www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦પોલીસ સ્ટેશન, સી-ટીમ, મહિલા હેલ્પલાઇન અભયમને ખાસ સૂચના, પતિ-પત્નીના ઝઘડાના કેસોની અરજી પહેલા પ્રિ- લીટીગેશન અર્થે મોકલવી

રાજકોટ જિલ્લા ન્યાયાલયના મીડીએશન કેન્દ્રમાં વૈવાહિક વિવાદના 3 કેસોમાં સમાધાન


♦‘ઉજાસ એક આશાની કિરણ’ : હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અપનાવેલ આવકારદાયી અભિગમને રાજ્યભરમાં સફળતા મળી

સાંજ સમાચાર

રાજકોટ, તા.1
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અપનાવેલ આવકારદાયી અભિગમ ‘ઉજાસ એક આશાની કિરણ’ને રાજ્યભરમાં સફળતા મળી છે. ત્યારે, રાજકોટ જિલ્લા ન્યાયાલયના મીડીએશન કેન્દ્રમાં વૈવાહીક વિવાદના 3 કેસોમાં સમાધાન થયું છે. દામ્પત્ય જીવનના વિવાદોનું નિવારણ લાવવા પોલીસ સ્ટેશન, સી-ટીમ, મહિલા હેલ્પલાઇન અભયમને ખાસ સૂચના અપાઈ છે કે, પતિ-પત્નીના ઝઘડાના કેસોની અરજી પહેલા પ્રિ- લીટીગેશન અર્થે મોકલવી.

જિલ્લા ન્યાયાલયના મીડીએશન સેન્ટર તરફથી મળેલી વિગતો મુજબ, રાજ્યમાં શરૂ થયેલ ઉજાસ એક આશાની કિરણ પહેલ રાજકોટમાં સફળ નિવડી છે. રાજકોટમાં કોર્ટના માધ્યમથી દામ્પત્ય જીવનને લગતાં 3 કેસનું સમાધાન થયું છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના આવકારદાયી વલણથી પતિ-પત્નીના ઝઘડાનું વહેલી તકે સમાધાન શક્ય બન્યું રાજકોટ જીલ્લા ન્યાયાલય મીડીએશન સેન્ટર ખાતે પ્રિ - લીટીગેશન કાયમી લોક અદાલતમાં 22થી વધું કેસ સમાધાન માટે ફાઈલ થયા છે.

રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના પ્રયાસથી ત્રણ કેસમાં પ્રિ-લીટીગેશનની કામગીરી દ્વારા એક જ સીટીંગમાં સમાધાન કરાવી દેવાયું હતું. પ્રિ-લીટીગેશનનો ઉદ્દેશ બન્ને પક્ષકારોએ કોર્ટમાં કેસ કર્યા વગર લાંબી પ્રક્રિયા અનુસર્યા વગર વૈવાહીક વિવાદનું સમાધાન કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશન, સી-ટીમ તથા અભયમને ખાસ કહેવાયું છે કે, જે કેસ સમાધાન લાયક હોય તેમાં ગુનો નોંધતા અગાઉ તેની અરજી પ્રિ - લીટીગેશન અર્થે જિલ્લા ન્યાલય ખાતે આવેલ મીડીએશન સેન્ટર ખાતે મોકલાવવાની રહેશે.

અત્યારના આ આધુનિક યુગમાં કેટલાક કિસ્સાઓમાં નજીવી બાબતને મોટુ સ્વરૂપ આપી દેવાના કારણે ક્યારેક વાત છેક છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આવા કિસ્સામાં ત્વરિત ગતિએ કાર્યવાહી કરી સમાધાન સાંધવા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે અપનાવેલ આવકારદાયી અભિગમથી રાજકોટમાં દામ્પત્ય જીવનને લગતાં ત્રણ કેસમાં સમાધાન શક્ય બન્યું છે.

જેમાં કોર્ટનું મધ્યસ્થી કરણનું પગલું સફળ પૂરવાર થયું છે. ગુજરાત હાઈકોર્ટના ચિફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે વૈવાહિક સમસ્યાનું તાકીદે નિરાકરણ થાય તે માટે મધ્યસ્થી કરવા ભાર મૂક્યો હતો. જેમાં બન્ને પક્ષને બોલાવી બન્ને પક્ષની વાત શાંતિથી સવિસ્તર સાંભળવામાં આવે છે ત્યારબાદ મધ્યસ્થીની ભૂમિકામાં રહેલી વ્યક્તિ બન્ને પક્ષને મુદ્દા પ્રમાણે સમજાવવાના પ્રયાસો કરે છે. રાજકોટમાં દામ્પત્ય જીવનને લગતાં 3 કેસમાં આ રીતે સમાધાન કરવામાં સફળતા સાંપડી છે.

♦આ પ્રક્રિયા કેવી રીતે થશે, પ્રિ-લીટીગેશન માટે અરજી ક્યાં કરવી?
પ્રિ-લીટીગેશનન માટેની અરજી વૈવાહીક વિવાદ અર્થે પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશન, અભયમ મહિલા હેલ્પલાઇન મુકામે તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મુકામે અરજી કરી શકાય છે. તેમજ પ્રિ- લીટીગેશન લોક અદાલતમાં સમગ્ર પ્રક્રિયા તદ્દન નિ:શુલ્ક રહેશે. લગ્ન જીવનની તકરારોની સરળ અને ઝડપી ઉકેલ આવશે. નાણા તથા સમયનો બચાવ થશે. તેમજ તકરારોનું કાયમી અસરકારક અને સર્વોમાન્ય સમાધાન થશે.

Print