www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો હાહાકાર : ચાર દિવસમાં 15 લોકોના મોત


હિટ સ્ટ્રોક સહિતના કેસોમાં એકાએક ચિંતાજનક વધારો : હિટવેવની સ્થિતિમાંથી હજુ રાહત મળે તેમ ન હોવાથી આરોગ્ય વિભાગની એડવાઇઝરી

સાંજ સમાચાર

અમદાવાદ, તા. 22
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તોબા પોકારાવી રહી છે અને આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ અંગ દઝાડતી ભીષણ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે રાજયમાં હિટ સ્ટ્રોક સહિતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થવા લાગ્યો છે અને છેલ્લા ચારેક દિવસમાં 15 લોકોના મોત નિપજયા છે. 

ગુજરાતના અનેક શહેરોમાં આકરો ઉનાળો તાપમાનનો રેકોર્ડ તોડી રહ્યો છે અને પારો 45 ડિગ્રીને પણ વટાવી રહ્યો છે. ચામડી બાળી નાખતી ભીષણ ગરમીમાં હિટ સ્ટ્રોક જેવા કેસોમાં એકાએક વધારો થયો છે.

વડોદરા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં છેલ્લા ચાર દિવસમાં 15 લોકોના કાળઝાળ ગરમીના કારણે મોત નિપજયા હોવાનું બહાર આવ્યું છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

આવતા પાંચ દિવસોમાં હજુ ગરમીમાં કોઇ રાહત મળે તેવી શકયતા ન હોવાની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને બપોરના સમયે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા, વધુ માત્રામાં પાણી પીવા સહિતની સલાહ આપવામાં આવી રહી છે.

અમદાવાદને લાગે વળગે છે ત્યાં સુધી દરરોજ હિટ સ્ટ્રોકના સરેરાશ 80 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને ઓઝોનનું સ્તર ઘટતા સૂર્યના કિરણો સીધા જ ધરતી પર પડી રહ્યા હોવાથી આકરા તાપમાં  લોકો તોબા પોકારી ઉઠયા છે. 

રાજયમાં સર્વત્ર તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધી જ ગયો છે અને સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ સહિતના શહેરોમાં તો 45 ડિગ્રીને પણ વટાવી ગયો છે. એકાદ ડઝન જેટલા શહેરોમાં પારો 43 ડિગ્રી કે તેથી વધુ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા હજુ આવતા દિવસોમાં ઉંચા તાપમાનમાં કોઇ રાહત મળવાની સંભાવના નકારવામાં આવી છે.  આ સ્થિતિમાં લોકોને હજુ કાળઝાળ ગરમી અને હિટવેવ જેવી પરિસ્થિતિનો જ સામનો કરવો પડે તેવી શકયતા છે.

સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનું રેડ એલર્ટ :  ગુજરાત સહિત 7 રાજયોમાં ‘લૂ’ની ચેતવણી
5 દિવસ તાપમાનમાં રાહત નહીં મળે : અનેક ભાગોમાં પારો હજુ 2 થી 3 ડિગ્રી વધીને 48ને વટાવશે 
નવી દિલ્હી, તા. 22

ગુજરાત સહિતના રાજયોમાં ભીષણ ગરમીનો હાહાકાર છે ત્યારે હવામાન વિભાગ દ્વારા 7 રાજયોમાં હજુ 25 મે સુધી હિટવેવની હાલતમાંથી કોઇ રાહત નહીં મળવાની આગાહી કરી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉતરપ્રદેશ, ગુજરાત તથા ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશ સૂર્યપ્રકોપ ચાલુ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી સહિત સમગ્ર ઉતર ભારતમાં પાંચ દિવસનું રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગના રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી તથા પશ્ચિમ ઉતર પ્રદેશમાં પાંચ દિવસ હિટવેવ અને સીવીયર હિટવેવની પરિસ્થિતિ સર્જાશે અને આ પાંચ દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ સમયગાળામાં અનેક શહેર અને જિલ્લામાં તાપમાન 47 ડિગ્રી કે તેનાથી પણ વધુ ઉંચે પહોંચવાની સંભાવના છે. સિનિયર વૈજ્ઞાનિક નરેશકુમારે જણાવ્યું હતું કે સમગ્ર ઉતર પશ્ચિમ ભારતમાં હાલ તાપમાન  નોર્મલ કરતા વધુ ઉંચુ રહ્યું છે અને આવતા ત્રણ દિવસ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

રાજસ્થાન માટે પણ પાંચ દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જયાં મહતમ તાપમાન 45થી 47 ડિગ્રીની રેન્જમાં રહેશે.  હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉતર પશ્ચિમ ભારત, ઉતરીય મધ્યપ્રદેશ તથા ગુજરાતના મેદાની ભાગોમાં પણ  આવતા પાંચ દિવસ હજુ ભીષણ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નથી. મધ્ય ભારતના અનેક ભાગોમાં આવતા પાંચ દિવસ દરમ્યાન તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

ગુજરાત જેવા રાજયો હવામાનની દ્રષ્ટિએ મધ્ય ભારતમાં સમાવેશ પામતા હોવાનું અત્રે ઉલ્લેખનીય છે. 

દિલ્હી-હરિયાણામાં તાપમાન 48 ડિગ્રીની નજીક : સૌથી વધુ ‘ગરમ’ શહેરોમાં ગુજરાતના સુરેન્દ્રનગરનો સમાવેશ

નવી દિલ્હી, તા. 22
દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે ઉતર ભારતના અનેક ભાગોમાં તાપમાનનો પારો 48 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો. હરિયાણાના સીરસામાં તાપમાન 47.8 ડિગ્રી નોંધાયુ હતું. જયારે દિલ્હીના નઝફગઢમાં પારો 47.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજસ્થાનના પિલાણીમાં તાપમાન 47.2 ડિગ્રી થયું હતું.

સૌથી ઉંચુ તાપમાન ધરાવતા ટોપ-10 શહેરોમાં પંજાબના ભટીંડામાં 46.6, આગ્રામાં 46.6, મધ્યપ્રદેશના રતલામમાં 45.6, ગુજરાતના સુરેન્દ્રનગરમાં 45.4, મહારાષ્ટ્રના આકોલામાં 44, છતીસગઢના દુર્ગમાં 43.6 અને હિમાચલના  ઉનામાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા અનેક ક્ષેત્રોમાં તાપમાન હજુ 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે અને પાંચ દિવસનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

Print