www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

RAJKOT : સાંઢીયા પુલ તોડવાનું પણ શરૂ : બે વર્ષ સુધી વાહન ચાલકો હેરાન થશે


કુલ 63 કરોડનો પ્રોજેકટ : જુનો બ્રીજ તોડીને નવો બનાવવાની રાજકોટની સૌપ્રથમ યોજના : રેલનગર તરફ પુલનો રોડ ઉખેડવાનું કામ હાથ પર લેવાયું : સેન્ટ્રલ સ્પાન તોડવાની મંજૂરીની રાહ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 22
જામનગર રોડથી રાજકોટને જોડતા દાયકાઓ જુના સાંઢીયા પુલને તોડી નવો ફોરટ્રેક પુલ બનાવવાનો પ્રોજેકટ આજથી મનપાએ ઓન રોડ હાથ પર લીધો છે. હાઇવેને જોડતો આ પુલ આજે પોલીસે વાહન વ્યવહાર માટે બંધ કરાવ્યો હતો, તો કોર્પો. વતી રેલવેના કોન્ટ્રાકટરે રેલનગર તરફના ખુણે પુલ તોડવા માટે રોડ ઉખેડવાનું કામ શરૂ કર્યુ છે. ટેન્ડરની શરતો મુજબ બે વર્ષમાં આ નવો પુલ બનાવીને તૈયાર કરવાનો થાય છે જે જોતા જુન-2026 આસપાસ  આ પુલ વાહન વ્યવહાર માટે ફરી શરૂ થઇ શકે તેમ છે. 

રાજકોટનો આ સાંઢીયા પુલ વર્ષોથી જામનગર રોડ તરફથી અવરજવર માટે કાયમી માર્ગ બન્યો હતો. મહાપાલિકાના અસ્તિત્વ પહેલા રાજય સરકારે આ પુલનું નિર્માણ કર્યુ હતું. થોડા સમય પહેલા મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બની તે બાદ સરકારે રાજયના તમામ જુના પુલનો સર્વે કરવા આદેશ આપ્યો હતો.

આ ચકાસણીમાં સાંઢીયા પુલ ખુબ જુનો  થઇ ગયાનો અને ભારે વાહનોની અવરજવર માટે સલામત નહીં હોવાનો રીપોર્ટ આપવામાં આવ્યો હતો. આ બાદ થોડા સમયથી ભારે વાહનોની અવરજવર રોકવા પુલની બંને તરફ એંગલ મુકી દેવામાં આવ્યા છે.

ગઇકાલ સુધી ટુ, થ્રી અને  કાર જેવા ફોર વ્હીલર જ અવરજવર કરતા હતા. આજે પોલીસ કમિશ્નરના જાહેરનામાથી પુલ બંધ કરાયો છે. નવા બ્રીજનું નિર્માણ થાય ત્યાં સુધી આ પુલ બંધ રહેશે તેવું જાહેર કરાયું છે. 

મનપાએ રેલવેમાં જુદા જુદા ચાર્જ સહિત 63 કરોડ જેવી રકમ જમા કરાવી છે. ભોમેશ્ર્વર તરફના રસ્તે ડાયવર્ઝન બનાવીને વાહન વ્યવહાર માટે રસ્તો કાઢયો છે. જોકે હજુ પુલની વચ્ચે રેલવેના પાટા ઉપર આવતો ભાગ તોડવાની મંજૂરી રેલવેએ આપી નથી. આથી પુલના રેલનગરના ખુણા તરફના રસ્તે પુલ પરનો ડામર રોડ તોડવાનું શરૂ કરાયું છે.  હવે આ પુલ પરથી વાહનો પસાર થવાના નથી. આથી મનપા સલામતીના પગલા લઇને આ પુલ તોડાવી રહી છે. 

પુલ તોડવાનું કામ સમયસર થાય તો ત્રણેક મહિનામાં પુલ તોડી શકાય તેમ છે. ત્યાં સુધીમાં રેલવેની મંજુરી આવી જવાની પણ આશા છે. રાજકોટમાં કોઇ જુનો પુલ તોડીને ઓવરબ્રીજ બનતો હોય તેવો આ પ્રથમ પ્રોજેકટ છે. સૌ પહેલા ડાયમંડ કટર સહિતના સાધનો વડે જુનો પુલ તોડવાનું કામ શરૂ કરાશે તે બાદ નવો પુલ બનાવવામાં આવશે. 

આ કારણે આ કામના ટેન્ડરની મુદ્દત 24 મહિના રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ સાઇટથી માધાપર તરફ ફોરલેન બ્રીજ બનવાનો છે. જેની પહોળાઇ 16 મીટર રહેશે. ચોમાસા સિવાયના બે વર્ષમાં આ કામ એજન્સીએ કરીને આપવાનું છે. બ્રીજ માટે રર એલીવેટેડ સ્પાનનો ઉપયોગ કરવામાં આવનાર છે. બ્રીજ પર સેન્ટ્રલ સ્પાન 36 મીટરનો છે.

સિવિલ હોસ્પિટલ સાઇડ 298 મીટર અને માધાપર સાઇડ 268 મીટરમાં બ્રીજનું કામ કરવાની ડિઝાઇન બનાવવામાં આવી છે. સલામતીના કારણો ધ્યાને લેતા આ બ્રીજ બનાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. જે માટે મુખ્ય રોડ જેવો સાંઢીયા પુલ બંધ કરવામાં આવતા ઓછામાં ઓછા બે વર્ષ સુધી વાહન ચાલકોને ડાયવર્ઝન સહિતની અગવડો ભોગવવી પડશે તે નકકી છે.

Print