www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માનવજીવનની સુરક્ષામાં સમાધાન ન ચાલે : વિકાસ કામોમાં ઢીલ કેમ? પદાધિકારી-અધિકારીઓને CM ના સ્પષ્ટ સંદેશા


લોકોની નાની નાની ફરિયાદો પર ધ્યાન આપો : પાલિકા-મહાપાલિકાઓને ચેક આપવા સાથે ભુપેન્દ્રભાઇની શીખ

સાંજ સમાચાર

ગાંધીનગર, તા. 14
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવજીવન સુરક્ષાને સૌથી પહેલી પ્રાયોરિટી આપવા સ્પષ્ટ તાકીદ કરી છે. માનવ જીવન સુરક્ષા સંદર્ભમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ એમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજકોટની ઘટનાને પણ આ વિધાન લાગુ પડતું હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસની આપણી તેજ રફ્તારમાં વિકાસ જેના માટે છે એ માનવીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટેની ગ્રાન્ટના કુલ 2111 કરોડ રૂપિયાના ચેક વિતરણ અવસરે સંબોધન કરી રહ્યા હતા. 

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં વિકાસના અનેક સારા કામો થયા છે. આમ છતાં, ક્યાંક કોઈ કચાશ કે ઢીલાશ રહી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે પદાધિકારીઓ-અધિકારીઓને આહવાન કરતાં તેમણે કહ્યું કે, વિકાસ કામોની ગુણવત્તા-ક્વોલિટીનું સમયાંતરે મોનિટરિંગ સાથે બેસીને થાય તે જરૂરી છે. એટલું જ નહીં, પ્રજાજનોની નાની-નાની ફરિયાદો પર પણ ધ્યાન આપીને તેનું યોગ્ય અને ત્વરિત નિવારણ થાય તે જ વિકાસની સાચી દિશા છે.

મુખ્યમંત્રીએ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સુશાસનમાં રહી જ નથી તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ સારાં કામ કરે છે તેને વધુ વિકાસ કામો માટે લોકહિત કામો માટે વધુ નાણાંની જરૂરિયાત હશે તો તે પૂરી કરવા પણ રાજ્ય સરકાર તૈયાર છે. 

મુખ્યમંત્રીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રને આગળ ધપાવવાની પ્રેરણા આપતા ઉમેર્યું કે, વડાપ્રધાને રોજિંદા જનજીવનમાં આપેલા મિશન લાઇફના આપેલા વિચારને સાકાર કરવા માટે ઘનિષ્ઠ વૃક્ષારોપણ નગરોમાં કરવું જરૂરી છે. તેમણે પર્યાવરણ અનુકૂલન વિકાસ સાથે સર્વગ્રાહી વિકાસ દ્વારા ગુજરાતને વિકસિત ભારતના સંકલ્પમાં અગ્રેસર રાખવા પણ આ તકે અનુરોધ કર્યો હતો.

મુખ્ય સચિવ રાજકુમારે ગુજરાતને દેશનું સૌથી અર્બનાઇઝ્ડ રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, દેશમાં વધી રહેલા શહેરીકરણને ધ્યાને લઇને ગુજરાતના શહેરોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા 2009-10માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકી હતી. શહેરોને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા રાજ્ય સરકારે આ યોજના હેઠળ વર્ષ 2023-24 સુધીમાં રૂ. 38,000 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. 

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યની અંદાજે 50 ટકા જેટલી વસ્તી જ્યારે શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે નાગરિકોને પાયાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં શહેરી વિકાસ કાર્યો માટે છેલ્લા એક વર્ષમાં અંદાજે કુલ રૂ.5,707 કરોડની  માતબર રકમ ફાળવવામાં આવી છે. ફાઇનાન્સ બોર્ડના સી.ઇ.ઓ બી. બી. વહોનીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 673 કરોડ, સુરતને રૂ. 516 કરોડ, વડોદરા રૂ. 188 કરોડ, રાજકોટને રૂ. 148 કરોડ, ભાવનગરને રૂ. 69 કરોડ, જામનગરને રૂ. 66 કરોડ, જૂનાગઢને રૂ. 34 કરોડ અને ગાંધીનગરને રૂ. 35 કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત રાજ્યની ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 4 કરોડ, ‘બ’ વર્ગની 30 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. 3 કરોડ, ‘ક’ વર્ગની 60 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 2.25 કરોડ અને ‘ડ’ વર્ગની 45 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 1.5 કરોડ એમ કુલ રૂ. 382 કરોડ સહિત સમગ્રતયા રૂ. 2,111 કરોડની ગ્રાન્ટરના ચેક વિતરણ થયા હતા.

આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદ સભ્યો, ધારાસભ્યો,ગાંધીનગરના  મેયર હિતેશભાઈ મકવાણા સહિત રાજ્યની વિવિધ મનપાના મેયરો, ડેપ્યુટી મેયરો, પ્રમુખો, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રાજકુમાર બેનીવાલ, આર. જી. ગોહિલ, કમિશનરો, પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Print