડ કવાર્ટરની દીવાલને અડીને આવેલ ફાટક પહેલાના વોકળા પર એક જર્જરિત નાલા જેવો પુલ છે. સાંઢીયા પુલ બંધ થતાં હવે રોજ અહીંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થશે. દેખીતી રીતે જ આ પુલ ખખડધજ હાલતમાં દેખાઈ છે. ડાયવર્ઝન કાઢતા પહેલા આ પુલ પર કોઈનું ધ્યાન નહીં પડ્યું હોય? મોટા પ્રમાણમાં વાહન પસાર થાય તો પુલ પર દુર્ઘટનાની સંભાવના છે. જોકે અધિકારીઓએ ધ્યાન આપી ડાયવર્ઝન કાઢતા પહેલા આ જર્જરિત પુલની મરામત કરાવી લીધી હોત તો કોઈ ભય ન રહેત. (તસવીર : પંકજ શીશાંગીયા)

 

 

 

 

Print