www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાહુલ ગાંધીના વિધાનોનો વિરોધ ‘તોફાની’ બન્યો

અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ: પથ્થરમારો : રાહુલના પોસ્ટર પર કાળો સ્પ્રે કરાયો


વિહિપ-બજરંગદળના 20થી25 કાર્યકરોનું વ્હેલી સવારે કૃત્ય : કાર્યાલયનો ગેટ કુદીને અંદર ઘુસ્યા: ખળભળાટ

સાંજ સમાચાર

અમદાવાદ,તા.2
લોકસભામાં કોંગ્રેસના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ વિશેના વિધાનોથી સર્જાયેલા રાજકીય વિવાદ વચ્ચે આજે વ્હેલીસવારે અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે 20થી25 શખ્સોના ટોળાએ ત્રાટકીને પથ્થરમારો કરવા સાથે તોડફોડ કરતા સનસનાટી મચી ગઈ છે. કાર્યકરોએ રાહુલ ગાંધીના પોસ્ટર પર સ્પ્રેથી કાળી શાહી પણ લગાવી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય એવા રાજીવ ગાંધી ભવન ખાતે 20થી25 કાર્યકરોનું ટોળુ ત્રાટકયુ હતું. બજરંગદળ તથા વિશ્ર્વહિન્દુ પરિષદના કાર્યકરો કાર્યાલયના ગેટ પરથી કુદીને અંદર ઘુસી ગયા હતા અને પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી.

કાર્યાલયને તાળાબંધી કરી હતી ઉપરાંત વહેલી સવારે ફરી વી.એસ.હોસ્પીટલ ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય પર ધસી જઈને રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળો સ્પ્રે કરી દીધો હતો.

આ ઘટનાને પગલે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં સનસનાટી મચી હતી. કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાને કાયરતાપૂર્ણ ગણાવી હતી. પ્રવકતા હેમાંગ રાવલે કહ્યું કે પોતે મંદિરમાં દર્શન-પૂજા કરીને બહાર આવતા આ ઘટનાની ખબર પડી છે. સીધો જ ઓફીસે પહોંચુ છું અને નકલી હિન્દુઓને ચેલેન્જ આપુ છું કે રાતના અંધારામાં કાયરતાપૂર્ણ હુમલા કરવાના બદલે દિવસે આવી જાવ, અમારી પાસે પણ સત્ય અને અહિંસાના હથિયારો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચા દરમ્યાન લોકસભામાં એમ કહ્યું હતું કે પોતાને હિન્દુ ગણાવતા લોકો દ્વારા જ હિંસા-નફરત ફેલાવવામાં આવે છે. આ વિધાનોને ભાજપે હિન્દુઓને હિંસક કહ્યાનું ગણાવીને વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધી પાસે માફીની પણ માંગ કરવામાં આવી હતી.

ધર્મ માટે થતી હિંસા એ અહિંસા જ છે: બજરંગદળ
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાથી સનસનાટી વચ્ચે બજરંગદળનાં પ્રમુખ લલીત મહેતાએ જણાવ્યું હતું કે ધર્મ માટે કરેલી હિંસા અહીંસા બરાબર જ હોવાનું હિન્દુ ધર્મમાં કહેવાયું છે. કોંગ્રેસ અહિંસાની વાતો કરે છે પરંતુ શીખ રમખાણો વખતે આવા વિધાનો કેમ કર્યા ન હતા.રમખાણો કોંગ્રેસે જ કરાવ્યા હતા. કાશ્મીરી પંડીતો સાથે અન્યાય વખતે કોંગ્રેસ કેમ ચૂપ હતી?

અંધારામાં આવીને ભાજપનુ કાયરતાપુર્ણ કૃત્ય; અસલી ચહેરો ખુલ્લો પડયો: કોંગ્રેસ
પ્રદેશ પ્રવકતા મનીષ દોશીનો પ્રત્યાઘાત; વધુ હુુમલાનો ભય

રાહુલ ગાંધીના હિન્દુ વિશેના વિધાનોથી સર્જાયેલા રાજકીય હંગામા વચ્ચે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો-તોડફોડની ઘટના વિશેના આકરા પ્રત્યાઘાતમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીશ દોશીએ કહ્યું કે ભાજપનુ આ કાયરતાપૂર્વકનું કૃત્ય છે. અંધારામાં આવીને કોંગ્રેસ કાર્યાલય પર હુમલો-તોડફોડ કરવામાં આવી છે. રાહુલ ગાંધીનું વિધાન સાફ છે કે સમાજમાં હિંસાને કોઈ સ્થાન નથી. દરેક ધર્મનો આ જ સંદેશ છે.

રાહુલ ગાંધીના ભાષણથી છંછેડાયેલા ભાજપે આ હુમલો કર્યો છે. વધુ હુમલા કરશે તેવો ભય છે. ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. કોંગ્રેસ અહિંસા-પ્રેમમાં માને છે અને કોઈ ડર રાખવાની નથી.

Print