www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાઉદી અરબમાં ભીષણ ગરમી હજયાત્રીઓ માટે દોજખની આગ બની

હજયાત્રીઓના મોત મામલે સાઉદી અરબ સરકારની દુનિયામાં આબરૂ ઘટી: 922થી વધુના મોત, 90 ભારતીયો


સાઉદી અરબ સરકારે ના તો મોતનું કારણ બતાવ્યું કે ના આંકડો જણાવ્યો: લાપતા સભ્યોની જાણકારી મેળવવા અલ-મુસાઇસમમાં સેંકડો લોકો લાઇનમાં ઉભા રહ્યા

સાંજ સમાચાર

મક્કા (સાઉદી અરબ), તા.20
હજ યાત્રાનું મુસ્લિમોમાં મોટું ધાર્મિક મહત્વ છે. હજયાત્રા દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી ગરમીના કારણે હજયાત્રીઓના  મોતના બનાવો બનતા રહ્યા છે પણ આ વખતે રેકોર્ડ બ્રેક 922થી વધુ હજયાત્રીઓના મોત થયા છે. તેમાં 90 જેટલા ભારતીય હજયાત્રીઓનો સમાવેશ થાય છે. હજયાત્રીઓના આટલી મોટી સંખ્યામાં મોત થતાં સાઉદી અરબ સરકાર ઘેરાઇ ગઇ છે.

સાઉદી અરબ સરકારે આટલી મોટી સંખ્યામાં મોત મામલે ન તો કોઇ ટિપ્પણી કરી છે કે ના તો કોઇ કારણ બતાવ્યું છે. આ કારણે સાઉદી અરબ સરકારની દુનિયાની નજરે આબરૂ ઘટી ગઇ છે. બીજી બાજુ મક્કા પાસે અલ-મુબાઇસમમાં ઇમર્જન્સી પરિસરમાં સેંકડો લોકો પોતાના પરિવારના લાપતા સભ્યોના બારામાં જાણકારી મેળવવાની કોશિષમાં લાઇનમાં ઉભા છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સાઉદી અરબમાં ભીષણ ગરમીના કારણે સાઉદી અરબમાં હજયાત્રા દરમિયાન 922થી વધુ હજયાત્રીઓના મોત થયા છે જેમાં 90 તો ભારતીય હજયાત્રી છે.

સાઉદી અરબનમાં ભારતના રાજદ્વારીએ જણાવ્યું હતું કે અમે લગભગ 90 ભારતીય હજયાત્રીના મૃત્યુની પુષ્ટિ કરી છે. કેટલાક કુદરતી મૃત્યુ પામ્યા છે. અહીં આવનારા મોટાભાગના ઝાયરીન વૃદ્ધ હતા. કેટલાક લોકોના મોત બદલાતા હવામાનના કારણે થયા. મૃતકોમાં 323 મિસર (ઇજિપ્ત)ના હતા અને જોર્ડનના 60 હતા. આ ઉપરાંત ઇન્ડોનેશિયા, ઇરાન, સેનેગલ, ટયુનિશિયા અને ઇરાકના હજયાત્રીઓના મોતની પણ પુષ્ટિ કરાઇ છે. જો કે અનેક મામલામાં અધિકારીઓએ મોતના કારણોનો ખુલાસો નથી કર્યો.

ભારતીયોના મૃત્યુની પુષ્ટિ કરનાર રાજદ્વારીએ જણાવ્યું હતું કે, કેટલાક ભારતીય ઝાયરીન લાપતા પણ છે. તેમણે ચોક્કસ સંખ્યા બતાવવાનો ઇન્કાર કર્યો હતો. એક અભ્યાસ મુજબ સાઉદી અરબમાં જે ક્ષેત્રમાં ઇબાદત કરવામાં આવે છે ત્યાં દર દાયકાએ તાપમાન 0.4 ડીગ્રી સેલ્સીયસ વધી જાય છે.

 

 

Print