www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગરમીનો કાળો કેર : સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભૂજમાં લોકો ત્રાહિમામ


અમદાવાદ સહિતના શહેરોમાં ભીષણ ગરમી : 44 થી 45 ડિગ્રી તાપમાન : હજુ પાંચ દિવસ ભારે : કેશોદમાં લુ લાગતા તરૂણીનું મોત : દરિયાકાંઠાના ગામોમાં પણ ઉકળાટ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. હજુ પાંચ દિવસ હીટવેવ ચાલુ રહેવાની આગાહી વચ્ચે ગઇકાલે  પણ રાજયના સુરેન્દ્રનગર સહિત ત્રણ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહ્યો હતો. તો રાજકોટ સહિત પાંચ  શહેરમાં તાપમાન 44 ડિગ્રી ઉપર નોંધાયુ હતું. 

રાજયમાં અમદાવાદ 45.9 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ રહ્યું હતું. આ જ રીતે સુરેન્દ્રનગરમાં 45.8, ગાંધીનગર 45.7 એમ 46 ડિગ્રી નજીક પાસે પહોંચી ગયો હતો. તો અમરેલીમાં 44.9, ભુજમાં 44.3, રાજકોટમાં 44.2ડિગ્રી તાપમાન હતું.  આ સિવાય વડોદરામાં 43.4, ભાવનગરમાં 41.2, ડીસા 44.3, નર્મદા 42.7, સુરતમાં 41.2 ડિગ્રી ઉષ્ણતામાન  રહ્યું હોવાનું નોંધાયું છે. 

સૌરાષ્ટ્ર-કચ્છમાં તા. 16થી  એટલે કે 8 દિવસથી હીટવેવ જારી રહ્યો છે અને હજુ પણ કાળઝાળ તડકાંથી લોકોને હાલ મુક્તિ મળવાના એંધાણ નથી. મૌસમ વિભાગે વધુ પાંચ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતની સાથે ગુજરાતમાં હીટવેવ જારી રહેવાની ચેતવણી ઉચ્ચારી છે. 

રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ ઉપર 46.1 સે. નોંધાયું હતું અને અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 46 સે.એ પહોંચી ગયું હતું. અમરેલીમાં 45 સે તો જુનાગઢ, રાજકોટ, ભૂજ, વલ્લભવિદ્યાનગર, ડીસા સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ પારો 44 સે.ને પાર થયો હતો. 

સુરતમાં સિવિયર હીટવેવ નોંધાયેલ છે જ્યાં તાપમાન 40 સે.નીચે હોય ત્યાં આજે 41.2 સે. નોંધાયેલ છે. દરિયાકાંઠા નજીક આવેલ હોવા છતાં ભાવનગરમાં 41 અને જિલ્લાના મહુવામાં તો તાપમાન 43 સે.ને પાર થયું હતું. મૌસમ વિભાગ અનુસાર ગઇકાલે અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ ખાતે હીટવેવ એટલે કે નોર્મલી તાપમાન હોય તેના કરતા ઘણુ વધારે નોંધાયેલ છે. રાજ્યમાં પશ્ચિમનો એટલે કે દરિયા પરથી આવતો પવન અને ઉત્તર-પશ્ચિમનો પવન જારી રહ્યો છે. 

આજે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, કચ્છ તથા અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, મહેસાણા, પાટણ, વલસાડ જિલ્લાઓમાં હીટવેવની પૂરી શક્યતા મૌસમ વિભાગે જણાવી છે. હીટવેવની સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 30થી 60 કિ.મી. સુધીનો તીવ્ર પવન પણ ફૂંકાઈ રહ્યો છે, ગત ચોવીસ કલાક દરમિયાન જામનગરમાં કલાકના 46 અને કચ્છમાં 44 કિ.મી.ની ઝડપ મૌસમ વિભાગમાં નોંધાઈ છે. 

જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી 45 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો પહોંચતા ગગનમાંથી અગન વર્ષાને કારણે કેશોદના સોંદરડા શ્રમિક પરિવારની તરૂણીને લું લાગતા ઉલ્ટી શરૂ થતા સિવિલમાં સારવાર પહેલા મૃત્યુ થયું હતું. જયારે બે બાળકોને લુ લાગવાથી ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા છે.

સોરઠમાં ગઇકાલે 44.1 ડિગ્રી તાપમાન સોંદરડા ગામે આવેલ હર્ષ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મ.પ્રદેશના ખાનસીંગ ભુરીયાની પુત્રી મીજિતા (ઉ.વ.15)ને લુ લાગવાથી ઉલ્ટી શરૂ થતા 108 એમ્બ્યુલન્સમાં જુનાગઢ સિવિલમાં ખસેડાતા ડોકટરોએ તપાસી મૃત જાહેર કરી હતી.

આ તરૂણીનું લુ લાગવાથી મૃત્યુ થયાનું હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિ. ડો. દિગંત શિકોતરાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે આ સિવાય બે બાળકોને લુ લાગવાથી ગંભીર હાલતમાં દાખલ કરાયા હતા. તેઓને સારવાર મળતા તબીયત સુધારા ઉપર છે. આજે પણ લુ લાગવાના વધુ કેસો આવ્યાનું જાણવા મળેલ છે.

જામનગર
જામનગરમાં મહતમ તાપમાનનો પારો 38.4 ડિગ્રીએ પહોંચતા આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ અને બફારોનો માહોલ મહદઅંશે જળવાઇ રહયો છે.મહતમ તાપમાનમાં આંશિક વધારા સાથે પારો 38.4 પર સ્થિર થયો હતો.જેના કારણે બપોરે અંગ દઝાડતા તાપ સાથે અસહ્ય ઉકળાટ અને બફારાથી શહેરીજનો ત્રસ્ત બન્યા હતા.જયારે પવનની ઝડપમાં પણ 4 કિમીનો  વધારો જોવા મળ્યો. હતો.

જામનગર સહિત રાજયભરમાં ઉનાળાના મધ્યાહને સુર્યનારાયણે આકરો મિજાજ યથાવત રાખ્યો છે જેમાં જામનગરમાં બુધવારની સરખામણીએ મહતમ તાપમાનનો પારો એક ડિગ્રી ઉચકાયો હતો અને પારો 38.4 ડિગ્રી પર સ્થિર થયો હતો.જેના કારણે બપોરે રાહદારીઓ અને વાહન ચાલકોએ અંગ દઝાડતા  તાપનો અહેસાસ કર્યો હતો.તિવ્ર ગરમીના કારણે શહેરના રાજમાર્ગો પર ચહલ પહલ પાંખી જોવા મળી હતી.

તાપના પ્રકોપ સાથે ભેજનુ પણ પ્રમાણ 3 ટકા વધી 85 ટકા સુધી પહોચી જતા ઉકળાટ સાથે અસહ્ય બફારાનો અહેસાસ જનજીવને કર્યો હતો. છેલ્લા ચારેક દિવસથી વૈશાખી વાયરીના કારણે દિવસ સિવાયના સમયમાં તિંવ્ર પવનના કારણે લોકોએ ગરમીમાંથી અનુભવી થોડી રહયા રાહત હતા. મોડી સાંજ બાદ શહેરીજનોએ થોડી રાહતનો અહેસાસ કર્યો હતો. 

જામનગરમાં ગુરુવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન મહતમ તાપમાન 38.4ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.5 ડિગ્રી ઉપરાંત ભેજનુ પ્રમાણ 85 ટકા અને પવન પ્રતિ કલાક સરેરાશ 16.4 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હોવાનુ જાણવા મળે છે.

હિટવેવ સામે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત
લોકોને મુશ્કેલી જણાય તો ફોન નં.0281-2471573 તથા ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા તાકીદ
રાજકોટ તા.23

કાળઝાળ ગરમી-હિટવેવના પગલે જનજીવન આકુળ વ્યાકુળ બની જવા પામેલ છે. સુર્યનારાયણ આકાશમાંથી સતત તાપ વરસાવી રહ્યા હોય સોંપો પડી જવા પામેલ છે. હિટવેવની પરિસ્થિતિને લઈને રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કરી દેવામાં આવેલ છે.

તેની સાથે જ હિટવેવની સ્થિતિમાં લોકોને કોઈ મુશ્કેલી જણાય તો ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન નં.0281-2471573 અથવા ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક કરવા નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ જણાવેલ છે. તેઓએ જણાવેલ છે કે હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાઓ લેવા જરૂરી છે.

જેમાં પુરતું પાણી પીવું તથા ઓઆરએસ, ઘરે બનાવેલા પીણા જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ (કાચી કેરી), લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો જે શરીરને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. હળવા સફેદ રંગના ખુલતા અને છીદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા બને તેટલુ ઘરની અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવો જરૂરી છે.

માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો, તમારા ઘરને ઠંડુ રાખો, પડતા, શટર, અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખોલવી, હિટ સ્ટ્રોક, હીટ રેશ અથવા હીટ કેમ્પ જેવા કે નબળાઈ, ચકકર આવવાના સંકેતોને ઓળખો, માથાનો દુખાવો, ઉબકા, પરસેવો અને બેભાન અથવા બીમારી અનુભવો તો તરત જ ડોકટરને મળો, પ્રાણીઓને છાંયડામાં રાખો અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપો, સગર્ભા કામદારો અને તબીબી સ્થિતિ ધરાવતા કામદારો પર વધારે ધ્યાન આપવું જરૂરી છે.

તેમજ ખાત કરીને બપોરે 12થી 3 વાગ્યાની વચ્ચે તડાકામાં બહાર જવાનું ટાળવા ઘાટા ભારે અથવા ચુસ્ત કપડા પહેરવાનું ટોળવું જયારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત પ્રવૃતિઓ ટાળવી ખુલ્લા પગે બહાર ન જાવું જોઈએ. પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળવા રસોઈ વિસ્તારને પૂરતા પ્રમાણમાં હવાની અવર જવર માટે દરવાજા અને બારીઓ ખોલવા તેમજ આલ્કોહોલ, ચા, કોપી, અને કાર્બોનેટેડ સોફટ ડ્રીંકસ ટાળો, જે શરીરને ડીહાઈડ્રેટ કરે છે. ઉચ્ચ પ્રોટીન ખોરાક ખાવાનું ટાળો અને વાસી ખોરાક ન ખાવા જણાવેલ છે.

 

 

Print