www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મિટરથી લોકોમાં ભારે આક્રોશ: 200 લોકોની ધમાલ


♦વિજ ચોરીનું નુકશાન ભરપાઈ કરવા સ્માર્ટમિટરની યોજના લવાઈ હોવાનો વિજ ગ્રાહકોનો આક્રોશ: નિયમિત વિજબિલ ભરતા લોકોને પણ ટાર્ગેટ બનાવાયા: જૂના મીટર લગાડવા માંગ

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.22
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ કંપની દ્વારા હાલ સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરમાં 900થી વધુ રહેણાક મકાનોમાં સ્માર્ટ મીટર લાગ્યા છે.

 ત્યારે તેમાં ધડાધડ યુનીટો બળતા હોવાની રાવ ઉઠી છે. આ બાબતે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેમાં મંગળવારે 200થી વધુ ગ્રાહકો વીજ કંપનીની સર્કલ કચેરીએ દોડી ગયા હતા. અને પોતાના સ્માર્ટ મીટર પાછા ઉખેડી લેવા અને તેના સ્થાને રૂટીન મીટર આપવા માંગ કરી હતી. 

સાંપ્રત સમયમાં પીજીવીસીએલ વીજ કંપની પણ આધુનીકતા તરફ વળી રહે છે. જેમાં જુના-પુરાણા મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ સ્માર્ટ મીટર અનેક રહેણાંક મકાનોમાં લગાવાયા છે.

જેમાં સૌપ્રથમ બહુમાળી ઈમારતોમાં સ્માર્ટ મીટર વીજ કંપની લગાવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં લાગેલા સ્માર્ટ મીટરમાં ધડાધડ યુનીટ બળતા હોવાની રાવ ઉઠી હતી. જુના મીટરમાં દરરોજ અંદાજે 18થી 20 યુનીટ બળતા હતા. જયારે નવા સ્માર્ટ મીટર લાગ્યા પછી દરરોજ 65થી 70 યુનીટ બળી જાય છે. ઘરના અન્ય ઉપકરણો બંધ કરીને માત્ર ફ્રીઝ ચાલુ રાખીએ તો પણ એક કલાકે એક યુનીટ બળે છે.

આમ માત્ર ફ્રીઝના જ 24 કલાકમાં 24 યુનીટ થઈ જાય છે. રાજયના અન્ય શહેરોની જેમ સુરેન્દ્રનગરમાં પણ સ્માર્ટ મીટર બાબતે લોકોમાં રોષ જોવા મળે છે. સુરેન્દ્રનગરના ઘર હો તો ઐસા પરિસર, જે.પી.શેરી, હરિદ્વાર હાઈટસ, જોરાવરનગર સહિતના વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવાયા છે.

ત્યારે મંગળવારે રાજુભાઈ કરપડા, કમલેશભાઈ કોટેચા, સતીશભાઈ ગમારા, પીન્ટુભાઈ શાહ, ધર્મેન્દ્રભાઈ સંઘવી, પંકજભાઈ પુજારા, રમેશભાઈ મેર સહિતનાઓની આગેવાનીમાં 200થી વધુ વીજ ગ્રાહકો વીજ કંપનીની સર્કલ ઓફીસે પહોંચીને આક્રોશ સાથે રજૂઆત કરી પોતાના સ્માર્ટ વીજ મીટર પાછા ઉખેડી નાંખી તેના સ્થાને જુના રૂટીન વીજ મીટર નાંખવા અરજીઓ કરી હતી. વીજ અધિકારીએ આ બંને મીટરમાં કોઈ ફેર ન હોવાનું જણાવતા લોકોએ ફેર ન હોય તો બદલવા શું કામ પડયા? તેમ કહીને રોષ વ્યકત કર્યો હતો. 

વીજ તંત્રની કચેરીમાં રજૂઆત કરવા આવેલા કમલેશભાઈ કોટેચાએ રોષ પુર્વક જણાવ્યુ કે, સુરેન્દ્રનગર શહેરમાં જે લોકો ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારોના છે, જે લોકો નીયમીત વીજ બિલ ભરે છે તેવા લોકોને ટારગેટ કરીને તેમને ત્યાં સ્માર્ટ મીટર લગાવાયા છે. બીજી તરફ શહેરના એવા અનેક વિસ્તારો છે કે જયાં બેફામ વીજ ચોરી થાય છે.

ત્યારે આવા વિસ્તારોમાં સ્માર્ટ મીટર કેમ લગાવાયા નથી? જયારે મુખ્ય રાજકીય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોને ત્યાં પણ સ્માર્ટ મીટરો હજુ સુધી પહોંચ્યા નથી.

♦સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં વીજતંત્ર બળજબરી કરતું હોવાનો આક્ષેપ

સરકારના પરિપત્રમાં સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત ન હોવા છતાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ તંત્ર બળજબરીપૂર્વક વીજગ્રાહકોના સ્માર્ટ મીટર લગાવી લેતા હોવાનો આક્ષેપ રજૂઆતકર્તાઓએ લગાવ્યો હતો. તેમજ પરિપત્ર મુજબ જે વિસ્તારોમાં વીજચોરી થતી હોય તેવા વિસ્તારોમાં જ વસ્તીના આધારે 15 ટકા જેટલા વીજગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવાની સરકારની ગાઈડલાઈન હોવાનું જણાવ્યું હતું. 

 

Print