www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલે વિશ્વ સિકલ સેલ દિવસ

ગુજરાતમાં સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 1 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ


2006માં સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

સાંજ સમાચાર

રાજકોટ:તા 18 
 સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક રક્ત વિકૃતિ (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 19 જૂનના રોજ ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં સિકલ સેલ એનેમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એમ 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં રાજ્યમાં સિકલ સેલ એનેમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે ‘સિકલ સેલ એનેમિયા નિયંત્રણ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. આ કાર્યક્રમ હેઠળ અત્યારસુધીમાં રાજ્યના કુલ 1 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં જ આ કાર્યક્રમ હેઠળ કુલ 17,69,863 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
 

વડાપ્રધાનનું 2047 સુધીમાં સિકલ સેલ  એનેમિયાને ખતમ કરવાનું લક્ષ્ય
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 1 જૂલાઈ, 2023ના રોજ મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાથી રાષ્ટ્રીય સિકલ સેલ એનેમિયા નાબૂદી મિશન 2047નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે સરકાર વર્ષ 2047માં ભારતના અમૃતકાળનો ઉત્સવ ઉજવતા પહેલા આ બીમારીને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ મિશનનો લક્ષ્યાંક ગુજરાત સહિત સમગ્ર દેશના 17 ઉચ્ચ જોખમવાળા રાજ્યોમાં 0-40 વર્ષની વયજૂથના લગભગ 7 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવાનો છે. સરકાર આ રોગની સારવાર પણ ઉપલબ્ધ કરાવશે. 
 

 શું છે સિકલ સેલ એનેમિયા
સિકલ સેલ એનેમિયા એ રક્ત સંબંધિત આનુવંશિક વિકાર છે. સામાન્ય રીતે લાલ રક્તકણો ગોળાકાર અને લચીલા હોય છે, પરંતુ આ રોગમાં લાલ રક્તકણોનો આકાર બદલાઇને અંગ્રેજી અક્ષર ‘સી’ (સિકલ) જેવો થઈ જાય છે અને આ રક્તકણો એકબીજા સાથે ચોંટી જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ અને ઓક્સિજન શરીરના તમામ અંગો સુધી યોગ્ય રીતે પહોંચતા નથી. પરિણામે, સિકલ સેલ એનેમિયાના દર્દીઓને ઘણા પ્રકારની આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 
 

સિકલ સેલ એનેમિયાના લક્ષણો
શરીર નબળું થઈ જવું, સતત તાવ આવવો અને કમળો થઇ જવો, સાંધા અને હાડકાંઓમાં સોજો, પેટમાં દુ:ખાવો, સગર્ભા મહિલાઓમાં કસુવાવડ થવાની શક્યતાઓ અને ચેપી રોગો ખાસ કરીને ફેફસાંના રોગોનો સરળતાથી શિકાર થઈ જવું, વગેરે સિકલ સેલ એનેમિયા રોગના મુખ્ય લક્ષણો છે.  
 

સિકલ સેલ એનેમિયાના દર્દીઓએ રાખવાની સાવચેતીઓ
સિકલ સેલ એનેમિયાના દર્દીઓએ નિયમિત રીતે હોસ્પિટલમાં ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ. આ ઉપરાંત, દર્દીઓએ દિવસમાં ઓછામાં ઓછું 10-15 ગ્લાસ પાણી પીવું જોઇએ, પૂરતો આરામ કરવો જોઇએ, તણાવમુક્ત રહેવું જોઇએ, દારૂ અથવા અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવું જોઇએ, ધૂમ્રપાનથી બચવું જોઇએ, વધુ ઊંચાઇ વાળા સ્થળોએ ન જવું જોઇએ, વધુપડતી ઠંડીથી બચવું જોઇએ, વધુ શારીરિક શ્રમ ટાળવો જોઇએ અને આકરા તાપમાં બહાર ન નીકળવું જોઇએ. 

 

Print