www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સત્ય શોધક સમિતિએ અગ્નિકાંડના ‘અર્ધ સત્ય’ અંગે માહિતી મેળવી


અશ્વિનીકુમારની આગેવાનીમાં મનપા, પોલીસ, કલેકટર તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા : તા.30 સુધીમાં વહીવટી તપાસનો રીપોર્ટ સોંપાશે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 20
રાજકોટમાં તા. 25 મેના ગેરકાયદે ધમધમતા ટીઆરપી ગેમઝોનમાં બેદરકારીથી ભભુકી ઉઠેલી ભયાનક આગમાં 27થી વધુ લોકો બળીને ભડથુ થઇ ગયાના મનુષ્યવધના ગુનામાં હાઇકોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢયા બાદ સરકાર  દ્વારા ગત તા. 13 જુનના રચાયેલી સત્ય શોધક કમીટી (ફેકટ ફાઇડીંગ કમીટી)ના ચાર સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ રાજકોટ આવ્યા હતા અને આ ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.

આઇ.એ.એસ. અધિકારી અશ્વિનીકુમારે જણાવ્યું કે હાઇકોર્ટના તા. 13 જુનના હુકમ અન્વયે તેઓ ફેકટ ફાઇડીંગ કમીટીના આઇ.એ.એસ. અધિકારીઓ મનીષ ચાંદ્રા, પી.સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ રાજકોટ આવ્યા હતા. ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને માહિતી મેળવી છે.

પોલીસ કમિશ્નર,  મ્યુનિ. કમિશ્નર, જિલ્લા કલેકટર, ટાઉન પ્લાનીંગ ઓફિસર, ચીફ ફાયર ઓફિસર વગેરે અધિકારીઓ સાથે બેઠક યોજીને ઘટના સંદર્ભે માહિતી મેળવાઇ છે અને તા. 4 જુલાઇએ રીપોર્ટ હાઇકોર્ટમાં સબમીટ કરીશું.

સરકારે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચેલી સીટ દ્વારા પણ આ કેસમાં તપાસ કરાઇ છે પરંતુ સરકારની સીટ મોટામાથાને છાવરી રહ્યાના આક્ષેપો થતા નવી ટીમ બનાવાઇ છે. આ કમીટીએ અગ્નિકાંડમાં અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની શું કામગીરી હતી, શું જવાબદારી હતી, શું કાર્યવાહી કરવામાં આવી હતી, કાર્ય પધ્ધતિ શું હતી વગેરે અંગે અનેકવિધ માહિતી મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડ સર્જાયો તે ગેમઝોનને પોલીસ કમિશ્નરે લાયસન્સ  આપ્યું હતું અને ટીપી શાખાએ ડીમોલીશનની નોટીસ આપ્યા બાદ આગળ કોઇ કાર્યવાહી કરી ન હતી. આ પુરા ઘટનાક્રમમાં કોની કોની ભૂમિકા અને ભલામણો હતી તે સહિતની માહિતી મેળવવા ટીમે પ્રયાસ કર્યો હતો.

ટીમે મ્યુનિ. અને પોલીસ કમિશ્નર, ટીપીઓ, ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ પાસેથી વિગતો લીધી છે. કલેકટરની ઉપસ્થિતિમાં આ તમામ ચર્ચાઓ થઇ છે. બાદમાં અશ્વિનીકુમારે કલેકટર કચેરીમાં મીટીંગ કરીને મીડિયાને આ અંગે તુરંતમાં સરકારને અને હાઇકોર્ટને રીપોર્ટ સોંપશે એટલું જ કહ્યું હતું. 

 

Print