www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અદાણી વિશેના રીપોર્ટથી શેરબજારમાં હાહાકાર સર્જનાર

હિંડનબર્ગ પર ગાળીયો: સેબીએ નોટીસ ફટકારી


46 પાનાની નોટીસમાં લોકોને ગેરમાર્ગે દોર્યા સહિતના મુદાઓની નોંધ: ખુદ અમેરિકન કંપનીએ જ નોટીસ મળ્યાનો ખુલાસો કરીને ‘અદાણીને બચાવવાના’ સેબી સામે આક્ષેપ કર્યા

સાંજ સમાચાર

મુંબઈ,તા.2
ભારતના ટોચના ઉદ્યોગપતિ અદાણી જુથ સહિત સમગ્ર ભારતીય શેરબજારમાં હાહાકાર સર્જનાર અમેરિકા સ્થિત રિસર્ચ કંપની હિંડનબર્ગ સામે જ હવે ગાળીયો કસાયો છે. સેબી દ્વારા હિંડનબર્ગને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે. ભારતીય શેરબજારના નિયમોનો ભંગ કરાયાની શંકા દર્શાવી છે.

હિંડનબર્ગ દ્વારા જ એવુ જાહેર કરાયુ છે કે, કંપનીએ 27મી જૂને સેબીએ નોટીસ ફટકારી છે. જો કે, ભારતીય વર્તુળો સાથેની વાતચીતના આધારે એવી શંકા છે કે સેબી અદાણીને બચાવવા મેદાને પડી છે. કંપનીએ જાન્યુઆરી 2023માં અદાણી વિશે રિપોર્ટ જારી કર્યો તેના તુરંત બાદ સેબીએ પડદા પાછળ રહીને શોરબ્રોકરોને દબાવવાનુ અને અદાણી ગ્રુપની કંપનીઓમાં ‘શોર્ટ પોઝીશન’ સરખી કરી લેવાનું કહ્યું હતું.

કંપનીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેબી દ્વારા અમારા રિપોર્ટના આક્ષેપ પર તપાસ કરવામાં આવી હતી. વાસ્તવમા અમારા રિપોર્ટના મહત્વના ખુલાસામાં તથ્ય જણાયુ હતું પરંતુ ત્યારબાદ સેબીએ વધુ તપાસ કરવામાં અસમર્થતા દર્શાવી દીધી હતી.

હિંડનબર્ગ દ્વારા એમ પણ જાહેર કરવામાં આવ્યું છે કે અદાણી અને હિંડનબર્ગ એમ બન્ને મુદ્દાઓ પર કામ કરતા સેબીના અધિકારીઓના નામ ખુલ્લા પાડવા માટે માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માંગશે. ઉપરાંત સેબી તથા અદાણી વચ્ચેની મીટીંગની પ્રાથમીક વિગતો મેળવવા માટે પણ અરજી કરશે.

સેબી દ્વારા હિંડનબર્ગને 46 પાનાની નોટીસ ફટકારવામાં આવી છે તેમાં કંપનીએ જાન્યુઆરી 2023માં જારી કરેલા રિપોર્ટમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી બાબતે દર્શાવવામાં આવી છે.

 

હિંડનબર્ગે હવે કોટક બેંકને વિવાદમાં ઢસડી: વધુ એક ભારતીય ગ્રુપને બચાવવા સેબીના પ્રયાસનો આક્ષેપ
દોઢ વર્ષ પુર્વે અદાણી ગ્રુપ વિશે રિપોર્ટ જાહેર કરીને ખળભળાટ સર્જનાર અમેરિકી રિસર્ચ કંપનીને સેબીએ શોકોઝ નોટીસ ફટકારી છે ત્યારે હવે હિંડનબર્ગે હવે કોટક ગ્રુપને પણ વિવાદમાં ઢસડયુ છે.

હિંડનબર્ગે સેબીની નોટીસ વિશે એવો આરોપ મુકયો છે કે સેબીએ કોટક બેંક કે તેના કોઈપણ બોર્ડ ડાયરેકટરની નોંધ નહીં દર્શાવીને વધુ એક શક્તિશાળી ભારતીય ઉદ્યોગપતિને તપાસના દાયરામાંથી-ચકાસણીમાંથી બચાવ્યા છે.

અમેરિકન કંપનીએ સેબીની શોકોઝ નોટીસને ‘નોન-સેન્સ’ (બેવકુફીભરી) ગણાવી છે. ભારતના શક્તિશાળી લોકોના ગોટાળા અને ભ્રષ્ટાચારથી બચાવવાનો પ્રયાસ છે. કોટક બેંક દ્વારા પણ વિદેશી ફંડ માળખુ સર્જવામાં આવ્યુ હતું અને તેનો ઉપયોગ ‘ઈન્વેસ્ટર પાર્ટનર’ તરીકે કરાયો હતો પરંતુ તેના વ્યવહારનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

કંપનીએ ‘ઈન્વેસ્ટર’નુ નામ જાહેર કર્યા વિના કહ્યું કે તેના દ્વારા અદાણી ગ્રુપની શોર્ટ પોઝીશનના આધારે 41 લાખ ડોલરની આવક મેળવી હતી. જયારે અમેરિકી બોન્ડમાં શોર્ટ પોઝીશનથી 31000 ડોલરની કમાણી કરી હતી. સેબીએ નોટીસમાં કોટક બેંકનો ઉલ્લેખ કર્યો નથી. વાસ્તવમાં હિંડનબર્ગ સાથે તેનો કરાર હતો.

 

 

Print